રાજકોટ : યુપીના યુવકની રહસ્યમય હત્યા, પોલીસ-ક્રાઇમ બ્રાંચ-SOG ટીમોની દોડધામ

0
35

રાજકોટ શહેરમાં હત્યાની એક ઘટના બની છે, જંગલેશ્વર મેઇન રોડ બાપુનગરના સ્મશાન પાસે મુળ યુપીના ૨૭ વર્ષના યુવાનની હત્યા કરાયેલી લાશ મળતાં ચકચાર જાગી છે. ડાબા પગના ઢીંચણ પાછળના ભાગે છરી કે તિક્ષ્ણ હથીયારનો એક જ ઘા ઝીંકાયો છે. આ યુવાનની હત્યા કોણે અને શા માટે કરી? તે રહસ્ય ઉકેલવા ભકિતનગર પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ હુશેનભાઇ નામના રમઝાન મહિનો ચાલતો હોઇ સવારે બાપુનગર સ્મશાન નજીકથી પસાર થઇ રહ્યા હતાં ત્યારે સ્મશાનના ગેઇટ બહાર કેબીન પાસે બાંધેલા છાપરા નીચે એક યુવાન પડેલો દેખાતાં અને લોહીનું ખાબોચીયું જોવા મળતાં કંઇક અજુગતું બન્યાનું સમજી નજીક જઇ તપાસ કરતાં આ યુવાન મૃત જણાતાં તેણે તુર્ત જ પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરી હતી. ત્યાંથી પોલીસને મેસેજ મળતાં ભકિતનગરના પી.આઇ. વી. કે. ગઢવી, હિતેષ અગ્રાવત સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.

પોલીસે તપાસ કરતાં મૃતક યુવાન પાસેથી આધાર કાર્ડ મળતાં તેનું નામ રામક્રિપાલ ભગીરથ બર્મા (પટેલ) (ઉ.૨૭) હોવાનું અને તે મુળ ઉત્તરપ્રદેશના ગોબરહા પોસ્ટ સિતઇ જંગલનો હોવાની માહિતી મળી હતી. આસપાસથી બીજા પરપ્રાંતિય મજૂરોને બોલાવી તપાસ કરાવતાં મૃતક યુવાન બાપુનગર પાસે આવેલા વે-બ્રિજમાં નોકરી કરતો હોવાનું અને તે જંગલેશ્વર એકતા કોલોની-૫માં રૂમ પાર્ટનર સાથે રહેતો હોવાનું ખુલ્યું હતું. પોલીસે મૃતદેહ ચકાસતાં ડાબા પગના ઢીંચણ પાછળ તિક્ષ્ણ હથીયારનો એક જ ઘા જોવા મળ્યો હતો. કદાચ ધોળી નસ કપાઇ જતાં લોહી વહી જતાં મોત નિપજ્યાનું તારણ કાઢવામાં આવ્યું હતું.

પોલીસે વિશેષ તપાસ કરતાં એવી માહિતી મળી હતી કે હત્યાનો ભોગ બનનાર રામક્રિપાલ બર્મા ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં મોટો હતો. તેના બીજા ભાઇઓના નામ સંજય તથા રામસાગર છે. પોલીસે વાવડી રહેતાં સંજયને બોલાવી માહિતી મેળવી હતી. હત્યાનો ભોગ બનનાર રામક્રિપાલ તેના રૂમ પાર્ટનરને પોતે કામે જઇ રહ્યાનું કહીને રાત્રે સાડા દસેક વાગ્યે રૂમેથી નીકળ્યો હતો. એ પછી સવારે તેની બાપુનગરના સ્મશાન પાસેથી હત્યા કરાયેલી લાશ મળી હતી.

પોલીસે તેના રૂમ પાર્ટનરની પુછતાછ કરી હતી. પરંતુ તે આ હત્યા વિશે કંઇ જાણતો ન હોવાનું કહે છે. હત્યા કોણે અને શા માટે કરી? હત્યાનો ભોગ બનેલા રામક્રિપાલ બર્માના ગયા વર્ષે જ લગ્ન થયા હતાં. તે ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં મોટો હતો. તેના માતા-પિતા અને પત્ની વતનમાં રહે છે. પોતે વર્ષોથી રાજકોટ રૂમ રાખી મજૂરી કરતો હતો. પી. બી. જેબલીયા અને ટીમોએ ઠેર-ઠેર તપાસ શરૂ કરી છે. સીસીટીવી કેમેરામાં બે શંકાસ્પદ વાહન દેખાયા હતા. પોલીસે ઘટના સ્થળ આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરવા કવાયત કરી હતી. બે વાહન શંકાસ્પદ જણાયા હોઇ તે અંગે તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here