અમદાવાદઃ સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલની બીયુ પરમિશન ગેરકાયદે હોવાનો આક્ષેપ મ્યુનિ.વિપક્ષી નેતા દિનેશ શર્માએ કર્યો હતો. એસવીપી હોસ્પિટલનું પાર્કિંગ રિવરફ્રન્ટની જમીનમાં દર્શાવાયું છે જે ગેરકાયદેસર છે ઉપરાંત હોસ્પિટલ બિલ્ડિંગની ઉંચાઈ 78 મીટરની છે જે ઉંચાઈ માત્ર આશ્રમ રોડની 36 મીટરની પહોળાઈને લીધે મંજૂર થઈ છે. આ મુજબ હોસ્પિટલનો મુખ્ય ગેટ આશ્રમ રોડ તરફે હોવો જોઈએ પરંતુ એનએચએલ મેડીકલ કોલેજનો જે ગેટ છે તે તરફે હોસ્પિટલનો ગેટ બતાવાયો છે.
સાબરમતી રિવરફ્રન્ટ કંપનીની મળેલી બોર્ડ બેઠકમાં મલ્ટીલેવલ પાર્કિંગની દરખાસ્ત મંજૂર કરાતા વિપક્ષે ભારે વિરોધ કર્યો હતો. વિપક્ષ નેતા દિનેશ શર્માનુ કહેવુ હતું કે, ‘એસવીપીના લોકાર્પણ પહેલા હોસ્પિટલનુ પાર્કિંગ રિવરફ્રન્ટની 20 હજાર ચોરસ મીટર જમીન પૈકીની ખુલ્લી જગ્યામાં દર્શાવીને બીયુ પરમીશન મેળવવામાં આવી છે. એસવીપી હોસ્પિટલનુ પાર્કિંગ દર્શાવી દીધું હોવા છતાં શનિવારે મળેલી રિવરફ્રન્ટ કંપનીની બેઠકમાં રિવરફ્રન્ટ કંપની દ્વારા મલ્ટીલેવલ પાર્કિંગ બાંધવાની દરખાસ્ત મૂકાઈ હતી.
વિપક્ષના આક્ષેપોને મ્યુનિ.કમિશનર વિજય નેહરાએ પાયાવિહોણા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, આખા શહેરની જમીન કોર્પોરેશનની માલિકીની જ છે. રિવરફ્રન્ટની જમીન પણ કોર્પોરેશનની માલિકીની જ છે. – વિજય નેહરા, કમિશનર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન