વડોદરા : કાઉન્સિલરના બેસણામાં આવેલા અમિત ચાવડા-ભરતસિંહે કહ્યું, તમામ એક્ઝિટ પોલ 23 મેએ ખોટા સાબિત થશે

0
0

વડોદરાઃ વડોદરા મહાનગર સેવા સદનના કાઉન્સિલર જીતેન્દ્ર ઠાકોરના બેસણાંમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ભરત સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં આવેલા તમામ એક્ઝિટ પોલ તા.23મેના રોજ ખોટા સાબિત થશે. અને કેન્દ્રમાં યુ.પી.એ. સરકાર બનશે.

ગુજરાત સરકાર પાણી અને ઘાસની અછત પૂરી કરવામાં નિષ્ફળ

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણીના આવી રહેલા તમામ એક્ઝિટ પોલ ખોટા સાબિત થશે. અને કેન્દ્રમાં કોંગ્રેસ બહુમતી સાથે સરકાર બનાવશે. ગુજરાતમાં પણ 10થી વધુ સીટો આવશે. તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગુજરાત સરકાર પાણી અને ઘાસની અછત પૂરી કરવામાં નિષ્ફળ ગઇ છે. તેમ જણાવતા ઉમેર્યું કે, કોંગ્રેસના અગ્રણીઓ સમગ્ર રાજ્યમાં પાણી અને ઘાસચારાની અછત અંગે સર્વે કરી રહ્યા છે. જો સરકાર વહેલીતકે પાણી-ઘાસ ચારાનો પ્રશ્ન હલ નહીં કરે તો કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં આંદોલન કરવામાં આવશે.

નિષ્ફળ ગયેલી ભાજપા સરકાર વિરૂધ્ધ લોકોએ મતદાન કર્યું છે

પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં એન.ડી.એ. તરફી આવી રહેલા તમામ એક્ઝિટ પોલ ખોટા સાબિત થશે. અટલ બિહારી વાજપાઇની સરકાર સમયે એક્ઝિટ પોલ ખાટા સાબિત થયા હતા. છેલ્લા 5 વર્ષમાં તમામ ક્ષેત્રે નિષ્ફળ ગયેલી ભાજપા સરકાર વિરૂધ્ધ લોકોએ મતદાન કર્યું છે. ગુજરાતમાં પણ 26 માંથી 14થી વધુ સીટો કોંગ્રેસની આવશે. અને કોંગ્રેસની બહુમતી આવશે.

અમિત ચાવડા અને ભરતસિંહએ જીતેન્દ્ર ઠાકોર અંગે દુઃખ વ્યક્ત કર્યું

અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકીએ સ્વ. જીતેન્દ્ર ઠાકોર અંગે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ઠાકોર પરિવાર સામાજીક સેવા કરવામાં વર્ષોથી આગળ રહ્યું છે. પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે રહીને સમાજની સેવા કરી છે. જીતુભાઇ ઠાકોરના પરિવારને ભગવાન આવી પડેલું દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here