વડોદરા : દૂષિત પાણીના પીવાલાયક ન હોવાના રિપોર્ટ બાદ રોજે રોજ સેમ્પલ લેવાશે

0
36

વડોદરાઃમહાનગર સેવા સદન દ્વારા નિમેટા ખાતેનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાફ કરવા છતાં પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં દુષિત પાણીનો પ્રશ્ન હલ થયો નથી. કોર્પોરેશનની પબ્લિક હેલ્થ લેબોરેટરીએ બાપોદ, કપુરાઇ, નાલંદા અને તરસાલી ટાંકીનું પાણી પીવાલાયક ન હોવાનો રિપોર્ટ આપવામાં આવ્યો છે. ત્યારે કોર્પોરેશન દ્વારા આજે વહેલી સવારે પુનઃ પાણીના સેમ્પલો લેવામાં આવ્યા હતા.

સફાઈ બાદ સેમ્પલ લેવાયા હતા

નિમેટા ખાતેના 3 નંબરના ટ્રીટમેન્ટ પ્લાન્ટની સફાઇ પછી પણ પૂર્વ અને દક્ષિણ વિસ્તારના લોકોને શુધ્ધ પાણી આપવામાં કોર્પોરેશન ધરાર નિષ્ફળ ગયું છે. નિમેટા ટ્રીટમેન્ટ પ્લાન્ટની સફાઇ પછી પણ બાપોદ, કપુરાઇ, નાલંદા અને તરસાલી પાણીની ટાંકીના સેમ્પલો લેવામાં આવ્યા હતા. અને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં પૃથકરણ માટે મોકલી આપવામાં આવ્યા હતા. લેબોરેટરીમાં તપાસ દરમિયાન ચારે ટાંકીનું પાણી પીવાલાયક ન હોવાનો રિપોર્ટ આવ્યો છે.

સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા

કોર્પોરેશનના હેલ્થ અધિકારી મહેશ પટેલે જણાવ્યું હતું કે, નિયમ મુજબ પાણીમાં ટર્બીડીટી 5 ટકાથી ઓછી હોવી જોઇએ. તોજ તે પાણી પીવાલાયક કહેવાય. પરંતુ, બાપોદ ટાંકીમાં 6.2 ટકા, કપુરાઇ ટાંકીમાં 6.3 ટકા, નાલંદા ટાંકીમાં 7.8 ટકા અને તરસાલી પાણીની ટાંકીમાં 7.5 ટકા ટર્બીડીટી જણાઇ આવતા કોર્પોરેશન દ્વારા આજે સવારથીજ પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાંથી તેમજ શહેરની તમામ 10 ટાંકીઓના સેમ્પલો લેવામાં આવ્યા હતા. અને તેને પૃથકરણ માટે કોર્પોરેશનની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.

રોજેરોજ રિપોર્ટ અપાશે

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, મ્યુ. કમિશનરની સુચના છે કે, જ્યાં સુધી તમામ 10 પાણીની ટાંકીઓ દ્વારા શહેરીજનોને પીવાનું પાણી શુધ્ધ ન મળે ત્યાં સુધી રોજ સવારે ટાંકીઓ અને વિસ્તારમાંથી પાણીના નમુના લેવાના રહેશે. જેમાં ક્લોરીન, ટી.ડી.એસ. ટર્બિડીટીની તપાસ કરવાની રહેશે. અને તેનો રોજેરોજ રિપોર્ટ આપવાનો રહેશે. મ્યુ. કમિશનર દ્વારા તમામ કર્મચારીઓની રજા પણ રદ કરી દેવામાં આવી છે.

5 માસથી પ્રશ્ન હલ થયો નથી

ઉલ્લેખનિય છે કે, શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં છેલ્લા 5 માસથી આવી રહેલા દુષિત પાણીનો પ્રશ્ન કોર્પોરેશન હલ કરવામાં નિષ્ફળ જતાં, લોકોને વેચાતુ પાણી લાવીને પીવાની ફરજ પડી રહી છે. દુષિત પાણીના કારણે પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પાણીજન્ય રોગ કમળો, ઝાડા-ઉલટી જેવા રોગચાળાએ માથું ઉંચક્યું છે. ચેપીરોગ હોસ્પિટલમાં છેલ્લા 20 દિવસમાં 150 જેટલાં દર્દીઓએ સારવાર લીધી છે. અને હાલમાં 60 જેટલા કમળો અને ઝાડા-ઉલટીના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here