આગ્રાઃ VHPના પૂર્વ આતંરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ એક અંગ્રેજી સામાયિકને આપેલ ઇન્ટરવ્યુમાં એવો ઘટસ્ફોટ કર્યો હતો કે દેશના વડાપ્રધાનને તેમણે છેલ્લા 43 વર્ષોમાં ક્યારેય મધ્યમવર્ગીય કે ગરીબ ચા વેચનારા માણસ તરીકે જોયા નથી. મોદીજી ફક્ત આવી તેમની ઇમેજ ઉભી કરીને લાગણીસભર વાતો કરીને દેશની જનતાની સહાનભૂતિ મેળવવા ઇચ્છતા હતા.
પ્રવીણ તોગડિયાએ કર્યા વાકપ્રહારો અને ભાવિ યોજના અંગે વાત કરી
મીડિયા સાથેના એક ઈન્ટરવ્યૂમાં પ્રવીણ તોગડિયાએ કહ્યું કે રામમંદિરના નિર્માણ કરવામાં નથી મોદીને રસ કે નથી આરએસએસને. તાજેતરમાં સંઘના ભૈયાજી જોષીએ પણ સ્પષ્ટ કર્યુ હતુ કે રામ મંદિરને બનતા પાંચ વર્ષથી પણ વધુ સમય નીકળી જશે, ભાજપ અને આરએસએસએ 125 કરોડ ભારતીયોને અંધારામાં રાખ્યા છે. પરંતુ દેશનો હિંન્દુ જાગી ગયો છે.
પ્રવીણ તોગડિયાએ જણાવ્યું કે આગામી 9 ફેબ્રુઆરીના રોજ હિંન્દુઓની એક નવી પાર્ટીની ઘોષણા કરવામાં આવશે અને જે દિવસે તેમની પાર્ટી સંસદમાં જીતશે એના બીજા દિવસેથી જ મંદિર નિર્માણનું કાર્ય શરૂ કરાશે.
પીએમ મોદી અને RSS પર આકરા પ્રહારો
દેશના વડાપ્રધાન મોદીની કાર્યશૈલી પર આકરા પ્રહારો કરતા પ્રવીણ તોગડિયાએ જણાવ્યું કે જો ત્રણ તલાક બિલ પર અડધી રાત્રે કાનૂન લાવી શકાય છે તો પછી રામમંદિર નિર્માણ માટે વડાપ્રધાન કેમ એવું નથી કરી શકતા? જો મોદી ફરીથી વડાપ્રધાન બનશે તો પણ તેઓ અયોધ્યામાં રામમંદિર નહિ બનાવે.
તોગડિયાએ ભાજપ અને આરએસએસ પર સખ્ત હુમલો કરતા કહ્યું કે પીએમ મોદી અને RSS ક્યારેય રામમંદિરનું નિર્માણ નહી થવા દે, કારણ કે તેમને ખબર છે કે જે દિવસે રામમંદિરનું નિર્માણ થઇ જશે એ દિવસે બંને સંગઠન ખતમ થઇ જશે. બંને પાસે કઇ કામ પણ બાકી નહી રહે અને એના પરિણામે મંદિરના મુદ્દાને બંને સંગઠન જીવિત રાખવા માગે છે.
તોગડિયાએ વધુમાં કહ્યું કે તેમની નવનિર્મિત પાર્ટી સત્તામાં આવશે તો કાશ્મીરમાંથી ધારા 35A હટાવી દેશે જેથી હિંન્દુઓ કાશ્મીરમાં જમીન ખરીદી શકે અને ત્યાં હિન્દુઓનો વસવાટ શરૂ થાય. જો તેમના પક્ષને સત્તા મળશે તો પથ્થરબાજોને કડક સજા મળશે અને મોદી ગુજરાત અને ભૈયાજી જોષી નાગપુર ઘર ભેગા થશે.