દાહોદ: દાહોદ પાસેના એક ગામની યુવતી અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા બાદ વડોદરાની હોસ્પિટલમાં મૃત જાહેર કરાઇ હતી. જોકે ઘરે લઇ જતી વખતે ગોધરા-દાહોદ રોડ પર યુવતીના શરીરમાં હલનચલન થતા ફરી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેની તબિયત સુધારા પર છે.
યુવીતને મૃત જાહેર કરતા પરિવારમાં માતમ છવાયો હતો
દાહોદ નજીકના એક ગામમાંથી બહારગામ જવા નીકળેલા પરિવારને 19 જાન્યુઆરીએ રાતના સમયે જ દાહોદ નજીક હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. જેમાં પરિવારની એક યુવતીને ગંભીર ઈજાઓ હતી. જેથી તેને સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેને સારવાર દરમિયાન બીજા દિવસે તબીબે મૃત ઘોષિત કરતા દાહોદ વસતા આ યુવતીના પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
ગોધરાથી દાહોદની વચ્ચે એમ્બ્યુલન્સમાં યુવતી જીવિત હોવાનું જણાયું
યુવતીની અંતિમ યાત્રા સવારે દસ વાગ્યે લઇ જવાશે તેવું પરિવાર દ્વારા નક્કી કરાયા બાદ સમાજમાં સોશિયલ દ્વારા જાણ પણ કરી દેવામાં આવી હતી. જોકે દાહોદ પરત લાવતી વેળાએ ગોધરાથી દાહોદની વચ્ચે એમ્બ્યુલન્સમાં યુવતી જીવિત હોવાનું જણાયું હતું. જેથી યુવતીને દાહોદના ખાનગી દવાખાનામાં લઇ જઇને તપાસ કરવામાં આવતાં યુવતી જીવિત હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક સારવાર બાદ યુવતીને વધુ સારવાર માટે ફરીથી વડોદરા ખાતે બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
દર્દી શોકમાં જતું રહેતાં ક્યારેક ન પણ કળી શકાય
તબીબોના મત પ્રમાણે દર્દી શોકમાં જતો રહે તે અવસ્થામાં તેના ધબકારા અનિયમિત થઇ જાય છે, જેથી તે સાંભળવા અતિ મુશ્કેલ હોય છે. આ સંજોગોમાં પલ્સ અને બીપી બિલકુલ આવતું નથી, જેથી દર્દી મૃત છે કે જીવિત તે અનુમાન થતું નથી. આ સંજોગોમાં ક્યારેક ભૂલ થઇ પણ શકે.