સુરત રેલવે સ્ટેશન દેશનું પહેલું રેલવે સ્ટેશન બનશે જ્યાં મુસાફરો સ્ટોલ પર મુકાનારા પીઓએસ (પોઇન્ટ ઓફ સેલ )નો ઉપયોગ મિની એટીએમની જેમ કરી શકશે. બે હજાર સુધી પોતાના ખાતામાંથી પૈસા ઉપાડી શકાશે. રેલવે અને એસબીઆઈ દ્વારા સુરત રેલવે સ્ટેશનના તમામ 34 સ્ટોલધારકોને પીઓએસ અપાશે. પ્રત્યેક ટ્રાન્ઝેક્શન પર સ્ટોલધારકને 5 રૂપિયા મળશે. આમ તમામ 34 સ્ટોલને આગામી બે અઠવાડિયામાં મિની એટીએમ બનાવી દેવાશે. એસબીઆઈ દ્વારા ફોર્મ ભરાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. એસબીઆઈ-રેલવે દ્વારા પ્રથમ વખત આ સુવિધા અપાશે. જેમાં મુસાફરો પીઓએસનો ઉપયોગ રૂપિયા ઉપાડી શકશે.
સુરત રેલવે સ્ટેશનના 34 સ્ટોલ પર હાલ બિલિંગ મશીન કાર્યરત છે. મુસાફરો વસ્તુ ખરીદ્યાનું પાકું બિલ માગી શકે છે. હવે ડિજિટલ ઇન્ડિયા હેઠળ પ્લેટફોર્મ પરના સ્ટોલ પર પીઓએસ મૂકવામાં આવશે. મુસાફરે પોતાનું કાર્ડ સ્વાઇપ કરી 2000 સુધીની નિર્ધારિત રકમ પીઓએસમાં એન્ટર કરવાની રહેશે.
રેલવે-SBIએ સુરતમાં શરૂ કરેલા નવા પ્રયાસની સફળતા બાદ વલસાડ, નવસારી, અમલસાડ અને મુંબઈ ડિવિઝનના અન્ય સ્ટેશનો પર પણ આ સુવિધા ઊભી કરવામાં આવશે.