વડોદરા : ગંદા પાણીની સમસ્યા વચ્ચે કમિશનર USમાં રજા માણે છે, સ્થાયી સમિતિની બેઠકમાં ભાજપના કાઉન્સિલરનો બળાપો

0
22

વડોદરાઃ વડોદરા શહેરમાં ચાલી રહેલી ગંદા પાણીની સમસ્યામાં સ્થાયી સમિતિની બેઠકમાં શાસક પાંખના સિનીયર કાઉન્સિલરે મ્યુનિસિપલ કમિશનરને નિશાને લીધા હતા. સતિષ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં તરસાલીના કાઉન્સિલર અને શાસક પાંખના પૂર્વ નેતા નિલેશ રાઠોડે ગંદા પાણીની સમસ્યા માઝા મૂકી હોવાનો આક્રોશ વ્યકત કર્યો હતો અને 4 મહિનાથી ગંદુ પાણી આવી રહ્યુ છે અને આ સ્થિતિમાં મ્યુનિસિપલ કમિશનર રજા પર અમેરિકા જતા રહે તે કેવી રીતે ચાલે ? તેવો વેધક સવાલ કર્યો હતો. ગંદા પાણી માટે અન્ય સભાસદોએ પણ સ્થિતિ સુધરી નહીં હોવાનો સૂર વ્યકત કર્યો હતો.

પાણી જેવી જ સમસ્યા ભવિષ્યમાં ડ્રેનેજની થવાની છે
પૂર્વ ડેપ્યુટી મેયર સુનિતા શુક્લએ પાણી જેવી જ સમસ્યા ભવિષ્યમાં ડ્રેનેજની થવાની છે તેવી ચિંતા સાથે પાણીના સંપમાં ઉતરતા લોકોની ઓળખ થઇ શકે તે માટે આઇડી કાર્ડની ચકાસણી કરવી જોઇએ તેવુ સૂચન કર્યુ હતુ. તેમણે જો કોઇ અજાણી વ્યકિત ધાકધમકી આપીને સંપમાં ઉતરી પાણીમાં કોઇ જીવલેણ-નુકશાન કરતું કેમિકલ નાંખી દે તો તેના માટે જવાબદાર કોણ ? તેવો સવાલ કર્યો હતો.

બ્રિજની કામગીરીમાં નિષ્કાળજીના કારણે વડીવાડી અને અલકાપુરીમાં પાણીનો ભરાવો થયો
ધર્મેન્દ્ર પંચાલે બ્રિજની કામગીરીમાં નિષ્કાળજીના કારણે અગાઉ વડીવાડી અને અલકાપુરીમાં પાણીનો ભરાવો થયો હતો. તો ફરીથી ડ્રેનેજની લાઇનમાં ભંગાણ પડતા માર્બલ આર્ચ કોમ્પ્લેકસના બે્ઝમેન્ટમાં બે ફુટ પાણી ભરાતા તેને કાઢવા માટે પંપ મૂકવા પડ્યા છે તેવો આક્રોશ ઠાલવ્યો હતો.

વરસાદી પાણીના ભરાવવાળા સ્થળો માટે બેઠક કરી નથી
અજીત દધિચે ચોમાસાની સિઝન હવે 15 દિવસમાં આવી રહી હોવા છતાં વરસાદી પાણીના ભરાવવાળા સ્થળો માટે હજી સુધી કાઉન્સિલરો સાથે અધિકારીઓએ બેઠક કરી નથી, તે ઠીક નથી તેવી ટીપ્પણી કરી હતી. તો મોહન વસાવાએ કોન્ટ્રાકટના કર્મચારીને સસ્પેન્ડ કરી શકાય નહીં પણ ટર્મિનેટ જ થઇ શકે છે તેવુ સૂચન કર્યુ હતું.