વડનગર: મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફે સાતમા પગારપંચ તેમજ કેન્દ્રના ધોરણે પગાર સહિતની 12 પડતર માંગણીઓને લઇ ગુરુવારે રાજ્યભરમાં ઉગ્ર દેખાવો કર્યા હતા. મહેસાણા સિવિલના સ્ટાફે સૂત્રોચ્ચાર બાદ સિવિલ અધિક્ષકને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. તો વડનગર સિવિલ હોસ્પિટલના સ્ટાફે પ્રતીક ઉપવાસ કર્યા હતા. જોકે, ઇમરજન્સી સેવા ચાલુ રખાતાં લોકોને હાલાકી પડી ન હતી. નર્સિંગનું આંદોલન રાજ્યભરમાં ઉગ્ર કાર્યક્રમોમાં તબદીલ કરાશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
રાજ્યમાં સરકાર સંચાલિત હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રના નર્સિંગ કર્મચારીઓએ દ્વારા પડતર પ્રશ્નોને લઇ ગુરુવારે આંદોલન કર્યુ હતું. વડનગર મેડિકલ કોલેજ અને હોસ્પિટલનો નર્સિગ સ્ટાફ પણ જોડાયો હતો. તેમની માંગણીમાં નર્સિંગના તમામ સંવર્ગના કેન્દ્ર સરકારના ધારાધોરણ મુજબનું પગાર ધોરણ આપવા, પગારમાં તેમની ફરજોને અનુલક્ષી અપાતાં સામાન્ય ભથ્થા અને એલાઉન્સ, જીએમઆરએસ સેક્ટરમાં ફરજો પૂરી પાડતા નર્સિંગને 7મા પગારપંચનો તાત્કાલિક અમલ, વિદ્યાર્થીઓને છેલ્લા વર્ષમાં નર્સિંગ ઇન્ટર્નશીપમાં સ્ટાઇપેન્ડ, કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સ પ્રથા સંપૂર્ણપણે બંધ સહિત 12 મુદ્દાનો સમાવેશ થાય છે. આ બાબતોનો કોઇ ઉકેલ નહીં લવાય તો નર્સિંગનું આંદોલન રાજ્યભરમાં ઉગ્ર કાર્યક્રમોમાં તબદીલ કરાશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.