રાજુલામાં 8 મહિનાથી સ્કૂલનું બિલ્ડીંગ બન્યું નથી, 250 બાળકો મંદિરમાં અભ્યાસ કરે છે

0
24

અમરેલી: રાજુલામાં ધોરણ-1થી 8નો અભ્યાસ કોઇ સ્કૂલમાં નહીં પરંતુ સિકોતર માંના મંદિરમાં ચાલી રહ્યો છે. અહીં ધોરણ 1થી 8માં કુલ 250 વિદ્યાર્થી છે. દર વર્ષે ગુણોત્સવ જેવા કાર્યક્રમો યોજાય છે. પરંતુ સ્કૂલ બિલ્ડીંગ જર્જરિત બની ગયું ત્યાં સુધી તેમા ધ્યાન જ અપાયું નહીં. જેને પગલે સ્કૂલનું નવું બિલ્ડીંગ બને તે પહેલા જ આ જૂની જર્જરિત સ્કૂલને પાડી નાખવી પડી. આઠેક માસ પહેલા જૂના બિલ્ડીંગને પાડી નખાયુ હતું અને હજુ નવું બિલ્ડીંગ બન્યું નથી. જેને પગલે હાલમા ધોરણ 1થી 8ના તમામ વિદ્યાર્થીઓ મંદિરમા ભણી રહ્યાં છે. વળી આ મંદિર પણ ગામથી બે કિમી દૂર આવેલું છે.

સ્વાભાવિક રીતે જ અહીં જુદા જુદા આઠ ધોરણને બેસવાની સુવિધા નથી. જેને પગલે વિદ્યાર્થીઓ છૂટાછવાયા બેસી અભ્યાસ કરે છે. જે અમરેલી જિલ્લાના શિક્ષણ જગતની કરૂણા દર્શાવે છે. સૌથી નવાઇની વાત તો એ છે કે તંત્ર હજુ તો બિલ્ડીંગ બનાવવાની માત્ર વાતો જ કરી રહ્યું છે. વાલી રમેશભાઇ ચૌહાણે કહ્યું હતું કે તાત્કાલીક નવું બિલ્ડીંગ બનાવવું જોઇએ. રાજુલા આસપાસ હિંસક પ્રાણીઓનો પણ વસવાટ હોય બાળકોના જીવ પર પણ જોખમ છે.

અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સી.એમ.જાદવે જણાવ્યું હતું કે નવા સ્કૂલ બિલ્ડીંગ માટેની પ્રપોઝલ મુકાઇ ગઇ છે. અને ટૂંક સમયમાં નવા બિલ્ડીંગનું કામ શરૂ થશે. જેથી અહીં બાળકોને ફરી સીફ્ટ કરી દેવાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here