રાજકોટ: મહાનગરપાલિકાએ શહેરમાં સાતમી લાઇબ્રેરીનું નિર્માણ કાર્ય પૂર્ણ કર્યું છે અને આગામી 20 જુલાઇના મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ લાઇબ્રેરીનું 5.27 કરોડના ખર્ચે 35 હજાર ફૂટનું બાંધકામ કર્યું છે. ડિજિટલ લાઇબ્રેરીમાં અનેક સુવિધા ઊભી કરવામાં આવી છે. વેસ્ટઝોન વોર્ડ નં.9માં પેરેડાઈઝ હોલની સામે સાધુવાસવાણી રોડ પાસે અદ્યતન લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, લાઇબ્રેરીમાં રૂ. 3.20 કરોડ બાંધકામ અને રૂ. 2.07 કરોડ આકર્ષક ઇન્ટિરિયર એમ કુલ મળીને રૂ.5.27 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
10 લાખના ખર્ચે 4000 ડીવીડી અને રૂ.10 લાખના ખર્ચે ગેમ્સ
કુલ 35000 ચો.ફૂટનું બાંધકામ ધરાવતી આ લાઇબ્રેરીમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર વાંચનાલય, ઓફિસ, ડિસપ્લે એરિયા, મિટિંગ રૂમ, સ્ટોરેજ, રેફરન્સ રીડિંગ એરિયા, પિરિયોડિકલ રીડિંગ એરિયા, ન્યૂઝપેપર સેક્શન, રિસેપ્શન/વેઈટિંગ, ચિલ્ડ્રન સેક્શન, ઓપન એર થિયેટર, ઇન્ટરનેટ ઝોન, ડિજિટલ લાઇબ્રેરી, પ્રથમ માળે વાંચનાલય, સ્પે. રીડિંગ સેક્શનની સુવિધા, બીજા માળે રીડિંગ ઝોન, ઓડીઓ વિઝ્યૂઅલ રૂમ અને ત્રીજા માળે સ્ટોરની સુવિધા આવી છે. આ લાઈબ્રેરીમાં રૂ. 36 લાખના ખર્ચે 30000 પુસ્તકો, રૂ.10 લાખના ખર્ચે 4000 ડીવીડી અને રૂ.10 લાખના ખર્ચે ગેમ્સ, પઝલ્સ અને રમકડાં ઉપલબ્ધ કરવામાં આવશે છે.
લાઇબ્રેરીમાં આકર્ષક ઇન્ટિરિયર
લાઈબ્રેરીમાં આકર્ષક ઇન્ટિરિયર વર્ક જેમાં તમામ પ્રકારના ટેબલ, ખુરશીઓ, રિસેપ્શન કાઉન્ટર, થિયેટર માટે પ્રોજેક્ટર તેમજ સ્ક્રીન્સ, સીસીટીવી કેમેરા, સોફાસેટ, ચિલ્ડ્રન રૂમ માટે જરૂરી ફર્નિચર, સ્ટેન્ડિંગ એસી, સ્પ્લીટ એસી, એલઇડી પ્રોફાઈલ લાઈટ્સ, પડદા, ઇન્ફોર્મેશન કિયોસ્ક, બુક્સ રાખવા માટે રેક, એન્ટ્રન્સ દીવાલ માટે વોલ આર્ટ, જનરલ ઇલેક્ટ્રિક વર્ક વગેરે કામગીરી કરી છે.
કિયોસ્કમાં જ જોઇ શકાશે બુક છે કે નહીં
નવનિર્મિત આધુનિકી લાઇબ્રેરીમાં ઇન્ફોર્મેશન કિયોસ્ક મૂકવામાં આવ્યું છે. જેમાં કોઇ પણ સભ્ય બુકનું નામ ટાઇપ કરે એટલે તે બુક લાઇબ્રેરીમાં છે કે કોઇ સભ્ય લઇ ગયા છે તેની માહિતી આવશે. જો બુક છે તો ક્યા કબાટમાં છે તે અંગેની માહિતી પણ જોઇ શકાશે.
મનપાની કોઇ પણ લાઇબ્રેરીમાંથી બુક લઇ શકાશે
મહાનગરપાલિકા સંચાલિત તમામ લાઇબ્રેરી એક બીજા સાથે લિંકઅપ કરવા માટેની તૈયારી ચાલી રહી છે. આ માટે ખાસ સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં તેનો અમલ થશે. મનપાની કોઇ પણ લાઇબ્રેરીમાં સભ્યપદ ધરાવતા વ્યક્તિ મનપાની કોઇ પણ લાઇબ્રેરીમાંથી પુસ્તક મેળવી શકે તે પ્રકારની વ્યસ્થાની હાલ ટ્રાયલ ચાલી રહી છે અને આગામી દિવસોમાં તેનો અમલ શરૂ થશે.