વડોદરામાં ઘઉંની બોરી નીચે છુપાવેલો 15 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

0
33

વડોદરા: વડોદરા શહેરના વારસીયામાં રહેતા કુખ્યાત બુટલેગર અલ્પેશ ઉર્ફ અલ્પુ સિંધીએ હરીયાણાથી મંગાવેલો રૂપિયા 15 લાખની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થો ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો હતો. ઘઉંની બોરી નીચે છુપાવીને ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો વડોદરા લાવવામાં આવ્યો હતો.

વડોદરા શહેરના સોમા તળાવ-તરસાલી રોડ પર ઘાઘરેટિયા ગામ પાસે વુડાના મકાન નજીક ખુલ્લા મેદાનમાં ટ્રક બોલાવી હતી. જ્યાંથી વારસીયા સંતકંવર કોલોનીમાં રહેતો બુટલેગર અલ્પેશ ઉર્ફ અલ્પુ હરદાસમલ વાઘવાણી (સિંધી) દારૂની પેટીઓ કટિંગ કરવાનો હતો. પરંતુ તે દારૂની પેટીઓ કટીંગ કરે તે પહેલાં જ ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. 100 જેટલી ઘઉંની બોરી નીચે 318 પેટી વિદેશી દારૂનો જથ્થો હરીયાણાથી વડોદરામાં લાવવામાં આવ્યો હતો.

ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ. એચ.આર. મુછાળે જણાવ્યું હતું કે, પોલીસ કમિશનરની સૂચના અને ડી.સી.પી. ક્રાઇમ જયદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ શહેરમાં ઘૂસી રહેલા વિદેશી દારૂ અંગે પોલીસ તંત્ર સામે ચાંપતી નજર રાખી રહ્યું છે. જેમાં બુધવારે રાત્રે કુખ્યાત બુટલેગર અલ્પેશ ઉર્ફ અલ્પુ સિંધીનો વિદશી દારૂનો જંગી જથ્થો વડોદરામાં આવ્યો હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે રૂપિયા 15 લાખનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here