વડોદરા : ઘરેથી 2 લાખની રોકડ લઇ નીકળેલા વેપારીની ટૂંપો દઇને હત્યા: લૂંટની આશંકા

0
42

વડોદરાઃ રાજસ્થાનના ઉદેપુર ખાતે બહેનની અંતિમક્રિયામાં જવાના 3 કલાક પહેલા જ ભાઇની નેશનલ હાઇવે પાંજરાપોળ પાસે કારની પાછળની સીટ પરથી ગળેટૂંપો આપી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. બુધવારે મળસ્કે 4:30 વાગે ઘરેથી રૂા. 2 લાખ લઇ કામ માટે નીકળેલા કેરોસીનના વેપારીની કારમાંથી રૂપિયા નહીં મળતાં લૂંટની પણ શંકા છે. વેપારીની હત્યા કરી લાશ કારની પાછળની સીટ પર મૂકી કાર વ્યવસ્થિત મૂકી દીધી હોવાનું સ્વજનોનું અનુમાન છે. પોસ્ટમોર્ટમ બાદ હરણી પોલીસે મોડી રાત્રે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. મૂળ રાજસ્થાનના અને હાલ ન્યૂ વીઆઇપી રોડ વૈકુંઠ-2 માં રહેતા 42 વર્ષીય રમેશ ઉર્ફે ડાલચંદ માંગીલાલ ખટીક કેરોસીનનો વેપાર કરે છે. ઉદેપુરના નવાણિયા ગામે રહેતી બહેનનું અવસાન થતાં ડાલચંદ બુધવારે સવારે 7- 7:30 વાગે પરિવાર સાથે રાજસ્થાન જવા નીકળવાનો હતો.

2 લાખ લઇ પત્ની જશોદાને તૈયાર રહેવા કહ્યું હતું
કારેલીબાગ અને હાઇવે પર કામ હોવાથી વહેલી સવારે 4:30 વાગે તે ઘરેથી રૂા. 2 લાખ લઇ પત્ની જશોદાને તૈયાર રહેવા કહ્યું હતું. સવારે 11:30 વાગે પણ પતિ નહીં આવતાં તેણે ભાઇ રામુને જાણ કરી શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન સાળા રામુને ઘર નજીકના પાંજરાપોળ વુડાના મકાનો પાસેથી બનેવી રમેશ ખટીકની કાર દેખાઇ હતી. તેણે કારમાં જઇને જોતાં પાછળની સીટ પર બનેવી મૃત હાલતમાં પડેલા હતાં. કારના કાચ ખુલ્લા તેમજ ઘરેથી લઇ નીકળેલા રૂપિયા પણ ન હતાં. તેણે આસપાસના લોકોને બોલાવી હરણી પોલીસને જાણ કરતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. શરૂઆતમાં હાર્ટએટેકથી મોત નીપજ્યું હોવાની પોલીસ અનુમાન લગાવી રહી હતી. જોકે, પોસ્ટ મોર્ટમમાં દોરી વડે ગળે ટૂંપો આપી હત્યા કરાઇ હોવાનો રિપોર્ટ આવતાં પોલીસે હત્યારાની શોધખોળ શરૂ કરી છે.

દારૂની હેરાફેરીમાં ડાલચંદ પકડાયો હતો
હરણી પોલીસે એક વર્ષ પહેલા દારૂની હેરાફેરી કરતા બૂટલેગરોને ઝડપી પાડ્યા હતાં. પૂછતાછમાં રમેશ ઉર્ફે ડાલચંદ ખટીકની સંડોવણી બહાર આવી હતી. આ કેસમાં ડાલચંદની ધરપકડ થઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

1.3 મીમીનો ઉંડો ઘા હોવાથી દોરી જેવી વસ્તુથી ટૂંપાની શંકા
પોલીસ સૂત્રો અનુસાર, કેરોસીનના વેપારી રમેશ ખટીકને ગળે ટૂંપો આપી હત્યા કરાઇ છે. પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં 1.3 મીમીનો ઉંડો ઘા હોવાથી દોરી કે તેના જેવી વસ્તુ હોવાની પોલીસે શંકા છે. શરીર પર ઇજાના અન્ય કોઇ નિશાન નથી. રમેશ પાસે રૂા. 2 લાખ હોવાનું તેનું પત્નીનું કહેવું છે. જોકે, સવારે પતિ ઘરેથી નીકળ્યો ત્યારે આ રૂપિયા લઇને ગયો હતો કે કેમ તેની જાણ નથી. પોલીસે વેપારીના બંને સાળાની પણ પૂછતાછ કરી હતી. પત્નીએ મારા પતિને ફોન કરો કહી આક્રંદ કરતા તેનું નિવેદન લઇ શકાયું ન હતું.

2 થી 3 લોકોએ હત્યા કરી લાશ કારમાં મૂકી ગોઠવી દીધી હોવાની શંકા
રમેશ ખટીકના સાળા રામુ દેવીલાલ ખટીકે કહ્યું કે, સવારે 11:30 વાગે બહેનનો ફોન આવ્યો હતો કે તારા જીજાજી વહેલી સવારથી નીકળ્યા છે અને હજુ આવ્યા નથી એટલે હું ઘરે જઇ બંને શોધવા નીકળ્યા હતાં. ઘરેથી નીકળતા પહેલા તેમણે કારેલીબાગ અને ગોલ્ડન ચોકડી કામ હોવાનું મારી બહેનને કહ્યું હતું. તેમની પાસે 2 થી 3 લાખ પણ હતાં. તેઓ ગોલ્ડન ચોકડી જવા નીકળતા હતા ત્યારે પાંજરાપોળ વુડાના મકાન પાસે જ તેમની કાર જોઇ હતી. તેમના કપડાં મેલા હતા અને હાથ પણ છોલાયેલા હતાં. મારા બનેવીની 2થી 3 લાકોએ ભેગા મળી હત્યા કરી હશે. હત્યા પછી લાશ કારમાં મૂકી અહીં લાવી વ્યવસ્થિત સીધી ગોઠવી હોવાનું લાગી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here