- Advertisement -
- CN24NEWS-18/06/2019
- અંબાજી નજીકના રસ્તાઓ લોકો માટે જીવલેણ સાબિત થઇ રહ્યા છે, કારણે કે અંબાજી તરફ જતા રસ્તા પર જીવલેણ અકસ્માતોની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અંબાજી નજીક થોડા દિવસો પહેલા થયેલા અકસ્માતમાં નવ લોકોના મોતની ઘટનાને લોકો હજુ ભૂલી નથી શક્યા, ત્યાં તો ફરી અકસ્માતમાં ત્રણ લોકોના મોતની ઘટના સામે આવી હતી. હર્ષ અને આનંદ સાથે લગ્ન પ્રસંગમાં સામેલ થવા બાઈક પર બીજા ગામ જતા દંપતીને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા બાઈક પર સવારે પતિ-પત્ની અને ભત્રીજાનું મોત નીપજ્યું હતું.એક રીપોર્ટ અનુસાર, ખેડબ્રહ્મા તાલુકાના મોટા બાવળ ગામમાં રહતા ભોમાભાઈ તરાલ તેમની પત્ની ભગીબેન અને ભત્રીજો ગોપાલ તરાલના પોશીના ગામમાં રહેતા તેમના સંબંધીના ઘરે સોમવારે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે બાવળથી પોશીના બાઈક લઇને જતા હતા. જ્યારે તેઓ હડાદના બામણોજ નજીક પહોંચ્યા ત્યારે તેમની બાઈકને પુરપાટ ઝડપે આવતા એક વાહને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક પર સવાર ત્રણેય લોકો ફંગોળાઈ ગયા હતા. વાહન ચાલક ટક્કર મારીને પોતાનો બચાવ કરવા માટે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
સમગ્ર ઘટનાને જાણ ગામ લોકોને થતા તેઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. તેમણે આ બાબતે પોલીસને જાણ કરી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, ત્રણેય લોકોના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને પ્રાથમિક તપાસ કરી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરીને ત્રણેય લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.