વડોદરા : ઉત્તરવહી પ્રકરણમાં NSUI ના પૂર્વ CR,1 વિદ્યાર્થી સહિત 4ની ધરપકડ

0
40

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ઉત્તરવહી ચોરીમાં સંડોવાયેલા 12 વિદ્યાર્થીઓ પૈકી એનએસયુઆઇના પૂર્વ સીઆર અને એક વિદ્યાર્થિની સહિત 4 ની પોલીસે ધરપકડ કરી છે જ્યારે એક વિદ્યાર્થીની પૂછતાછ ચાલી રહી છે. પટાવાળા સહિત 6 વિદ્યાર્થીને પોલીસે કોર્ટમાં રજૂ કરતાં રિમાન્ડ નામંજૂર કરી જામીન મુક્ત કર્યા છે જ્યારે એનએસયુઆઇનો જ પૂર્વ એફજીએસ અને કાર્યકર સહિત 7 ની શોધખોળ ચાલી રહી છે. એક ઉત્તરવહી બદલવાના રૂા. 800 મળતાં હોવાની પટાવાળાએ કબૂલાત કરતા વચેટિયાઓએ કેટલા રૂપિયા પડાવ્યા છે તે દિશામાં પણ તપાસ હાથ ધરાઇ છે.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી ઉત્તરવહીની ચોરીના કૌભાંડમાં ફેકલ્ટી ઓફ આર્ટસના બે પટાવાળા ચિરાગ વડદ્રા અને અંકિત કણસેએ ફેકલ્ટી ઓફ આર્ટસમાં એસ.વાય. બીએમાં અભ્યાસ કરતાં એનએસયુઆઇના પૂર્વ સીઆર સાગર સંજય સંદાણે અને ટીવાય બીએના નિહાલ સુરેશ કનોજિયા સાથે ચોક્કસ વિદ્યાર્થીઓને પરિણામમાં ફાયદો કરાવવા કાવતરુ કર્યું હતું.

બંનેએ એસેસમેન્ટ સેલની રૂમનં. 229માંથી 25 ઉત્તરવહી ચોરી કરી છેડછાડ કરી પરત મૂકી હતી. પોલીસે મ.સ.યુનિ.ના બે પટાવાળા ચિરાગ, અંકિત બાદ શનિવારે રાત્રે વિદ્યાર્થીઓ સાગર, નિહાલ ઉપરાંત એફવાય બીએના રમાકાંત બલીરામ મિશ્રાની જ્યારે ટીવાય બીએની વિદ્યાર્થિની અતિકા યુનુસ કડીવાલાની રવિવારે સવારે ધરપકડ કરી છે. આ ઉપરાંત મ.સ.યુનિ.ના એફ.વાય. બીએના કેયુર ધીરૂભાઇ પરમારની પૂછતાછ શરૂ કરી છે.

આ ટોળકીનો સૂત્રધાર કોણ છે ?, કોના કહેવાથી કૃત્ય આચર્યું ?, કોઇ અધિકારી કે કર્મચારીની સંડોવણી છે કે કેમ ? ઉત્તરવહી જે લાકડાના કબાટમાં મૂકી હતી તેનું લોક કેવી રીતે ખોલવામાં આવ્યું ?, અન્ય કોઇ મોબાઇલ કે સોશિયલ મીડિયાથી બીજા આરોપીઓને સંપર્ક કર્યો હતો કે કેમ ?, બીજા કયા વિદ્યાર્થીઓને ઉત્તરવહી સુધારવા માટે આપી હતી ? નાણાકિય વ્યવહાર કેવી રીતે થયો ? બેન્ક એકાઉન્ટો સહિતની પોલીસ તપાસ કરી રહી છે.

37 પૈકી 20 ઉત્તરવહીઓમાં છેડછાડ,5 મેરિટવાળા હતા
સેન્ટ્રલ એસેસમેન્ટ સેલમાં ગત 9 મેના રોજ 21 ઉત્તરવહી મિસીંગ જણાઇ હતી. તપાસ સમિતિના તારણ મુજબ 37 ઉત્તરવહી શંકાસ્પદ હતી. જે પૈકી 25 ચોરી કરી બહાર લઇ જવામાં આવી હતી. 20 ઉત્તરવહીમાં છેડછાડ કરી બહારથી વધારાના જવાબો લખી ઉમેરવામાં આવ્યા હતાં. બહાર ગયેલી 5 ઉત્તરવહી મેરિટવાળા વિદ્યાર્થીઓની હતી, તેમાં કોઇ છેડછાડ નહોતી થઇ જ્યારે છેડછાડ થયેલી 20 ઉત્તરવહી 12 વિદ્યાર્થીઓની હતી. જેમાં કૌભાંડી સાગર અને નિહાલની પણ હતી. સમિતિ દ્ધારા ચકાસણી કરાયેલી 37 પૈકી 17 ઉત્તરવહી શંકાશીલ જણાઇ ન હતી.

અન્ય કયા છાત્રોની સંડોવણી?
– જાનકી રાજેશ ભરડવા , એફ.વાય. બી.એ
– ભગવાન દેસાઇ , એમ.એ. પાર્ટ-1
– કર્ણવી ઉત્પલ જોષી, એફ.વાય. બી.એ
– ભરત હરિરામ મીણા , એફ.વાય.બી.એ
– જયપાલ હંસારામ મીણા, એસ.વાય. બી.એ
– દિગ્વીજયસિંગ સેંગર , ટી.વાય.બી.એ
– પરિક્ષિતસિંગ શક્તાવત, ટી.વાય.બી.એ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here