વડોદરા: રિયલ ઇન્ડિયા એગ્રો પ્રોડ્યુસર કંપની લિમિટેડ અને તેની અન્ય 6 સિસ્ટર કંપનીઓમાં ઊંચા વળતરની લાલચ આપીને કંપની સંચાલકોએ શહેરના 5 હજાર રોકાણકારોની 5 કરોડથી વધુ રકમની છેતરપિંડી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. શહેરના 16 એજન્ટોએ પોતાના 845 ગ્રાહકોના 2.33 કરોડ રૂપિયા પરત નહીં આપી ઠગાઇ કરાઇ હોવા બાબતની ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે એજન્ટોનાં નિવેદન લેવાની કવાયત આદરી છે. આ જ કૌભાંડમાં કાલોલ પોલીસના હાથે પકડાયેલા 2 ડાઇરેક્ટરોનો ટ્રાન્સફર વોરન્ટથી કબજો મેળવવાની પણ તજવીજ પોલીસે શરૂ કરી હતી.
રોકાણકારો માટે એજન્ટો પણ જંગે ચડેલા છે
અઢી વર્ષથી પૈસા માટે લડાઇ લડું છું
કંપની સંચાલકોએ પૈસા પરત ન આપતાં રોકાણકારો અમારી સમક્ષ રજૂઆત કરે છે અને અમારી હાલત ખરાબ થઇ ગઇ છે. અમે છેલ્લાં અઢી વર્ષથી લડાઇ લડીએ છીએ. 20 દિવસ સુધી લખનૌમાં ધામા નાખ્યા ત્યારે એક વાર ડાઇરેકટરો મળ્યા હતા પણ પૈસા અમને હજુ મળ્યા નથી. કંપનીએ વડોદરાના 5 હજાર રોકાણકારોના 5 કરોડ રૂપિયા પાછા આપ્યા નથી. – ધ્રુવચંદ પાંડે, એજન્ટ
મેં તો ચેક રિટર્નની ફરિયાદ પણ કરેલી છે
મારા 147 ગ્રાહકોની 58 લાખ કરતાં વધુ રકમ પાછી મળી નથી. મને આપેલો 25 લાખનો ચેક રિટર્ન થતાં મે કોર્ટમાં ફરિયાદ પણ કરેલી છે. બે ડાઇરેકટરો પકડાયા છે, તેથી પોલીસ હવે તપાસ કરી રહી છે. કંપનીના સંચાલકોએ લોકોના પૈસા હડપ કરી લીધા છે. > સલીમ બુકબાઇન્ડર, એજન્ટ