રાજકોટઃ રાજકોટે તો ભારત દેશને પીએમ આપ્યા છે. ત્રણ–ત્રણ સીએમ આપ્યા છે અમોને મુંબઈ જવાની ફ્લાઈટ તો આપો. ફ્લાઇટની પૂરતી સુવિધા નહીં મળવાથી રાજકોટના વેપારીઓએ સાંસદ મોહન કુંડારિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો. રાજકોટ મુંબઈ જવા માટે એર કનેક્ટિવિટી નહીં હોવાથી ચેમ્બરના નેજા હેઠળ 35 એસો.ના વેપારીઓ ભેગા થયા હતા. વેપારીઓનો રોષ જોઇને સાંસદ મોહન કુંડારિયાએ બધાને ટાઢા પાડ્યા હતા અને ફ્લાઈટ શરૂ કરાવવા માટે હૈયા ધારણા આપી હતી. આ બેઠકમાં દિવ્ય ભાસ્કર માટે રાજકોટ ચેમ્બરના ઉપપ્રમુખ પાર્થ ગણાત્રાએ રિપોર્ટિંગ કર્યું હતું અને વેપારીઓને શું મુશ્કેલી પડે છે તે જણાવ્યું હતું, જ્યારે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવે ચીમકી આપી હતી કે, નાછૂટકે સરકાર સામે લડત આપવી પડશે.
વેપારીઓએ ઠાલવ્યો રોષ
રાજકોટ મુંબઇની ફ્લાઈટ પૂરતી નહીં હોવાથી આર્થિક,સામાજિક, શૈક્ષણિક, ઔદ્યોગિક, મેડિકલ દરેક રીતે મુશ્કેલી પડી રહી છે. ફ્લાઈટ નહીં હોવાથી વિદેશના વેપારીઓ રાજકોટ આવતા બંધ થઈ ગયા છે. તેથી વેપારીઓને અમદાવાદ સુધી લાંબા થવું પડે છે. આ બધાને કારણે ધંધા રોજગાર પર સૌથી વધુ અસર થાય છે. આ ઉપરાંત જ્યારે આફ્ટર સેલ્સ સર્વિસ માટે માણસોને રિપેરિંગ માટે વિદેશમાં મોકલવા પડે છે ત્યારે તેનો ખર્ચ વધારે આવે છે. વધુમાં વેપારીઓએ એવો રોષ ઠાલવ્યો હતો કે, સરકારને વધુ નાણાં એક્સપોર્ટરો અને વેપારીઓ જ કમાવી આપે છે, પણ એને કોઈ સુવિધા મળતી નથી. આ ક્યાનો ન્યાય? પહેલા તો એરપોર્ટમાં પૂરતી સુવિધા નથી તેવા બહાના કાઢતા હતા, જ્યારે હવે એરપોર્ટની પુરતી સુવિધા પણ મળી ગઇ છે, જ્યારે આ બેઠકમાં તબીબો પણ હાજર રહ્યા હતા. ડો.મંયક ઠક્કરે એવું કહ્યું હતું કે, મેડિકલ જગત પર પણ અસર આવી છે.
ફ્લાઇટ શરૂ કરવાની આપી ખાતરી
રાજકોટ મુંબઈની બે ફ્લાઇટ મળે તેવી સ્પષ્ટ સૂચના ઉચ્ચકક્ષાએથી અપાઈ ગઈ છે. એટીઆર ચાલુ કરવાનું પણ સૂચન કર્યું હતું, જ્યારે હજ પૂરી થયા બાદ રાજકોટ દિલ્હી જવાની ફ્લાઈટ તાત્કાલિક શરૂ થઈ જાશે. સીએમ વિજયભાઈ રૂપાણીએ પણ આ પ્રશ્ન હલ કરવા માટે મહેનત કરી રહ્યા છે. સત્ર શરૂ થયું ત્યારથી આ માટેની મહેનત ચાલુ થઈ ગઈ છે. જેમાં સફળતા મળશે તેવી આશા છે. આ પ્રકારની ખાતરી આપીને માત્ર 10 જ મિનિટમાં નીકળી ગયા હતા.
વેપારીઓએ શું કહ્યું?
- રાજકોટ બેંગ્લોર ટ્રાફિક પણ રહે છે, બેંગ્લોર રૂટની બે ફ્લાઈટ મળે તેવી જરૂર છે.
- રાજકોટ અમદાવાદ રૂટ પર ખાસ એરક્રાફ્ટ શરૂ કરવું જોઈએ.
- પાર્કિંગ માટેની સમસ્યા છે તે હલ કરવી જોઈએ.
- રાજકોટ મુંબઈ માટે 6 ફ્લાઈટ શરૂ કરવી જોઈએ.
- રાજકોટ દિલ્હી જવા માટે ખાસ તાકીદે એર કનેક્ટિવિટી શરૂ કરો.