Monday, September 20, 2021
Homeવડોદરા માં BJP કાઉન્સિલરે યુવાન ને ધમકી આપ્યાનો આક્ષેપ,
Array

વડોદરા માં BJP કાઉન્સિલરે યુવાન ને ધમકી આપ્યાનો આક્ષેપ,

વડોદરા: વડોદરા શહેરના તરસાલી વિસ્તારના માર્ગો પર પડી ગયેલા ખાડાનો વીડિયો બનાવીને સ્થાનિક યુવાને ફેસબુક પર વાયરલ કર્યો હતો. વીડિયો વાયરલ થતાં ભાજપાના સ્થાનિક કાઉન્સિલર નિલેષ રાઠોડે યુવાનને બોલાવી ને ધમકી આપી હોવાના આક્ષેપ કર્યાં છે. સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે, નિલેષ રાઠોડે યુવાનને ધમકી આપી હતી કે, તારી માતા-બહેનો સેફ નથી. હું લુખ્ખો જ છું.

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા વૈભવ પટેલ નામના યુવાને તરસાલી વિસ્તારમાં રોડ પર પડી ગયેલા અસંખ્ય ખાડાઓ પુરવા માટે અવાર-નવાર સ્થાનિક કાઉન્સિલર્સ અને મહાનગરપાલિકામાં રજૂઆતો કરી હતી. પરંતુ, ખાડા ન પૂરાતા યુવાને રોડ ઉપરના ખાડાઓનો મોબાઇલ ફોન ઉપર વીડીયો બનાવીને પોતાના ફેશબુક એકાઉન્ટ ઉપર વાયરલ કર્યો હતો. આ વીડિયો ભાજપના સ્થાનિક કાઉન્સિલર નિલેષ રાઠોડના ધ્યાન ઉપર આવતા તેઓ રોષે ભરાયા હતા.

આ ઘટના સંદર્ભમાં વાયરલ થયેલા એક વીડિયોમાં વૈભવ પટેલના સમર્થનમાં આવેલી મિનાક્ષીબહેન નામની મહિલા આક્ષપે કરી રહી છે કે, ભાજપના કાઉન્સિલર નિલેષ રાઠોડે વીડિયો વાયરલ કરનાર વૈભવ પટેલને વાતચીત કરવાના બહાને બોલાવ્યો હતો. અને પોતાના કાર્યકરો સામે વૈભવ પટેલને માર મારવાની ધમકી આપતા જણાવ્યું કે, વીડિયો વાયરલ કરવાનું બંધ કર. ઘરમાં તારી મા-બહેનો છે. તેઓ સેફ નથી. હું આ વિસ્તારનો લુખ્ખો જ છું. કાઉન્સિલરે ધમકી આપતા વૈભવ પટેલની મદદે તેની બે બહેનો અને સ્થાનિક લોકો આવતા મામલો ઉગ્ર બની ગયો હતો.

બહેનોએ પોતાના ભાઇ વૈભવ પટેલને સાથે રાખીને કાઉન્સિલર નિલેષ રાઠોડને ફોન કર્યો હતો. બહેનો દ્વારા કાઉન્સિલર સાથે કરવામાં આવેલી વાતચીતના વાયરલ થયેલા વીડિયોમાં બહેનોએ કાઉન્સિલર નિલેષ રાઠોડને જણાવ્યું કે, જે રીતે તે અમારી માટે જાહેરમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે. તે જ રીતે જાહેરમાં અમારી માફી માંગ. અને જો તું માફી માંગવા આવી શકતો ન હોય, અને વિસ્તારના કામો કરી શકતો ન હોય તો હોદ્દા ઉપરથી રાજીનામું આપી દે.

કાઉન્સિલર નિલેષ રાઠોડે વાયરલ થયેલા વિવાદિત વીડિયો અંગે જણાવ્યું કે, અમારા વચ્ચે ગેરસમજ ઉભી થઇ હતી. જે ગેરસમજ દૂર થઇ ગઇ છે. મારા કાર્યકરોએ બોલેલા શબ્દો મારા ઉપર નાંખી દેવામાં આવ્યા છે. હું આવું કંઇ બોલ્યો નથી. અમારા વચ્ચે સમાધાન થઇ ગયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments