વડોદરા / વુડાના ઓફિસર એન.સી. શાહની પત્ની નિર્ઝરીણીના બેંક લોકરમાંથી રદ થયેલી રૂ. 500-1000ની 11.21 લાખની નોટો મળી

0
39

  • CN24NEWS-19/06/2019
  • વુડાના ચિફ એક્ઝિક્યુટિવ ઓફિસર એન.સી. શાહનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું
  • એસીબીએ નિર્ઝરીણી શાહનું લોકર ખોલાવતાં તેમાંથી 11.21 લાખની  રદ થયેલી નોટો મળી

વડોદરા: પાદરાની સ્કૂલના પ્લોટ વેલિડેશન સર્ટિફિકેટ માટે આર્કિટેક્ટ પાસે રૂા. 1.25 લાખની લાંચ લેતા પકડાયેલા વુડાના ચિફ એક્ઝિક્યુટિવ ઓફિસર એન.સી. શાહનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે. એસીબીની ટીમે શાહની પત્ની નિર્ઝરણીના વલ્લભવિદ્યાનગરના કોર્પોરેશન બેંકના લોકરમાં જડતી કરતાં રૂા. 500 અને 1000ની અઢી વર્ષથી રદ થયેલી રૂા. 11.21 લાખની ચલણી નોટો મળી આવી છે. એસીબીએ ગત 4 જૂને વુડામાં છટકું ગોઠવી આર્કિટેક્ટ પાસેથી રૂા. 1.25 લાખની લાંચ લેતા ટાઉન પ્લાનિંગ ઓફિસર શૈલેષ રામજી પટેલને ઝડપી પાડ્યો હતો. આ રૂપિયામાં વુડાના ચિફ એક્ઝિક્યુટિવ ઓફિસર નિલેશ ચંદ્રકાંત શાહ ઉર્ફે એન.સી. શાહની પણ ભાગબટાઇ હોઇ એસીબીએ મ્યુનિસિપલ કમિશ્નરની ઓફિસમાંથી એન.સી. શાહને ઝડપી પાડ્યો હતો.

શાહની વિરુદ્ધ હાથ ધરશે તપાસ
એસીબીએ બંનેના ઘરે જડતી કરતાં એન.સી. શાહના આણંદ બાકરોલ સ્થિત મકાનમાંથી રોકડા રૂા. 12.15 લાખ મળી આવ્યા હતાં. એસીબીએ રોકડ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. એસીબીના તપાસકર્તા પીઆઇ આર.એન. દવેની ટીમે એન.સી.શાહના પત્ની નિર્ઝરિણી શાહના વલ્લભ વિદ્યાનગર સ્થિત કોર્પોરેશન બેંકના લોકરમાં જડતી લીધી હતી. લોકર ખોલતા જ પ્લાસ્ટિકની કોથળીમાંથી રૂા. 500 અને 1000ની રદ થયેલી રૂા. 11.21 લાખની ચલણી નોટો મળી આવી હતી. ડિસેમ્બર 2016 થી રદ થયેલી ચલણી નોટ અઢી વર્ષ બાદ પણ તેમના લોકરમાંથી મળી આવતાં એસીબીની ટીમ ચોંકી ઉઠી હતી. આ ચલણી નોટ એસીબીએ કબજે કરી છે. શાહ વિરૂદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવા માટે આ રકમ પણ મહત્વની બની રહેશે.

એન.સી. શાહની પત્નીની પણ આંખો પહોળી થઇ ગઇ
એસીબીએ નિર્ઝરીણી શાહનું લોકર ખોલાવતાં તેમાંથી રદ રૂા. 500ના દરની 1000 નોટના 2 બંડલ અને રૂા. 1000ની નોટો પણ હતી. સૂત્રો અનુસાર, રદ થયેલી નોટોના થોકડા જોઇ નિર્ઝરીણીની આંખો પહોળી થઇ ગઇ હતી. તેમણે એસીબી સમક્ષ કાકલૂદી કરી હતી કે, આ રૂપિયા મેં ભેગા કરેલા હતાં પણ પછી ભૂલી ગઇ હતી એટલે રહી ગયા લાગે છે. એસીબીએ છેલ્લા અઢી વર્ષમાં તેમણે કેટલીવાર લોકર ઓપરેટ કર્યું હતું તેની પણ વિગતો મેળવી છે.

શાહના ઘરેથી મળેલા એક કવરમાં આઇ વીશ યું લખેલું મળ્યું હતું
એસીબીએ એન.સી. શાહના બાકરોલના ઘરે સર્ચ કરતાં 10 થી વધુ કવરમાં રોકડા રૂા. 12.15 લાખ મળી આવ્યા હતાં. આ રૂપિયા ક્યાંથી આવ્યા અને કોણે આપ્યા છે તે દિશામાં એસીબીએ તપાસ હાથ ધરી છે. કવરો પૈકી એક કવરમાં તો આઇ વીશ યું એવું પણ લખાણ લખેલું હતું. આ ઉપરાંત અન્ય કવરો ઉપર પણ જાહેરાત સહિતની પ્રિન્ટ મળી આવતાં એસીબી આ લોકોની પણ પૂછતાછ કરે તેવી વકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here