વડોદરામાં સુવર્ણ મઢિત શિવ પરિવારની સવારી નીકળી, એર સ્ટ્રાઇકના ફ્લોટ્સે આકર્ષણ જમાવ્યું

0
59

વડોદરા: મહાશિવરાત્રીના પાવન પર્વે હર..હર..મહાદેવ, બમ્..બમ્.. ભોલેના નાદ સાથે 15 ફૂટ ઉંચા નંદી સવાર સુવર્ણજડિત શ્રી શિવજી પરિવારની નગર યાત્રા નીકળી હતી. વાજતે-ગાજતે પ્રતાપનગર ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાંથી નીકળેલી શિવજી કી સવારીમાં શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

શિવજી કી સવારીથી સમગ્ર શહેર શિવમય બની ગયું
દેવાધિ દેવ મહાદેવની આરાધના કરવાના મહાપર્વ મહાશિવરાત્રીના આજે પાવન દિવસે 15 ફૂટ ઉંચા નંદી સવાર સુવર્ણજડિત શિવજી, માતા પાર્વતી, ગણેશ, કાર્તિકેય અને નારદજીની ભવ્યાતિભવ્ય રથમાં સવારી નીકળી હતી. બેન્ડ વાજા, ઢોલ-નગારા, ભજન મંડળીઓ, આદિવાસી નૃત્ય, શિવજીની આરાધના કરતા ભજનો, સ્તુતીઓ સાથે નીકળેલી સવારીમાં મોટી સંખ્યામાં જોડાયા હતા. પ્રતાપનગર ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતેથી નીકળેલી ભવ્ય શિવજી કી સવારીએ માર્ગો ઉપર અભૂતપૂર્વ આકર્ષણ જમાવ્યું હતું. હર..હર.. મહાદેવ..અને બમ્..બમ્..ભોલેના નાદ અને ભારે આતશબાજીથી સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું. ભવ્યાતિભવ્ય નીકળેલી શિવજી કી સવારીથી સમગ્ર શહેર શિવમય બની ગયું હતું.
એર સ્ટ્રાઇકના ફ્લોટ્સે શહેરીજનોમાં ભારે આકર્ષણ જમાવ્યું
શિવજી કી સવારીમાં નાના બાળકો, યુવાનો શિવજી, પાર્વતી, રાધા-ક્રિષ્ણ, સોલ્જર, હનુમાનજી જેવા વિવિધ પોષાકોમાં ઉંટ ગાડી, બળદ ગાડા, ઘોડા ગાડીમાં સવાર થઇને જોડાયા હતા. આ સાથે કસરતના કરતબ બતાવતા અખાડાના યુવાનો, શહેરીજનોને સંદેશો આપતા વિવિધ ફ્લોટસ્, સવારીમાં આગવું આકર્ષણ બન્યા હતા. જેમાં ખાસ કરીને તાજેતરમાં ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનની સરહદમાં આશરો લઇ રહેલા આતંકવાદીઓ ઉપર કરેલી એર સ્ટ્રાઇકના ફ્લોટ્સે શહેરીજનોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.
શિવજી કી સવારીનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાયું
15 ફૂટ ઉંચા નંદી સવાર સુવર્ણજડીત શિવજી પરિવારને સુવર્ણોથી જડ્યા બાદ પ્રથમ વખત નીકળેલા શિવ પરિવારના દર્શન કરવા માટે શહેરના ખૂણેખૂણામાંથી નાના બાળકો સહિત અબાલવૃદ્ધો સવારીના માર્ગો ઉપર ઉમટી પડ્યા હતા. શિવજી કી સવારીના માર્ગો ઉપર હિંદુ-મુસ્લિમ પોળના યુવક મંડળો, વેપારી સંગઠનો દ્વારા શિવ પરિવારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સવારીમાં જોડાયેલા લોકો માટે ઠેર-ઠેર પાણી-સરબતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. યુવક મંડળો, સામાજિક સંગઠનો દ્વારા માર્ગો ઉપર ભારે આતશબાજી કરીને શિવજી કી સવારીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભાજપ, કોંગ્રેસ સહિત વિવિધ રાજકીય પક્ષના અગ્રણીઓ જોડાયા
શિવજી કી સવારીમાં સત્યમ્ શિવમ્ સુંદરમ સમિતીના પ્રમુખ અને ધારાસભ્ય યોગેશ પટેલ સહિત શહેરના ભાજપ, કોંગ્રેસ સહિત વિવિધ રાજકીય પક્ષના અગ્રણીઓ જોડાયા હતા. પ્રતાપનગર ખાતેથી નીકળેલી શિવજી કી સવારી ચોખંડી, માંડવી, ન્યાય મંદિર, ગાંધીનગર ગૃહ, અમદાવાદી પોળ, રાવપુરા, કોઠી ચાર રસ્તા થઇ સયાજી હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે કૈલાસપુરી ખાતે પહોંચશે. મોડી રાત્રે શિવપરિવાર કલાલી જાગનાથ મહાદેવ મંદિરના સાંનિધ્યમાં બિરાજમાન થવા પ્રસ્થાન કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here