Thursday, October 21, 2021
Homeરાજ્યપાલે શહીદો પર શોક વ્યક્ત કર્યો, વિપક્ષે 'આતંકવાદ ખાત્મો કરો'ના નારા લગાવ્યા
Array

રાજ્યપાલે શહીદો પર શોક વ્યક્ત કર્યો, વિપક્ષે ‘આતંકવાદ ખાત્મો કરો’ના નારા લગાવ્યા

ગાંધીનગરઃ આજથી ગુજરાત વિધાનસભાનું પાંચ દિવસનું ટૂંકુ સત્ર મળી રહ્યું છે. લોકસભા ચૂંટણીને પગલે આ બજેટ સત્રમાં માત્ર લેખાનુદાન રજૂ થશે. આ સત્રના પ્રારંભે રાજ્યપાલના પ્રવચન દરમિયાન વિપક્ષે ‘આતંકવાદનો ખાત્મો કરો અમે તમારી સાથે છીએ,ખેડૂતોના દેવા માફ કરો’ના સૂત્રો પોકારી ખલેલ પહોંચાડવા પ્રયાસ કર્યો હતો.જેને પગલે રાજ્યપાલ 7  મિનિટમાં જ પ્રવચન પૂરું કરી રવાના થયા હતા. રાજ્યપાલના પ્રવચન બાદ 15 મિનિટના વિરામ પછી વિધાનસભાની કાર્યવાહી ફરી શરૂ થઈ હતી. જેમાં કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. આ સિવાય પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી અને પૂર્વ મંત્રી મનોહરસિંહ જાડેજાના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો હતો.

ગૃહમાં મુખ્યમંત્રીનો શોક પ્રસ્તાવ

કાયરતાપૂર્ણ અને માનવતા વિહોણો હુમલો

મુખ્યમંત્રી રૂપાણીએ શહીદોને શ્રધ્ધાંજલિ આપતાં જણાવ્યું કે, દુઃખ થાય છે કે, 14મી ફેબ્રુઆરી,2019ના રોજ પુલવામામાં આતંકીઓએ કરેલા કાયરતાપૂર્ણ હુમલામાં 44 જવાનો શહીદ થયા છે. આજે પણ કાશ્મીરમાં આતંકવાદીઓ સામેની લડાઇ ચાલી રહી છે, ત્યારે સેનાના વધુ ચાર જવાનો શહીદ થયાના સમાચાર મળી રહ્યા છે.આતંકવાદીઓ દ્વારા ઘણા સમયથી દેશની એકતા-અખંડિતતા તોડવાના અને સમાજમાં ધર્મના નામે ભાગલા પડાવવાની પ્રવૃત્તિ પાકિસ્તાનની મદદ અને સહાયથી ચાલી રહી છે. પુલવામા આતંકી હુમલો એ કાયરતાપૂર્ણ અને માનવતા વિહોણો હુમલો છે.

સેના કે સરકારોએ જરાપણ હિંમત હારવાની નથી

ગૃહ એકમતે આતંકી કૃત્યને સખત શબ્દોમાં વખોડે છે. આતંકીઓના આવા હુમલાથી આ દેશની જનતા, સેના કે સરકારોએ જરાપણ હિંમત હારવાની નથી.  આતંકવાદી કૃત્યથી વીરગતિ પામેલા શહીદોના પરિવારજનો જે રીતે પ્રત્યાઘાત આપી રહ્યા છે ત્યારે દેશને ગર્વ થાય છે. કોઇ માતા-પિતા એમ કહે છે કે મારો બીજો દીકરો હોત તો અમે એને પણ સેનામાં ભરતી કરી દેશની સરહદે લડવા મોકલ્યો હોત.

નાગરિકોએ સેના અને સરકાર પર ભરોસો રાખવાનો છે

બીજી તરફ આ ઘટના પછી દેશના નાગરિકોમાં પાકિસ્તાન અને આતંકવાદીઓ સામે ભયંકર આક્રોશ ફાટી નીકળ્યો છે. દેશનો દરેક નાગરિક આજે સૈન્ય સાથે છે અને જવાનોની હિંમત વધારી રહ્યા છે, ત્યારે નાગરિકોએ સેના અને સરકાર પર ભરોસો રાખવાનો છે. દરેક દેશવાસી ઇચ્છે છે કે આતંકવાદીઓ અને આતંકી પ્રવૃત્તિઓનો સફાયો થાય, તેની સામે આરપારની લડાઇ થાય.

થોડી ધીરજ રાખવી પડશે

કેન્દ્ર સરકાર આતંકવાદી પ્રવૃત્તિઓ આ દેશની ધરતી ઉપર ન થાય તે માટે કડક પગલાં ભરવાના શરૂ કર્યા છે, આમાં આપણે સૌએ પણ થોડી ધીરજ રાખવી પડશે. આપણે સૌ આ હુમલાને કડક શબ્દોમાં વખોડીએ છીએ અને આ સભાગૃહમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી તેમના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા પરમ શાંતિ મળે તેવી આપણે સૌ પ્રાર્થના કરીએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments