રાજકોટ : મુખ્યમંત્રીના શહેરમાં બે દિવસમાં બે હત્યા, કાયદો-વ્યવસ્થાની સ્થિતિના લીરા ઉડ્યા, લુખ્ખાઓ બેફામ

0
47

રાજકોટ: શહેરમાં વિનસ પાન નામે પેઢી ધરાવતા અને ‘બાપી’ તરીકે ઓળખાતા આધેડને શનિવારે બપોરે યુનિવર્સિટી રોડ પર રવિરત્નપાર્ક પાસે જાહેરમાં તેના જ મિત્રે એક મિનિટમાં છરીના 37 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા.  પોલીસે આરોપી ફિરોઝને જામનગરથી ઝડપી લીધો હતો.

કાલાવડ રોડ પર સદ્દગુરુ કોલોનીમાં રહેતા અને અમીનમાર્ગ પર પાનની દુકાન ધરાવતા હરેશભાઇ ઉર્ફે બાપી માધવજી ભાઇ મકવાણા (ઉ.વ.45)ની નાની પુત્રી જાનકીની રવિવારે સગાઇ હોવાથી શનિવારે બપોરે હરેશભાઇ પોતાના માટે બૂટ ખરીદવા પોતાના કર્મચારી સાથે નીકળ્યા હતા. પોતાની દુકાનથી થોડે દૂર પહોંચ્યા હતા ત્યારે જ હરેશ ભાઇના મોબાઇલ પર તેના મિત્ર ફિરોજ જીકર મોતલિયાએ ફોન કર્યો હતો અને મળવા માટે બોલાવ્યા હતા. હરેશભાઇ અને તેનો મિત્ર કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિરની સામે આવેલા નકલંક ટી સ્ટોલે પહોંચ્યા હતા જ્યાં ત્રણેયે સાથે ચા પીધી હતી. કર્મચારીને એટીએમમાંથી પૈસા લઇ આવવાનું કહી હરેશભાઇએ કર્મચારીને રવાના કર્યો હતો અને પોતે તથા ફિરોજ ચાલતા થયા હતા.

બેફામ બનેલા ફિરોજે જાહેરમાં હરેશભાઇને છરીના ઉપરાછાપરી 37 ઘા ઝીંકી દીધા
ત્યારબાદ ફિરોજ બાઇક પર અને હરેશભાઇ એક્ટિવા પર સાથે જ રવાના થયા હતા. રસ્તામાં બંને વચ્ચે ફરીથી કોઇ મુદ્દે બોલાચાલી થયા બાદ મામલો બિચકતા બાપીએ પોતાનું એક્ટિવા ભગાવ્યું હતું, ફિરોજે બાઇકથી પીછો કરી રવિરત્નપાર્ક શેરી નં.4 પાસે એક્ટિવાને ઠોકર મારીને બાપીને પછાડી દીધા હતા અને પછી ફિરોજ છરીથી તૂટી પડ્યો હતો. બેફામ બનેલા ફિરોજે જાહેરમાં હરેશભાઇને છરીના ઉપરાછાપરી 37 ઘા ઝીંકી દીધા હતા અને પોતાનું બાઇક લઇ નાસી ગયો હતો
કેટલાક સમયથી તે સ્પા બાપીએ મિત્ર ફિરોજને ચલાવવા આપ્યું હતું
હરેશભાઇ ઉર્ફે બાપી અને ફિરોજ બંને અંગત મિત્રો હતા. કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિર સામે આવેલા કોમ્પ્લેક્સમાં અગાઉ બાપી રોયલ સ્પા ચલાવતો હતો અને કેટલાક સમયથી તે સ્પા બાપીએ મિત્ર ફિરોજને ચલાવવા આપ્યું હતું. સ્પાના પૈસાની લેતીદેતી બાબતે બંને વચ્ચે માથાકૂટ ચાલતી હોય બાપીને પતાવી દેવાયાની શંકા સેવાઇ રહી છે.
ત્રણ દિવસ પૂર્વે હરેશભાઇ અને ફિરોજે સાથે દારૂ પીધો હતો
આ ઉપરાંત ત્રણ દિવસ પૂર્વે હરેશભાઇ અને ફિરોજે સાથે દારૂની મહેફિલ માણી હતી. નશામાં ફિરોજ બેફામ બોલતો હતો, બીજા દિવસે એ મુદ્દે હરેશભાઇએ મિત્ર ફિરોજને બે ફડાકા ઝીંક્યા હતા, જોકે ફડાકા મારવાની ઘટનાના બીજા દિવસે પણ બંને સાથે જોવા મળ્યા હતા. બાપીએ ઝીંકેલા ફડાકાથી રોષે ભરાયેલા ફિરોજે ઘાતકી હત્યાને અંજામ આપ્યો હતો.
હત્યારો ઝનૂનથી છરીના ઘા ઝીંકતો હતો, લોકો તમાશો જોઇ રવાના થતા હતા
હુમલાથી બચવા બાપીએ યુનિવર્સિટી રોડ પર પોતાનું બાઇક ભગાવ્યું હતું, મિત્રમાંથી ગદ્દાર બનેલા ફિરોજે બાઇકથી પીછો કર્યો હતો અને રવિરત્નપાર્ક પાસે એક્ટિવાને ઠોકર મારતા બાપી અને ફિરોજ બંને ફંગોળાયા હતા. પટકાયેલા ફિરોજે ઊભા થઇ પોતાની પાસે રહેલી છરીથી હરેશભાઇ ઉર્ફે બાપી પર હુમલો કર્યો હતો. ઝનૂની બનેલો ફિરોજ ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી રહ્યો હતો ત્યારે કેટલાક વાહનચાલકો ત્યાંથી પસાર થયા હતા, પરંતુ તમાશો જોઇ વાહનચાલકો રવાના થઇ ગયા હતા, કોઇએ ફિરોજને અટકાવવાની હિંમત કરી નહોતી.
લોહીથી લથબથ પડેલા બાપીના હાથ પર બાઇક હંકારી હત્યારો નાસી ગયો
છરીના 37 ઘા ઝીંકાતા હરેશભાઇ લોહીથી લથબથ હાલતમાં રસ્તા પર પડ્યા હતા. હરેશભાઇ ઉર્ફે બાપીનું મોત નિશ્ચિત લાગતાં ફિરોજે તેમને મારવાનું બંધ કર્યું હતું અને રસ્તા પરથી પોતાનું બાઇક ઊભું કર્યું હતું, બાઇક ચાલુ કરીને ભાગતી વખતે પણ ફિરોજે અંતિમ શ્વાસ લઇ રહેલા બાપીના હાથ પર બાઇક ફેરવીને ભાગી ગયો હતો. કણસી રહેલા બાપીએ રાહદારીઓ પાસે મદદ માગી હતી, પરંતુ કોઇ તેની મદદે આવ્યું નહોતું.
ભત્રીજાએ ફોન કરતાં ઘટનાની જાણ થઇ
ચાર ભાઇ અને ચાર બહેનમાં ત્રીજા નંબરના હરેશભાઇને સંતાનમાં બે પુત્રી છે, એક પુત્રી સાસરે છે અને નાની પુત્રી જાનકીની રવિવારે સગાઇ નક્કી કરવામાં આવી હતી. સગાઇના પ્રસંગના કામ સબબ પીયૂષ દિનેશભાઇ મકવાણાએ તેના કાકા હરેશભાઇને બપોરે ફોન કર્યો હતો, ત્યારે કોઇ વ્યક્તિએ ફોન રિસીવ કરીને હરેશભાઇ લોહિયાળ હાલતમાં પડ્યા હોવાનું કહ્યું હતું. જાણ થતાં જ પીયૂષ મકવાણા સ્થળ પર પહોંચ્યો હતો અને તેના કાકાને હોસ્પિટલમાં ખસેડ્યા હતા જોકે ત્યાં સુધીમાં મોડું થઇ ગયું હતું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here