વડોદરા : બકરાવાડી વિસ્તારમાં લોકોને પીવુ પડે છે દૂષિત પાણી.

0
13
  • વોર્ડ નં-13માં બકરાવાડી, સિંધવાઇ માતા રોડ, પથ્થરગેટ, ન્યાય મંદિર સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે
  • બકરાવાડી વિસ્તારમાં પાણી, રસ્તા, ગટર અને સ્ટ્રીટ લાઇટોની સમસ્યા છે

વડોદરા શહેરની મધ્યમાં આવેલા બકરાવાડી, સિંધવાઇ માતા રોડ, પથ્થરગેટ, ન્યાય મંદિર અને તેની આસપાસના વિસ્તારનો વોર્ડ નં-13માં સમાવેશ થાય છે. પાણી, રસ્તા, ગટર અને સ્ટ્રીટ લાઇટોની સમસ્યા છે. આ વોર્ડમાં પાર્ટીના કાઉન્સિલરોને પોતાના વિસ્તારના પ્રાથમિક સુવિધાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે ધરણા અને ઉપવાસ સહિતના આંદોલન કરવાની ફરજ પડી હતી. તેમ છતાં વોર્ડમાં પાણી, રસ્તા અને ડ્રેનેજની સમસ્યાઓ યથાવત છે. આ વોર્ડના એવા અનેક વિસ્તારો છે જ્યાં દૂષિત પાણી આવે છે અને ઓછા પ્રેશરથી પાણી આવે છે. પાણીનો પ્રશ્ન હલ કરવામાં કોર્પોરેશનના સત્તાધિશો ધરાર નિષ્ફળ પૂરવાર થયા છે.

પાલિકા તંત્ર પીવાલાયક પાણી આપતુ નથી
સ્થાનિક રહેવાસી ભરતભાઇ તંબોળીએ જણાવ્યું હતું કે, વર્ષો પૂર્વે દિવસમાં ત્રણ ટાઇમ પાણી મળતું હતું. આજના સમયમાં એક ટાઇમ પણ પૂરતું પાણી મળતું નથી. કોર્પોરેશન દ્વારા પુરતું પાણી તો ઠીક જેટલો સમય પાણી આપવામાં આવે છે. તે પાણી પણ પીવા લાયક હોતું નથી. માંડ અડધો કલાક પાણી આવવાને કારણે લોકોને વેચાતું પાણીલાવીને પીવાની ફરજ પડી રહી છે.

રસ્તાઓની હાલત પણ દયનીય છે
વધુમાં તેઓઓ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં પાણી ઉપરાંત રસ્તાઓના ઠેકાણા નથી. મુખ્ય માર્ગો કંઇક અંશે સારા છે. પરંતુ, આંતરિક રસ્તાઓની હાલત દયનીય છે. આંતરિક રસ્તાઓ નવા ક્યારે બન્યા હશે. તે ખબર નથી. ચોમાસા બાદ મોટા પાયે ધોવાઇ ગયેલા રસ્તાઓ ઉપર માત્ર પેચવર્ક કરવામાં આવે છે. પરંતુ, નવા રસ્તા બનાવવામાં આવતા નથી. તેજ રીતે ડ્રેનેજની પણ સમસ્યા છે. વર્ષો પૂર્વે નાખવામાં આવેલી ડ્રેનેજ લાઇનો લીકેજ થઇ રહી છે. નવી લાઇનો નાખવા માટે અનેક વખત રજૂઆતો કરવા છતાં નાખવામાં આવતી નથી.

પાણી, રસ્તા અને સારી ડ્રેનેજ સુવિધા મળી નથી
બકરાવાડી વિસ્તારમાં રહેતા ચિરાગભાઇ એસ. પરમારે જણાવ્યું કે, કોર્પોરેશનની પ્રાથમિક જવાબદારી પાણી, રસ્તા અને સારી ડ્રેનેજ સુવિધા પૂરી પાડવાની છે. પરંતુ, કોર્પોરેશન આ ત્રણેય સુવિધા અમારા વોર્ડમાં પૂરી પાડવામાં ધરાર નિષ્ફળ ગયું છે. કોર્પોરેશન દ્વારા કમરતોડ પાણી વેરો વસુલ કરવામાં આવે છે. પરંતુ, પૂરતુ પાણી આપવાની વાત તો બાજુ ઉપર પૂરતા પ્રેશરથી પાણી આપવામાં પણ નિષ્ફળ ગયું છે. અમારો અને અમારી આસપાસનો વિસ્તાર આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. અમારા વિસ્તારના લોકોને વગર સુવિધાઓએ વેરો ભરવાનો વખત આવ્યો છે. કોર્પોરેટરોને વિસ્તારના વિકાસ કામો માટે કોર્પોરેશન સામે જ ધરણા અને ઉપવાસ જેવા કાર્યક્રમો આપવા પડે તે શરમજનક બાબત છે.

ચોમાસામાં સામાન્ય વરસાદમાં જ વિસ્તાર નદી-તળાવમાં ફેરવાઇ જાય છે
ન્યાય મંદિર ખાતે રહેતા અવધુતભાઇ પટેલે જણાવ્યું કે, શિયાળાની ઋતુમાં પાણીની સમસ્યા છે. આગામી ઉનાળામાં અમે કેવી રેતી પાણી વિના દિવસો પસાર કરીશું તે મોટો સવાલ છે. વિસ્તારમાં ઓછા પ્રેશરથી પાણી આવતું હોવાથી લોકોને પાણી વેચાતુ લાવીને પીવાનો વખત આવ્યો છે. અમારા વિસ્તારમાં રસ્તા અને ડ્રેનેજની પણ સમસ્યા છે. ચોમાસામાં વરસાદી ગટરો સાફ ન થવાના કારણે સામાન્ય વરસાદમાં જ અમારો વિસ્તાર નદી-તળાવમાં ફેરવાઇ જતો હોય છે. જોકે, આવી સ્થિતી સામાન્ય દિવસોમાં પણ જોવા મળે છે.

ડ્રેનેજ લાઇન મિશ્રીત પાણી લોકોને પીવું પડે છે
વર્ષો જૂની ડ્રેનેજ લાઇનો લીકેજ થવાના કારણે દૂષિત પાણી રોડ ઉપર ફરી વળતું હોય છે. તે સાથે ડ્રેનેજ લાઇન મિશ્રીત પાણી લોકોને પીવું પડે છે. આગામી ઉનાળાની ઋતુમાં પાણી વ્યવસ્થિત રીતે નહીં મળે તો ગંભીર સમસ્યા સર્જાશે. હાલમાં કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવારો દ્વારા પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાના વચનો આપવામાં આવી રહ્યા છે. પરંતુ, વચનો પૂરા કરે તો સારી વાત છે. કોર્પોરેશન દ્વારા મોટા વિકાસલક્ષી પ્રોજેક્ટોની સાથો સાથે પાણી, રસ્તા, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટો અને સફાઇને પ્રાધાન્ય આપવું જરૂરી છે.

વોર્ડ નંબર-13ના મતદારોની સંખ્યા

પુરુષ -33,541 સ્ત્રી -33,354 અન્ય -01 કુલ – 66,896

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here