વડોદરા: વાઘોડિયા રિંગ રોડ પર બંધ મકાનમાંથી 1.13 લાખની ચોરી

0
7

વડોદરા શહેરના વાઘોડિયા રિંગ રોડ પર ભાઇબીજની ઉજવણી કરવા ગયેલા પરિવારના બંધ મકાનને નિશાન બનાવી ત્રાટકેલા તસ્કરો 1.13 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરીમાં ગયેલા સોનાના દાગીનાના ઓરીજનલ બિલોના હોવાથી ફરિયાદમાં વિલંબ થયો હતો. તો બીજી તરફ તરસાલી રોડ પર રહેતા તબીબ દંપતીના ઘરમાંથી રોકડા રૂપિયા 50 હજારની ચોરી થયાનો બનાવ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. આ મામલે તબીબે નોકરાણી ઉપર શંકા વ્યક્ત કરતા પોલીસે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.

વાઘોડિયા રિંગ રોડ પરના બંધ મકાનમાંથી 1.13 લાખની ચોરીની ફરિયાદ

વાઘોડિયા રિંગ રોડ પર દશાલાડ ભવન પાછળની પ્લેનેટ વર્લ્ડ સોસાયટીમાં રહેતા નચિકેતભાઇ શાહ એરટેલ કંપનીની એજન્સી ચલાવે છે. 24 નવેમ્બરના રોજ ભાઇબીજ હોવાથી તેઓ ઘરને તાળું મારી પરિવાર સાથે ફોઈના ઘરે રોકાયા હતા. જ્યાંથી પરત આવતા ઘરના મુખ્ય દરવાજાનું ઇન્ટરલોક તૂટેલું અને દરવાજો ખુલ્લો જણાયો હતો અને ઘરમાં સામાન વેરવિખેર પડ્યો હતો. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ઘરમાં પ્રવેશેલો અજાણ્યો તસ્કર રૂપિયા 45 હજાર કિંમતની સોનાની લકી, રૂપિયા 15 હજારની કિંમતની સોનાની બુટ્ટી, 5 હજારની કિંમતનો ચાંદીનો હાર અને બુટ્ટી, 5 હજારની કિંમતની ઇમિટેશન જ્વેલરી સેટ નંગ 10, રોકડા રૂ 40 હજાર મળીને 1.13 લાખની મત્તા તેમજ આધાર પુરાવા સહિતના કાગળો અને અગત્યના દસ્તાવેજની ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું ઘટના સમયે ગોલ્ડ જ્વેલરીના ઓરિજનલ બિલના હોવાથી ફરિયાદ કરી ન હતી. હવે ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યાં છે.

નોકરાણી સામે 50 હજારની ચોરીની ફરિયાદ

બીજા બનાવમાં તરસાલી રિંગ રોડ પર આવેલી ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતા 73 વર્ષીય ડો, કૃણાલ બાસુ નિવૃત્ત જીવન ગુજારે છે. તેમજ તેમના તબીબ પત્નીને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર તેમજ બંને પગમાં ઘૂંટણની તકલીફ હોવાના કારણે બેડરેસ્ટ હતા. જેથી પત્નીની દેખરેખ રાખવા માટે રેખાબેન પટેલ(ભગત) (રહે, સોના પાર્ક સોસાયટી, મકરપુરા, વડોદરા)ને કામ પર રાખ્યા હતા. 24 નવેમ્બરના રોજ તબીબે ઘરના સ્ટડીરૂમની તિજોરીમાં રોકડા રૂ 50 હજાર મુક્યા હતા. અને તાળુ મારી ચાવી તેની બાજુમાં એક પાકિટમાં મૂકી હતી. ત્યારબાદ 28 નવેમ્બરના રોજ રોકડા રૂપિયા મળી આવ્યા ન હતા, જેથી તેઓએ ઘરકામ કરતી રેખાબેન ઉપર શંકા વ્યક્ત કરી મકરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બનાવ સંદર્ભે પોલીસે નોકર ચોરીનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here