વડોદરા: શહેરના વારસા સમા ઐતિહાસિક ન્યાયમંદિરને પોલીસ વિભાગનું થાણું બનાવવાની હિલચાલ સામે જોરદાર રોષ ફાટી નીકળ્યો છે. ખાસ કરીને ન્યાયમંદિરની આસપાસના વિસ્તારના સ્થાનિક લોકો, હજારો વેપારીઓ અને વડોદરાના વારસાનો પ્રચાર કરતાં શહેરીજનો અને પ્રબુદ્ધ લોકોએ ન્યાયમંદિરને થાણું બનાવવાની હરકતને ઓળખ અભડાવવાનો કારસો ગણાવ્યો છે. બીજી તરફ શહેર પોલીસ કમિશનર અને જીલ્લા કલેક્ટરે આવો કોઈ ઓર્ડર ન થયો હોવાનું જણાવ્યું છે. પોલીસ કમિશનરે જોકે આવી પ્રપોઝલ વિચારણા હેઠળ હોવાનું કબુલ્યું છે. આ નિર્ણય સામે લોકોએ જિલ્લા કલેક્ટર, પોલીસ વિભાગને રજૂઆત કરવાની, આવેદનપત્રો આપવાની અને સામૂહિક લડત માંડવાની અને છેવટના ભાગરૂપે પીઆઇએલ કરવાની પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ન્યાય મંદિર ખાલી થયું ત્યારે ત્યાં મ્યુઝિયમ કે સંસ્કાર કેન્દ્ર બનાવવાની વાત હતી
ન્યાયમંદિરને સિટી મ્યુઝિયમ તરીકે વિકસાવવાની ગુલબાંગો હાંક્યા બાદ સત્તાધીશોએ યુ ટર્ન લઈને પોલીસ થાણું બાંધવાની હરકતને ઐતિહાસિક ઓળખ જ ભૂંસી નાંખવાનો કારસો ગણાવ્યો છે. લોકોએ આ નિર્ણયની જાહેરાત બાદ તંત્ર દ્વારા છેતરાયા હોવાનો અહેસાસ થતો હોવાનું જણાવ્યું હતું. લોકોએ રોષ સાથે જણાવ્યું હતું કે, અહીં પોલીસનું થાણું સ્થપાય તો ટ્રાફિકની સમસ્યા ફરી વકરશે. અસામાજિક તત્ત્વોની અવરજવર પણ વધશે, દુનિયાભરનાં દૂષણો વકરશે તેવી ધાસ્તી પણ લોકોએ વ્યક્ત કરી છે. પોલીસ વિભાગનાં જ સેંકડો વાહનોની અવરજવર રહેશે. કોઇ વિરોધ પણ નહીં કરી શકે. વળી, ન્યાયમંદિરને સિટી મ્યુઝિયમ તરીકે વિકસાવવાની લોક લાગણીને કચડીને જો તંત્ર દ્વારા પોલીસ વિભાગને આપવાના આપખુદ અને લોકોની લાગણીઓ માટે અન્યાયી એવા નિર્ણયમાં કોઇ ફેરફાર નહીં કરાય તો આગામી દિવસોમાં જન આંદોલનની ચીમકી પણ આપી છે. ઉલ્લેખનિય છે કે ન્યાય મંદિર ખાલી થયું ત્યારે ત્યાં મ્યુઝિયમ કે સંસ્કાર કેન્દ્ર બનાવવાની વાત હતી.
ન્યાયમંદિરને બચાવવું હોય તો કોર્ટમાં PIL કરવી પડશે
ન્યાયમંદિરની ઇમારતને પોલીસ વિભાગને સોંપવાની હિલચાલના મુદ્દે જ્યારે દિવ્ય ભાસ્કરે શહેરના વકીલો, વેપારીઓ અને ઉદ્યોગપતિઓ તથા અન્ય ક્ષેત્રના લોકો તથા આ વિસ્તારના નાગરિકો સાથે વાત કરી તો સૌએ આ હિલચાલનો વિરોધ કરીને કલેક્ટરને રજૂઆતથી માંડીને પ્રદર્શન અને રેલી કાઢવા અંગે પણ વાત કરી. જોકે આ તમામ બાબતોની જો તંત્ર પણ અસર પડે નહીં તો કોર્ટમાં પીઆઇએલ કરવાની તૈયારી બતાવી હતી. એડવોકેટ તુષાર વ્યાસે જણાવ્યું હતું કે, પોલીસને જગ્યા જ આપવી હોય તો પદ્માવતી શોપિંગ સેન્ટર સહિતની અનેક ઇમારતો છે જ. આ બિલ્ડિંગમાં ન્યાયનું જે પવિત્ર કામ વર્ષો સુધી થયું છે તેને અભડાવવી જોઇએ નહીં. જો લોકોની રજૂઆતોથી તંત્ર નિર્ણય નહીં બદલે તો છેવટે પીઆઇએલ કરવા સુધીનો વિકલ્પ ખુલ્લો છે.
આવી ઇમારતોમાં થાણાં બનાવાય?
આ પહેલા કલેકટર કચેરીનું પરિસર, ભદ્ર કચેરી પોલીસ વિભાગને આપવામાં આવી છે. ન્યાયમંદિર જેવી કલાત્મક ઐતિહાસિક ઇમારતોના થાણાં બનાવવાના ન હોય. મારી પાસે ગાયકવાડી સમયની સેંકડો ચીજો છે જો મ્યુઝિયમ બને તો હું આપવા તૈયાર છું. તેની લેખિત રજૂઆત મેં ફ્યુચુરિસ્ટ વિભાગમાં કરી જ છે. > ચંદ્રશેખર પાટીલ, હેરિટેજ કન્ઝર્વેટર.
આખો વિસ્તાર હેરિટેજ જાહેર કરો
વિકસિત દેશોમાં જૂના શહેરની ઇમારતો સરકારી નહીં પણ જાહેર ઉપયોગ માટે જ વિકસાવાય છે. ન્યાયમંદિર જ નહીં સમગ્ર વિસ્તારને હેરિટેજ એરિયા તરીકે વિકસાવવો જોઇએ. ન્યાયમંદિર વડોદરાની શ્રેષ્ઠ ઐતિહાસિક ઇમારત પૈકીની એક છે. તેની જાળવણી થાય લોકો તેની સુંદરતા નિહાળી શકે તેવી વ્યવસ્થા કરવી જોઇએ. > દિલિપ શાહ, વીપી, એફજીઆઇ.
શહેરની ઓળખ ભૂંસાઇ જશે
ન્યાયમંદિર જેવી ઇમારતને ટુરિસ્ટ સેન્ટર તરીકે વિકસાવી શકાય. આવું સેન્ટર હોય તો સ્વભાવિક રીતે જ વધુ લોકો જોવા તેને આવશે અને એ રીતે શહેરને જ તેનો ફાયદો થશે. જો તેનો અન્ય ઉપયોગ થાય તો ન્યાયમંદિરની જે આગવી ઓળખ ભૂંસાતી જશે. અને આ કારણસર ન્યામંદિરની સાચવણી કરવી અનિવાર્ય છે.> હેમંત વડાલિયા, પ્રેસિડેન્ટ, વીસીસીઆઇ.
બુધવારે લોકો અહીં ભેગા થાય
ચાર દરવાજા સહિતના ન્યાયમંદિરની આસપાસના વિસ્તારના લોકોનો પણ આ નિર્ણય સામે વિરોધ છે. આ મુદ્દે અમે મ્યુનિ. કમિશનર અને વડાપ્રધાન કાર્યાલય સુધી પત્રવ્યવહાર કરી ચૂક્યાં છે. અમે આગામી બુધવારે આ અંગેની વ્યૂહરચના ઘડવા પાલિકાના ફુવારા પાસે જ બુધવારે મીટિંગ કરવાના છીએ. > કીર્તિ પરીખ, પ્રમુખ, નવચેતના ફોરમ.
મ્યુઝિયમ બનાવવા ન્યાયમંદિરનો કબજો કોર્પોરેશનને કેમ ન મળ્યો?
શરૂઆત – જૂન, 2015 : શહેરી ગૃહ નિર્માણ વિભાગના સેક્શન અધિકારીએ માર્ગ અને મકાન વિભાગના સચિવને પત્ર પાઠવીને સેવાસદનને ન્યાયમંદિરની ઇમારતનો કબજો આપવા અંગે પત્ર પાઠવ્યો.
કોર્પોરેશનની પહેલ – જુલાઇ, 2015 : ઉપરોક્ત પત્રના અનુસંધાનમાં કોર્પોરેશને ઇમારતના કબજા માટે માર્ગ અને મકાન વિભાગને પત્ર પાઠવીને કબજા માટેની જાણ કરી.
પહેલો વાંધો – જાન્યુઆરી, 2016 : માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેરે અભિપ્રાય આપ્યો કે હાલમાં ન્યાય મંદિરની ઇમારત વીએમસીને હસ્તક કરવાનું યોગ્ય જણાતું નથી.
પુન: વિનંતી – માર્ચ,2016 : વડોદરા મહાનગર સેવાસદને માર્ગ અને મકાન વિભાગના સચિવને ઉપરોક્ત પત્રના અનુસંધાનમાં ન્યાયમંદિર ઇમારતનો કબજો આપવા અંગે પત્ર પાઠવ્યો.
(જોકે ત્યારબાદ આ જગ્યા જિલ્લા કલેક્ટરના આધીન જતાં રહેતાં કોર્પોરેશને પછી કોઇ પ્રયાસ કર્યા નથી.)
મેં આવો કોઈ ઓર્ડર કર્યો નથી
નવી કોર્ટના પગલે ખાલી પડેલી ન્યાયમંદિરની ઇમારતને શહેર પોલીસને આપવા અંગેનો કોઇ ઓર્ડર મે કર્યો નથી. મારી પાસે આવી કોઈ વાત આવી નથી, આવી કોઈ પ્રપોઝલપર અંગે કોઇ વિચારણા ચાલી રહી છે કે તેની કોઈ ચર્ચા થઈ છે કે નહીં તે અંગે પણ હું હાલ કાંઇ કહી શકું તેમ નથી.- શાલિની અગ્રવાલ, જિલ્લા કલેક્ટર
ઓર્ડર નથી થયો, વિચારણા ચાલે છે
ન્યાયમંદિરની જૂની ઇમારતને પોલીસને આપવા અંગેનો અમને હજુ સુધી કોઇ ઓર્ડર મળ્યો નથી. આ સંકુલમાં પ્રિવેન્શન ક્રાઇમ બ્રાન્ચ, ડીસીપી ઝોન-3 ની ઓફિસ, આ વિસ્તારની ટ્રાફિક ઓફિસ તેમજ સાઇબર સેલને અહીં ટ્રાન્સફર કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે પણ અત્યાર સુધી કોઇ નિર્ણય લેવાયો નથી. – અનુપમસિંઘ ગહલૌત, પોલીસ કમિશનર