વડોદરા / ડભોઈની દર્શન હોટલમાં ખાળકૂવાની સફાઈ દરમિયાન પિતા-પુત્ર સહિત 7 મજૂરનાં મોત, કાર્યવાહીની ખાતરી મળતા મૃતદેહો સ્વીકાર્યા

0
60

  • CN24NEWS-15/06/2019
  • એક મજુરને બચાવવા એકપછી એક ખાળકૂવામાં ઉતર્યાને સાતેય મર્યા
  • મૃતક સાતમાંથી પિત્રા-પુત્ર સહિત 4 મજૂરો નજીકના ગામના એક જ પરિવારના
  • વડોદરા ફાયર બ્રિગેડે 6 કલાકની ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યા
  • હોટલનો માલિક હસન અબ્બાસ ઘટના બનતા હોટલ બંધ કરી ફરાર

વડોદરા: ડભોઇ તાલુકાના ફરતીકુઇ ગામ પાસે આવેલી દર્શન હોટલના ખાળકૂવાની સફાઇ કરવાં ઉતરેલાં પિતા-પુત્ર સહિત 7 મજૂરોના મોત નીપજ્યાં છે. ઝેરી ગેસના કારણે મોત નીપજ્યાં હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. વડોદરા અને ડભોઇ ફાયર બ્રિગેડે 6 કલાકની ભારે જહેમત બાદ દોરડાથી મૃતદેહ બહાર કાઢ્યા હતા. મળતી માહિતી પ્રમાણે ઝેરી ગેસની અસર થતા એક મજૂર ખાળકૂવામાં ઢળી પડ્યો હતો. તેને બચાવવા માટે અન્ય 6 મજૂર ખાળકૂવામાં ઉતર્યા હતા. પરંતુ તેઓ પણ એક બાદ એક મોતને ભેટ્યા હતા. ડભોઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા હતા. જ્યાં સુધી આરોપી હોટલ માલિકની ધરપકડ નહીં કરવામાં આવે ત્યાં સુધી મૃતદેહો સ્વીકારવાનો મૃતકોના પરિવારજનોએ ઇન્કાર કર્યો હતો. જોકે સહાયની જાહેરાત થતાં અને આરોપી સામે કડક કાર્યવાહીની ખાતરી મળતા પરિવારજનો મૃતદેહો લઇ જવા માટે તૈયાર થયા હતા. મોડી રાત્રે બનેલી ઘટનાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બનાવ અંગે ડભોઇ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મોડીરાતે ખાળકૂવાો સાફ કરવા ઉતર્યા હતા: ડભોઇ તાલુકાના ફરતીકૂઇ ગામ પાસે દર્શન હોટલ આવેલી છે. આ હોટલના માલિક હસન અબ્બાસ છે. મોડીરાતે હોટલ સ્થિત ખાળકૂવો સાફ કરવા માટે થુવાવી ગામના વસાવા ફળિયામાં રહેતા પિતા-પુત્ર સહિત 4 અને હોટલના ત્રણ કર્મચારીઓ ઉતર્યા હતા. ખાળકૂવામાં ઉતરતાની સાથે જ તમામને ઝેરી ગેસની અસર થતાં તેઓ ખાળકૂવામાં ડૂબી ગયા હતા અને મોતને ભેટ્યા હતા.

સરકારે મૃતકના પરિવારને 4 લાખની સહાયની જાહેરાત કરીઃ CM રૂપાણીએ સમગ્ર ઘટનામાં જિલ્લાતંત્રમાં તપાસ કરવાના આદેશ કર્યા છે. આ સાથે રૂપાણીએ મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયાવી સહાયની જાહેરાત કરી છે.

હોટલ બંધ કરી માલિક ફરાર: ખાળકૂવાની સફાઇ કરતા 7 મજૂરો ડૂબી જતા હોટલ માલિક હસન અબ્બાસે તેઓના બચાવ માટે પ્રયાસ કરવાને બદલે પોતાની હોટલ બંધ કરીને ફરાર થઇ ગયો હતો. પરિણામે મોતને ભેટેલા થુવાવી ગામના લોકોમાં હોટલ માલિક સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. થુવાવી ગામના લોકોને બનાવની જાણ થતાં હોટલ ઉપર ધસી આવ્યા હતા. અને હોટલ માલિક સામે રોષ ઠાલવ્યો હતો. તો બીજી બાજુ થુવાવી ગામમાં રહેતા પિતા-પુત્ર અશોકભાઇ હરીજન અને હિતેષ હરીજન સહિત ચાર વ્યક્તિના મોત નીપજતાં ગામમાં સન્નાટો છવાઇ ગયો હતો.

6 કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કઢાયા: મોડી રાત્રે બનેલી ઘટનાની જાણ થતા વડોદરા ફાયર બ્રિગેડના ફાયર ઓફિસર નિકુંજ આઝાદ સ્ટાફ સાથે દોડી ગયા હતા. આ સાથે ડભોઇ ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. 6 કલાકની ભારે જહેમત બાદ દોરડાથી ખાળકૂવામાં ડૂબી ગયેલા 7 મજૂરોના મૃતદેહો બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતાં ડભોઇના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) અને ભાજપ અગ્રણી અશ્વિન પટેલ (વકીલ) સહિતના અગ્રણીઓ દોડી ગયા હતા.

મુખ્યમંત્રીએ સાતેય મૃતકના પરિવારજનો 4-4 લાખની સહાયની જાહેરાત કરી: રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડભોઇ નજીક આવેલા દર્શન હોટલનો ખાળ કૂવો સાફ કરવા ઉતરેલા 7 શ્રમિકોના અપમૃત્યુ અંગે શોકની લાગણી વ્યકત કરી છે. અને સાતેય મૃતક શ્રમજીવીઓના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત દર્શન હોટલના સંચાલક સામે પણ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના વડોદરા જિલ્લા તંત્રને આપી છે. વિજય રૂપાણી નીતિ આયોગની બેઠક માટે દિલ્હીની મુલાકાતે ગયા છે, જ્યાં તેમને દુર્ઘટનાની જાણ થતાં તેઓએ મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

મૃતકોના નામ

1. અશોક બેચરભાઇ હરીજન (રહે. વાંટા ફળીયું, થુવાવી)
2. હિતેષ અશોકભાઇ હરીજન (રહે. વાંટા ફળીયું, થુવાવી)
3. મહેશ મણીલાલ હરીજન (રહે. વસાવા ફળિયું, થુવાવી)
4. મહેશ રમણલાલ પાટણવાડીયા (રહે. દત્તનગર, થુવાવી)
5. અજય વસાવા (મૂળ રહે. કાદવાલી, ભરૂચ, હાલ હોટલ)
6. વિજય અરવિંદભાઇ ચૌધરી (રહે. વેલાવી તા. ઉમરપાડા, સુરત., હાલ હોટલ)
7. શહદેવ રમણભાઇ વસાવા (રહે. વેલાવી, તા. ઉમરપાડા, સુરત., હાલ હોટલ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here