વડોદરા પાસે સિગ્નલ ફેલ થવાની ઘટનામાં બે રેલવે કર્મીની અઢી વર્ષ માટે બદલી કરાઇ

0
33

વડોદરા: વડોદરા નજીક આવેલ મકરપુરા અને વરણામા વચ્ચે રેલવેની સિગ્નલ સિસ્ટમ ફેલ થઈ જતાં બાર જેટલી ટ્રેનોના 15 હજાર જેટલા મુસાફરો અટવાઈ પડયા હતા. આ બનાવ અંગે રેલવે તંત્ર દ્વારા રેલવેના એક સુપરવાઈઝર અને કર્મચારીને સજા રૂપે અઢી વર્ષ માટે વડોદરા સેકશન બહાર બદલીની સજા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

વડોદરા રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ 18 એપ્રિલના ગુરૂવારના રોજ વડોદરા રેલવે ડિવિઝનમાં આવેલ મકરપુરા-વરણામાં વચ્ચે સવારે 6:58 વાગે રેલવે લાઇનની સિગ્નલ સિસ્ટમ ફેલ થઈ ગઈ હતી. જેના પગલે રેલવે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જો કે યેનકેન પ્રકારે સિગ્નલ સિસ્ટમ 7-45 વાગે પુન: શરૂ થઈ શકી હતી. બનાવના સંબંધમાં સિગ્નલ સિસ્ટમ વિભાગના બે કર્મીઓને વડોદરા સેક્શન બહાર બદલી કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ સિગ્નલ સિસ્ટમનો સ્ટાફ સમયસર ઘટના સ્થળે ન પહોંચતાં સિગ્નલ સિસ્ટમ પોણા બે કલાક સુધી અટવાયેલી રહેતાં ભરૂચ-આણંદ મેમુ, ગુજરાત ક્વીન, કર્ણાવતી, ભિલાડ, અજમેર-દાદર, સયાજી એકસપ્રેસ, જયપુર-બાન્દ્રા, ડબલ ડેકર, ગુજરાત એકસપ્રેસ, ડિલક્ષ અને ઉદયપુર-બાન્દ્રા સહિતની 12 ટ્રેનો એવરેજ 20થી25 મિનિટ સુધી મોડી પડી હતી, જેના કારણે અંદાજે 15 હજાર મુસાફરો પરેશાન થઇ ગયા હતા.

રેલવે લાઈનની બાજૂમાં આવેલ સિગ્નલ આગળ જવાની મંજૂરી ના આપે તો કોઈ પણ લોકો પાયલોટ ટ્રેનને આગળ લઈ જઇ શકે નહી, સિગ્નલ ના મળે તો ય ટ્રેન આગળ લઇ જવાના કિસ્સામાં તુરંત રેલવે લોકો પાયલોટને ઘેર બેસાડી દેવાના કિસ્સા પણ ભૂતકાળમાં બન્યા છે.

આ ઘટના સવારના સમયે 18મી એપ્રિલના રોજ બની હતી, ઘટનાનું પુનરાવર્તન ના થાય તેના માટે પગલાં ભરાયા છે. ખેમરાજ મીના, પીઆરઓ,વડોદરા ડિવિઝન.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here