દાહોદ: ભારતીય અંતરિક્ષના ક્ષેત્રના 76 વર્ષીય ખગોળ વૈજ્ઞાનિક ડૉ જે.જે. રાવલે દા.અ.મ.સાર્વ. એજ્યુકેશન સોસાયટી સંચાલિત જે.એન્ડ આર. કોલેજ ઓફ એજ્યુકેશન ખાતે’બ્રહ્માંડ અને તેમાં આપણું સ્થાન’ વિશે લોકવિજ્ઞાન કેન્દ્રના બેનર હેઠળ રસપ્રદ વકતવ્ય આપ્યું હતું. દાહોદ લોક વિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડીનેટર કૃતાર્થ જોશીના અનન્ય ઉત્સાહ થકી બે સેશનમાં યોજાયેલ આ કાર્યક્રમમાં સંસ્થાના અગ્રણીઓ,શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. તેઓએ બ્રહ્માંડ, બ્લેકહોલ, નિહારિકાઓ, આકાશગંગા વગેરે વિષે રસઝરતું વક્તવ્ય આપી ઉપસ્થિતોને ગગનમંડળ વિશે અનેક માહિતી આપી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ અને દેશના અગ્રીમ વૈજ્ઞાનિક ડો અબ્દુલ કલામ સાથે કામ કરી ચૂકેલા અને હાલમાં ઇન્ડિયન પ્લેનેટેરિયમ સોસાયટીના ચેરમેન ડૉ જે.જે. રાવલને દાહોદના ખગોળીય સૃષ્ટિના જાણકાર પ્રકૃતિવિદ અજયભાઈ દેસાઈએ ‘દિવ્યભાસ્કર’વતી કેટલાક પ્રશ્નો પૂછ્યા તે અત્રે પ્રસ્તુત છે:
પ્ર: અન્ય કોઈ ગ્રહો ઉપર જીવોનું અસ્તિત્વ છે ખરું?
ઉ: છેલ્લા કેટલાક વર્ષોમાં ગુરુ કરતા પણ દશ ગણ મોટા હોય તેવા અનેક નવા નવા ગ્રહો શોધાયા છે. અલબત્ત, તે પૈકી મંગળ, ચંદ્ર, ટાઈટન જેવા ગ્રહો ઉપર પાણી નોંધાયું છે. ટાઈટન ગ્રહ ઉપર આપણા જેવું વાતાવરણ હોવાની સંભાવના છે. એમાઈનો એસીડ, એમોનીયાના સરોવરો છે. ત્યાં બેક્ટેરિયા વગેરે સુક્ષ્મ જીવો હોવાની સંભાવના પણ છે. એટલે ભવિષ્યમાં ત્યાં માનવજીવન હોઈ પણ શકે તે બાબત નકારી ના શકાય! પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર નાનો છે. ચંદ્ર ઉપર હમણાં ભારત તરફથી માનવસહિત યાન મોકલવાની જે વાત છેડાઈ છે તે ચોક્કસ સફળ રહેશે. અલબત્ત, આ માટેનો ખર્ચો ખૂબ છે. જયારે કે મંગળ ઉપર ભારતે સૌથી ઓછા ખર્ચે યાન મોકલ્યું જ છે. જે વેલોસીટીના સિધ્ધાંત અનુસાર ટકેલું છે.
પ્ર: આજકાલ સૂર્યની આસપાસના વાતાવરણમાં ઓઝોનના સેંકડો ગાબડા પડી ચુક્યા છે તે માટે આપનું સુચન?
ઉ: હજારો કરોડો રૂપિયાના ખર્ચે આ બાબતે નકકર પગલા ભરીને આ બાબતે આપણે સુધરવું જ પડશે. પર્યાવરણને નુકશાન ના પહોંચે તે ધ્યાન રાખી તેનું જતન કરવું પડશે. જો કે કુદરત દયાળુ છે. આપણે હવે વધારે નુકશાન ના કરીએ તો હજુય ચાન્સ છે. ભવિષ્યમાં તે નવી વ્યવસ્થા કરીને કુદરતી રીતે જ બધું ગોઠવાશે.
પ્ર: કાકાસાહેબ કાલેલકર, છોટુભાઈ પુરાણી, મનુભાઈ મહેતા વગેરે સાથે તમે આકાશ દર્શન ઉપર ગુજરાતી ભાષામાં લેખન ક્ષેત્રે ખાસ્સું કાઠું કાઢ્યું છે. રાહુ અને કેતુ ગુજરાતીઓમાં ભ્રામક માન્યતા ધરાવતા ગ્રહો છે તે વિશે કશું કહેશો?
ઉ: રાહુ અને કેતુ માત્ર બિંદુઓ છે તે ગ્રહો છે જ નહીં. ચંદ્ર, સૂર્ય અને પૃથ્વી તેમની ધરી ઉપર ફરતા ફરતા આકાશમાં બે જગાએ એકમેક સાથે સંકળાય છે. આ બે સ્થળોએ જે બે કલ્પિત બિંદુઓ રચાય છે તે જ આ રાહુ અને કેતુ છે. ગ્રહણ વખતે આપણે ઘણું ઘણું જોઈ શકીએ અને નવી શોધ કરી શકીએ તે બદલે તેને ધાર્મિક ઓપ આપી સીમિત કરી રાખ્યું છે તે દુ:ખદ છે. આ રાહુ અને કેતુની આપણા જીવન ઉપર કોઈ અસર થતી નથી.
પ્ર: તમારા પ્રકાશિત પુસ્તકોના નામ આપશો?
અનેક પુસ્તકો છે. તેમાં સુર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, વૈજ્ઞાનિકો વિશેની માહિતી છે. સાયન્સ ઓફ ધ મીલેનીયમ, બ્રહ્માંડ દર્શન, યાત્રા લાલ ગ્રહની, નક્ષત્ર-વ્યાધ વિશેનું પુસ્તક ‘ઓરાયન’ પુસ્તકો લખ્યા છે. અનેક કોલમો ચાલે છે. અંગ્રેજીમાં પણ ત્રણેક પુસ્તકો લખ્યા છે.
પ્ર: આપ ગુજરાતી છો. ત્યારે ગુજરાતીઓ માટે કોઈ સુચન?
ઉ: ગુજરાતીઓ જ્ઞાન અને વિજ્ઞાનની કિંમત કરતા થાય. ગુજરાતી પ્રજા સાહસિક વેપારી કોમ છે. તેઓ લાખો રૂપિયા કમાય તો તેમાંથી અમુક હિસ્સો આવા વિકાસના સત્કાર્યોમાં ફાળવવો જ જોઈએ. તો જ આ બધું સંશોધન થતું રહેશે.નહીંતર બધા રૂપિયા અહીંથી ગયા બાદ વારસદારો માટે જ પડ્યા રહેશે, જેનો કોઈ અર્થ નથી. તાતા પરિવાર ઉપરથી પ્રેરણા લેવી જોઈએ. કે તે કેન્સર હોય કે હૃદયરોગ હોય કે શિક્ષણ કાર્ય હોય કે પછી આકાશ વિશેનું સંશોધન કાર્ય હોય, દરેકમાં યથાયોગ્ય સહાય આપી દેશની સેવા કરે જ છે.