વડોદરા : વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં ઉમેદવારને લઇને NSUI અસમંજસમાં, નીતિન બારડને સમજાવવાના પ્રયાસો શરૂ

0
8

વડોદરા: એમ.એસ.યુનિવર્સિટીની વિદ્યાર્થી સંઘની 10 ઓગષ્ટે યોજાનારી ચૂંટણીમાં એન.એસ.યુ.આઇ. અને એ.બી.વી.પી. દ્વારા ઉમેદવારો નક્કી કરવા માટેની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન એન.એસ.યુ.આઇ.ના યુ.જી.એસ.ના ઉમેદવાર નિતીન બારડે રવિવારે એન.એસ.યુ.આઇ.માંથી ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દેતા એન.એસ.યુ.આઇ. જૂથમાં સોંપો પડી ગયો છે. જોકે, નીતિન બારડને સમજાવવા માટે એન.એસ.યુ.આઇ.ના પૂર્વ વિદ્યાર્થી અગ્રણીઓ સહિત સ્થાનિક અગ્રણીઓ દ્વારા પ્રયાસો શરૂ કરાયા હોવાનું જાણવા મળ્યું છે.

એન.એસ.યુ.આઇ અને એ.બી.વી.પી વચ્ચે સીધો જંગ
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની વિદ્યાર્થી સંઘની ચૂંટણી જીતવા માટે એન.એસ.યુ.આઇ. અને એ.બી.વી.પી. વચ્ચે સીધી ફાઇટ છે, ત્યારે બંને જૂથોએ યુનિવર્સિટીના અન્ય સંગઠનો સાથે ગઠબંધન કરવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે. જેમાં એ.બી.વી.પી.એ એજીએસજી જૂથ સાથે ગઠબંધન કરી દીધું છે. અને ગઠબંધનના ભાગરૂપે આજે કોમર્સ ફેકલ્ટીના જી.એસ.ના ઉમેદવાર તરીકે પ્રદિપ રબારીની જાહેરાત પણ કરતા ચૂંટણી પ્રચારમાં ગરમાવો આવી ગયો છે.

યુનિવર્સિટીમાં એન.એસ.યુ.આઇ.નું વર્ચસ્વ

ઉલ્લેખનિય છે કે, યુનિવર્સિટીમાં એન.એસ.યુ.આઇ.નું વર્ચસ્વ રહ્યું છે. યુનિવર્સિટીના નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થતાં જ એન.એસ.યુ.આઇ. દ્વારા વિદ્યાર્થીઓની ફી વધારા, વિદ્યાર્થીઓની સુવિધાઓ જેવા મુદ્દાઓને લઇ આંદોલન શરૂ કર્યું હતું. તો બીજી બાજુ યુનિવર્સિટીના અન્ય સંગઠનો દ્વારા પણ વિવિધ મુદ્દાઓને લઇ અલગથી આંદોલનો કર્યાં હતા. 31 જુલાઇ ઉમેદવારી પત્રો ભરવાનો અંતિમ દિવસ છે, ત્યારે તમામ સંગઠનો દ્વારા પોતાના ઉમેદવારો નક્કી કરવા માટે બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. આ સાથે યુનિવર્સિટીના અન્ય મજબૂત મનાતા સંગઠનો દ્વારા ગઠબંધનના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here