થોડા સમય પહેલાં રીતિક રોશનની બહેન સુનૈનાએ કહ્યું હતું કે તેનો બોયફ્રેન્ડ રુહૈલ અમીન મુસ્લિમ હોવાથી તેનો પરિવાર તેને સ્વીકારતો નથી. હવે, રુહૈલે અંગ્રેજી પોર્ટલને આપેલા ઈન્ટરવ્યૂમાં આ અંગે ખુલીને વાત કરી હતી. નોંધનીય છે કે રુહૈલ એક મીડિયા કંપની સાથે જોડાયેલો હતો.
રુહૈલે રોશન પરિવારને લઈ કહી આ વાતો
1. શું કહ્યું રુહૈલે?
રુહૈલે કહ્યું હતું કે આ ઘટનાએ ફરી એકવાર આજના ઉદારમતવાદી સમયમાં ઓળખની રાજનીતિને ખુલ્લી પાડી છે. ઉલ્લેખનીય છે કે સુનૈનાએ ટ્વીટ કરી હતી કે તેનું જીવન નર્ક જેવું બની ગયું છે. સુનૈનાએ એમ પણ કહ્યું હતું કે તે ન્યાય માટે કંગના તથા તેની બહેન રંગોલીની મદદ માગશે.
2. લવ જેહાદ પર રુહૈલે આ જવાબ આપ્યો
લવ જેહાદ પર રુહૈલે કહ્યું હતું કે આ ઘણું જ કમનસીબ છે. કોઈને આ રીતે કટ્ટરવાદી કહી દેવા કારણ કે તે કોઈ ચોક્કસ ધર્મમાંથી આવે છે તેની કડક શબ્દોમાં નિંદા કરવી જોઈએ અને આ ઘણું જ અપમાનજનક છે. વધુમાં રુહૈલે કહ્યું હતું કે તેઓ સોશિયલ મીડિયાની મદદથી એકબીજાને મળ્યાં હતાં. પહેલાં તેમની વચ્ચેનો સંપર્ક તૂટી ગયો હતો પરંતુ હવે તેઓ ફરીથી સોશિયલ મીડિયામાં વાતચીત કરી રહ્યાં છે.
3. સુનૈનાનાં પેરેન્ટ્સને લઈ વાત કહી
રુહૈલે કહ્યું હતું કે સુનૈનાનાં પેરેન્ટ્સ રાકેશ તથા પિંકી રોશન તેમના બોન્ડિંગથી ખુશ નથી. તેમણે તેમની મિત્રતાને ક્યારેય સ્વીકારી નથી. આટલું જ નહીં તેના ધ્યાનમાં એ પણ આવ્યું છે કે તેના પેરેન્ટ્સે તેની સુરક્ષા વધારી દીધી છે. રુહૈલે આગળ કહ્યું હતું, ‘જ્યારે સુનૈનાએ મને પહેલી જ વાર તેના પેરેન્ટ્સને લઈ આ વાત કહી તો પહેલાં હું આ વાત સ્વીકારવા જ તૈયાર નહોતો અને પછી હું હસી પડ્યો હતો.’
4. સુનૈનાએ દાવો કર્યો હતો કે તેના પિતાએ રુહૈલને આતંકી કહ્યો
રુહૈલે કહ્યું હતું કે કોઈને ઓળખને આધારે આતંકી કહેવા એ વાત અસ્વીકાર્ય છે. ધર્મ અને ભૌગોલિકતાને આધારે કોઈના પર લેબલ મારી દેવું જોઈએ નહીં. આ બાબતથી આપણે ઉપર ઉઠવાની જરૂર છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આપણે આ બધાની સામે થવાની જરૂર છે. તે સુનૈનાના સંપર્કમાં છે અને તે ફરીવાર પોતાનું જીવન શરૂ કરવા માગે છે. આ સમયે તેના માતા-પિતાએ તેના નિર્ણયમાં મદદ કરવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે સુનૈનાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જ્યારે તેના પિતા રાકેશને તેના મુસ્લિમ બોયફ્રેન્ડ અંગેની જાણ થઈ તો તેને તમાચો માર્યો હતો અને તેના બોયફ્રેન્ડને આતંકી કહ્યો હતો.
5. રીતિક મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરી શકે
રીતિક મુસ્લિમ યુવતી સુઝાન ખાન સાથે લગ્ન કરી શકે છે. આના પર રુહૈલે કહ્યું હતું કે સુનૈનાના પેરેન્ટ્સને અહીંયા કેમ વાંધો છે? દરેક લોકો આ ભેદભાવ જોઈ શકે છે.