રૂપાણી સરકાર વીજકંપનીઓ પર મહેરબાન, પંચની મંજૂરી પહેલાં 787 કરોડનો બોજ લાદી દેવાયો

0
25

વેરિયેબલ ચાર્જ વધારવા માટે ગુજરાત વીજ નિયમન પંચની પૂર્વ મંજૂરી મળે તે પહેલા જ અદાણી પાવરે યુનિટદીઠ વેરિયેબલ ચાર્જમાં ૯૪ પૈસાનો અને ટાટા પાવરે વેરિયેબલ ચાર્જમાં યુનિટદીઠ ૧૧ પૈસાનો વધારો કરી દીધો છે. આમ જર્કની વીજ કંપનીઓ પર અસીમ કૃપા હોવાનો નિર્દેશ મળી રહ્યો છે, કારણે આજે (સોમવારે) જર્કમાં અદાણી અને ટાટાની પૂરક ભાવ વધારા માટેની પિટીશનની હિયરિંગ થઈ હતી. આવતીકાલે (મંગળવારે) પણ તેની હિયરિંગ થવાની છે. તેનો ચૂકાદો આવતા તો સંભવત: ફેબુ્રઆરીનો અંત આવી જશે તેમ છતાંય તેમણે ઉપરોક્ત ભાવ વધારો લાગુ કરી દીધો છે!

રૂ.૭૮૭.૨ કરોડનો વધારાનો બોજ ગ્રાહકો પર આવશે

જાન્યુઆરીથી માર્ચ ૨૦૧૯ સુધીના ત્રિમાસિક ગાળા માટે વેરિયેબલ કોસ્ટમાં વધારો માગવામાં આવ્યો છે. કેને પરિણામે એક મહિને રૂ.૭૮૭.૨ કરોડનો વધારાનો બોજ ગ્રાહકો પર આવશે. ત્રણ મહિને ગુજરાતના વીજ ગ્રાહકો પર ૨,૩૬૨ કરોડનો બીજો બોજ આવશે. ટાટા પાવરે કરેલા વેરિયેબલ ચાર્જના વધારાને પરિણામે મહિને રૂ. ૯૦ કરોડ અને ત્રણ મહિને રૂ. ૨૭૦ કરોડનો બોજ વીજજોડાણ ધારકોને માથે આવશે.

અદાણી પાવરે ફિક્સ કોસ્ટમાં ૨ પૈસાનો અને વેરિયેબલ કોસ્ટમાં ૯૪ પૈસાનો વધારો કર્યો

અદાણી પાવરે ફિક્સ કોસ્ટમાં ૨ પૈસાનો અને વેરિયેબલ કોસ્ટમાં ૯૪ પૈસાનો વધારો કર્યો છે, જ્યારે ટાટા પાવરે ફિક્સ કોસ્ટમાં ૧ પૈસાનો અને વેરિયેબલ કોસ્ટમા ૧૦ પૈસાનો વધારો કર્યો છે. બંને કંપનીઓનો મળીને મહિને રૂ. ૮૭૭ કરોડનો ભાવ વધારાનો બોજ વીજવપરાશકારોને માથે આવશે. ત્રણ મહિને આ વધારો રૂ. ૨,૬૩૨ કરોડનો છે. કાયદાની દ્રષ્ટિએ જાન્યુઆરી-માર્ચ ૨૦૧૯ના ગાળા માટે કરવામાં આવેલે આ વધારો ગેરકાયદ છે, તેવી દલીલ કરવામાં આવી રહી છે. આ બાબતમાં જર્ક-વીજ નિયમન પંચ એક મૂક પ્રેક્ષક બનીને બેસી ગયું છે.બીજી તરફ ગુજરાત સરકાર અને જીયુવીએનએલના અધિકારીઓ જર્કના અધિકારીઓ પાસે પોતાનું ધાર્યું કરાવી રહ્યા છે. કંપનીઓએ આ વધારો લાગુ કરી દીધો તેની સાથે જ જર્કનું અસ્તિત્વ હાંસીપાત્ર બની ગયું છે.

અદાણી પાવરને લગતી આ મેટર કેન્દ્રિય વીજનિયમન પંચ સમક્ષ પણ પેન્ડિંગ

કારણ કે કંપનીઓ, સરકારી અધિકારીઓ અને મંત્રીઓની મિલીભગતમાં નિર્ણય લેવાઈ જાય છે અને જર્કે માત્ર રબર સ્ટેમ્પની જેમ તે નિર્ણયને માથે મંજૂરીની મહોર મારી દેવાની હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ ગઈ છે. આજે ગુજરાત વીજ નિયમન પંચમાં થયેલી દલીલમાં વેરિયેબલ ચાર્જમાં વધારો કરવામાં માટે થયેલી દરખાસ્તનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. કારણ કે જર્કની મુખ્ય કામગીરી પાવર પરચેઝ કોસ્ટમાં ઘટાડો કરીને વીજ વપરાશકારોના હિતનું રખોપું કરવાનું છે. અહીં બીજી એકવાત પણ ધ્યાન રાખવા જેવી છે કે અદાણી પાવરને લગતી આ મેટર કેન્દ્રિય વીજનિયમન પંચ સમક્ષ પણ પેન્ડિંગ છે. આ મેટરમાં સપ્લિમેન્ટરી પાવર પરચેઝ એગ્રીમેન્ટને લગતી અરજી જીયુવીએનએલઅને અદાણી પાવરે કેન્દ્રિય વીજ નિયમન પંચમાં અરજી કરેલી છે.

ભાવ વધારો નહિ આપવામાં આવે તો કંપની ફડચામાં જશે

ગુજરાત સરકારના આદેશથી આ માટે એક હાઈપાવર કમિટીની પણ રચના જુલાઈ ૨૦૧૮માં કરવામાં આવી હતી. આ કમિટીએ આપેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે આ ભાવ વધારો નહિ આપવામાં આવે તો કંપની ફડચામાં જશે. આ અંગે પહેલી હિયરિંગ ૨૩મી જાન્યુઆરીએ થઈ હતી. આજે હિયરિંગ થઈ છે. આવતીકાલે પણ હિયરિંગ થવાની છે. પરંતુ અદાણી પાવર કરતાં ભાવ વધારો આપવાની ગુજરાત સરકારને વધુ ઉત્સુકતા હોવાનું જણાય છે. જર્ક આ મુદ્દે ગ્રાહકોનું હિત જાળવવાનું ટાળી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here