Tuesday, September 21, 2021
Homeરાજકોટ : CM ની 1 કલાક ની સભા માટે બહુમાળી ભવન ચોક...
Array

રાજકોટ : CM ની 1 કલાક ની સભા માટે બહુમાળી ભવન ચોક 26 કલાક પૂર્વે બંધ કરી લોકોને ગોટે ચડાવ્યા

રાજકોટ : શહેરના સૌથી વધુ ટ્રાફિકથી ધમધમતા રેસકોર્સ રિંગરોડ પર ભાજપની સભા રાખવામાં આવી છે. મંગળવારે આયોજિત સભા માટે ભાજપે સોમવારથી બહુમાળી ભવન ચોક બંધ કરી દીધો હતો. મુખ્ય ચોક પર જ મોટો ડોમ ઊભો કરી દીધો છે અને રસ્તા પર બેરિકેટ મૂકી દીધા છે. જેના કારણે ત્યાંથી પસાર થતા વાહનચાલકો મૂંઝવણમાં મુકાયા છે.

સાપસીડીની રમત રમતા હોય તેમ વાહનચાલકો એક રસ્તા પરથી બીજા રસ્તા પર જઇ રહ્યા છે, પરંતુ ત્યાં પણ ટ્રાફિક જામના દૃશ્યો જોવા મળી રહ્યા છે. બીજી તરફ વહીવટી તંત્ર મૂકપ્રેક્ષક બનીને તમાસો જોઇ રહ્યું છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયા મંગળવારે ફોર્મ ભરી રહ્યા છે. આ માટે બહુમાળી ભવન ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે.

રસ્તો બંધ કર્યો હોવાની જાણ નથી

બહુમાળી ભવન ચોક ખાતે ભાજપની સભા માટે મંજૂરી આપવામાં આવી છે, પરંતુ રસ્તો બંધ કરવા માટે મંજૂરી આપી નથી. સોમવારે રાત્રે સભાની તૈયારી માટે રસ્તો બંધ કર્યો હોઇ શકે છે. સોમવારે સવારે રસ્તો બંધ હોવાથી ફરિયાદ મળી હતી, પરંતુ બપોરે રસ્તો ખુલ્લો કર્યો હતો. રાત્રે ફરી રસ્તો બંધ કર્યો હોવાની કોઇ ફરિયાદ મળી નથી.- બંછાનીધિ પાની, કમિશનર મનપા

મનપાએ મંજૂરી આપી હોવાથી અમારી મંજૂરી આપમેળે મળી ગઇ : CP

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, ભાજપના કાર્યક્રમમાં મંડપ નાખવાની મંજૂરી મનપા દ્વારા આપવામાં આવી હતી, અને મનપાએ મંજૂરી આપી દીધી હોવાથી પોલીસની મંજૂરી આપમેળે આપી દેવામાં આવી હતી. કાર્યક્રમ સ્થળ પાસે જ પોલીસ દ્વારા ચૂંટણીના અનુસંધાને ટેન્ટ ચોકી શરૂ કરાઈ તે ચોકી પોલીસ દ્વારા હટાવી દેવાઇ હતી, તેમણે કહ્યું કે, સભામાં લોકોને મુશ્કેલી પડે નહીં તે માટે ચોકી હટાવાઈ હતી, અને કાર્યક્રમ પૂરો થયા બાદ ફરીથી ટેન્ટ ચોકી ઊભી કરાશે.

ચેકપોસ્ટ દૂર થઇ તે પોલીસની જવાબદારી

બહુમાળી ભવન પાસે ચેકપોસ્ટ દૂર થઇ તેની જવાબદારી પોલીસની છે. પોલીસે ચેકપોસ્ટ દૂર કરવી ન જોઇએ અને હવે ચેકપોસ્ટ દૂર કરવાનો નિર્ણય પોલીસે કર્યો છે તો પોલીસ કહેશે તો ખર્ચ ભાજપના ખાતે ઉધારાશે.-જે.એમ.જેગોડા, પ્રાંત અધિકારી

  • જિલ્લા પંચાયત ચોકથી ધરમ સિનેમા તરફ જવા માટે વાહનચાલકોએ ફરજિયાત પોલીસ હેડ ક્વાર્ટર થઇ જવું પડે છે
  • બહુમાળી ચોકથી પોલીસ હેડ ક્વાર્ટર તરફ જવા માટે જિલ્લા પંચાયત ચોક સુધી જવું પડે છે અને ત્યાંથી ફરી બહુમાળી ચોક પાસેથી પોલીસ હેડ ક્વાર્ટર થઇ પસાર થવું પડે છે
  • પોલીસ હેડ ક્વાર્ટરથી જિલ્લા પંચાયત ચોક સુધી જવા માટે વાહનચાલકોએ રોંગ સાઇડમાં પસાર થવું પડે છે
  • વાહનચાલકોએ ટ્રાફિક સમસ્યાથી મુક્તિ મેળવવા માટે બહુમાળી ભવનમાંથી પસાર થઇ રહ્યા છે
  • અગાઉથી રસ્તા બંધની જાહેરાત કરાઈ ન હોવાથી વાહન ચાલકો છેક બહુમાળી ચોક સુધી પહોંચે ત્યારે ખબર પડે કે અહીંથી આગળ રસ્તો બંધ છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments