રાજ્યના બંધ કરાયેલા 10 ચેકપોસ્ટમાંથી CCTV-કમ્પ્યુટર સહિતના સામાનની ચોરી

0
14

ગુજરાતમાં આવેલા તમામ ચેકપોસ્ટ બંધ કરવાનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે ચેકપોસ્ટ શરૂ હતા, ત્યારે તેમાં કમ્પ્યૂટર, CCTV કેમેરા, વાયરો, ટેબલ-ખુરશી સહિતની વસ્તુઓ માટે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ સરકાર દ્વારા ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવતા તેમાં રેહેલા કમ્પ્યૂટર, CCTV કેમેરા, વાયરો, ટેબલ-ખુરશી સહિતનો સામાન રામ ભરોસે મુકી દેવામાં આવ્યો હતો. અધિકારીઓ દ્વારા ચેકપોસ્ટની કોઈપણ પ્રકારની દેખરેખ ન રાખવાને પગલે ઉત્તર ગુજરાતમાં આવેલી દસ જેટલી ચેક પોસ્ટમાંથી કરોડો રૂપિયાના સમાનની ચોરી થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

રિપોર્ટ અનુસાર, રાજ્ય સરકારના ચેકપોસ્ટ બંધ કરવાના નિર્ણયને પગલે શામળાજી, અંબાજી, ગુંદરી, સોનગઢ અને ભીલાડ, થાવર, અમીરગઢ, થરાદ, છોટાઉદેપુર અને દાહોદની ચેકપોસ્ટને અધિકારીઓ દ્વારા ખાલી કરી દેવામાં આવી હતી. અધિકારીઓએ ચેકપોસ્ટ બંધ કર્યા પછી ત્યાંની મુલાકાત ન કરાતા આ તમામ ચેકપોસ્ટમાં રહેલા કમ્પ્યૂટર, CCTV કેમેરા, વાયરો, ટેબલ-ખુરશી સહિતની વસ્તુઓ અજાણ્યા ઇસમો ચોરી ગયા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. આ બાબતે RTOના અધિકારીઓ કોઈપણ પ્રકારની માહિતી આપવાનો ઇન્કાર કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યની 10થી વધુ ચેકપોસ્ટની ઓફિસમાં કમ્પ્યૂટર, CCTV સહિતની સામગ્રી માટે વિપ્રો કંપનીને કામ સોંપવામાં આવ્યું હતું અને આ કામ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જો બંધ થઇ ગયેલા તમામ ચેકપોસ્ટની બહાર વસ્તુની દેખરેખ માટે એક-એક ગાર્ડ મુકવામાં આવ્યો હોત અથવા તો ચેકપોસ્ટ બંધ થયાની સાથે જ તેમાં રહેલો સમાન કોઈ સરકારી કચેરીમાં મુકવામાં આવ્યો હોત તો આજે આ ચેકપોસ્ટમાંથી સામાન ચોરીની ફરિયાદ ઉઠતે જ નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here