વડોદરા : 100 રૂપિયે કિલો ડુંગળી : 70 રૂપિયે કિલો બટાકા : ગૃહિણીઓ ડુંગળી ખરીદવાનું ટાળી રહી છે : ડુંગળીની સંગ્રહખોરી ડામવા માટે ગૃહિણીઓની માંગ

0
12

વૈશ્વિક કોરોનાની મહામારીના કારણે મોંઘવારીએ પણ માઝા મૂકી દીધી છે. જેમાં જીવન જરૂરી ચિજવસ્તુઓ સહિત તમામ ચિજવસ્તુઓના ભાવો આસમાને પહોંચી ગયા છે. ગરબોની કસ્તુરી ગણાતી ડુંગળી અને દરેક શાકભાજીમાં જરૂર પડતા બટાકાના ભાવોમાં પણ ઉછાળો આવ્યો છે. ડુંગળીના ભાવ પ્રતિ કિલો ક્વોલિટી પ્રમાણે રૂપિયા 60થી 100 રૂપિયા અને બટકાના પણ ક્વોલિટી પ્રમાણે પ્રતિકિલો રૂપિયા 50 થી 70 રૂપિયાના ભાવે વેચાઇ રહ્યા છે. ડુંગળી-બટાકાના ભાવો આસમાને પહોંચતા પહોંચતા ગરીબ અને સામાન્ય પરિવારોનું બજેટ અસ્તવ્યસ્ત થઇ ગયું છે. એતો ઠીક ખાણી-પીણીની લારીઓ અને નાની રેસ્ટોરન્ટની થાળીઓમાંથી સલાડ તરીકે પીરસાતી ડુંગળી ગાયબ થઇ ગઇ છે.

સંગ્રહખોરો સામે સરકારે પગલા ભરે તેવી ગૃહિણીઓની માંગ

વડોદરાના વાઘોડિયા રોડ ઉપર રહેતા પ્રેક્ષાબહેન પટેલે જણાવ્યું હતું કે, કોરોનાના લોકડાઉનમાં પણ ડુંગળી-બટાકાના ભાવો સ્થિર હતા. આજે લોકડાઉન ન હોવા છતાં ડુંગળી-બટાકાના ભાવો આસમાને પહોંચી ગયા છે. બટાકાના ભાવ કિલોના રૂપિયા 60થી 70 રૂપિયા હોવા છતાં બટાકા લાવવા અમારી મજબૂરી છે, પરંતુ, ડુંગળીના ભાવ રૂપિયા 70થી રૂપિયા 100 થઇ જતાં ખાવાનું છોડી દીધું છે. ડુંગળી અને બટાકા રોજિંદી વસ્તુ છે. સંગ્રહખોરો સામે સરકારે પગલાં ભરવા જોઇએ. ભાવ વધવાથી નાના-મોટા વેપારીઓને કોઇ ફરક પડતો નથી, પરંતુ, ભાવ વધારો ગરીબ અને મધ્યમ વર્ગ ઉપર પડી રહ્યો છે.

ગૃહિણી પ્રેક્ષાબહેન અને ઉર્વશીબહેન
(ગૃહિણી પ્રેક્ષાબહેન અને ઉર્વશીબહેન)

 

વેપારીઓએ લોકડાઉનના આર્થિક નુકસાનની ભરપાઇ કરવા ભાવ વધાર્યા હોવાનો આક્ષેપ

કારેલીબાગ, ન્યુ વી.આઇ.પી. રોડ ઉપર રહેતા ગૃહીણી ઉર્વશીબહેન પટેલે જણાવ્યું હતું કે, ડુંગળી અને બટાકાના ભાવો આસમાને પહોંચી ગયા છે. જીવન જરૂરી ચિજવસ્તુ ગણાતી ડુંગળી અને બટાકાના ભાવો એકાએક વધી જતાં ગરીબ અને મધ્યમ વર્ગની ગૃહિણીઓનું બજેટ અસ્તવ્યસ્ત થઇ ગયું છે. જે ડુંગળીના ભાવ અગાઉ પ્રતિ કિલો રૂપિયા 30 હતા તે હવે રૂપિયા 80 થઇ ગયા છે. બટાકા પણ રૂપિયા 15થી 20 પ્રતિ કિલો વેચાતા હતા. તે હવે રૂપિયા 50થી 70 પ્રતિકિલો વેચાઇ રહ્યા છે. લોકડાઉન સમયે પણ ડુંગળી-બટાકાના ભાવો વધ્યા ન હતા. હાલમાં લોકડાઉન પણ નથી, તો આ ભાવો કેવી રીતે વધ્યા તે એક સવાલ છે. વેપારીઓએ લોકડાઉનમાં થયેલા આર્થિક નુકસાનની ભરપાઇ કરવા માટે ડુંગળી-બટાકાના ભાવો વધારી દીધા હોવાનો આક્ષેપ કર્યો હતો.

માર્કેટમાં ગૃહિણીઓ ડુંગળી ખરીદવાનું ટાળી રહી છે
(માર્કેટમાં ગૃહિણીઓ ડુંગળી ખરીદવાનું ટાળી રહી છે)

 

વેપારી કહે છે કે, આ સ્થિતિ હજી એક માસ સુધી રહેશે તેમ લાગી રહ્યું છે

શાકભાજીની લારી ચલાવતા મહેશભાઇએ જણાવ્યું હતું કે, પહેલા ડુંગળીના ભાવ પ્રતિ કિલો રૂપિયા 40માં વેચાતી હતી. તે હવે રૂપિયા 70થી 80 રૂપિયા ભાવે વેચાઇ રહી છે. તે જ રીતે બટાકા રૂપિયા 30માં કિલો વેચાતા હતા. તે હવે રૂપિયા 50થી રૂપિયા 60ના ભાવે વેચાઇ રહ્યા છે. આ સ્થિતિ હજી એક માસ સુધી રહેશે તેમ લાગી રહ્યું છે. આ વખતે ડુંગળી-બટાકાના પાક ઓછો હોવાથી ભાવો વધ્યા હોય તેવું લાગી રહ્યું છે.

ડુંગળીની સંગ્રહખોરી ડામવા માટે ગૃહિણીઓની માંગ
(ડુંગળીની સંગ્રહખોરી ડામવા માટે ગૃહિણીઓની માંગ)

 

ડુંગળીના ભાવ વધતા ગૃહિણીઓએ ખરીદવાનું બંધ કરી દીધું છે

છૂટક શાકભાજીની લારી ચલાવતા રાકેશભાઇએ જણાવ્યું હતું કે, ડુંગળી-બટાકાના ભાવ આસમાને પહોંચી જતાં લોકો ખરીદવાનું ટાળી રહ્યા છે. હાલમાં ડુંગળીના ભાવો રૂપિયા 70થી 100 થઇ ગયા હોવાથી ગ્રાહકો ભાવ પૂછીને જ ખરીદવાનું ટાળી રહ્યા છે. તેજ રીતે બટાકાના ભાવો પણ રૂપિયા 50થી 60 થઇ જતાં લોકોએ ખરીદીમાં કાપ મુકી દીધો છે. કોરોનાના કારણે શાકભાજીના ધંધા ઉપર પણ અસર થઇ છે. હજી પણ લોકોના કોરોનાના ડરથી શાકભાજી ખરીદવાનું ટાળી રહ્યા છે. પહેલા ખાણી-પીણીની લારીઓ અને નાના રેસ્ટોરન્ટવાળાઓ પણ ડુંગળી ખરીદીને લઇ જતાં હતા. પરંતુ, હવે ભાવો વધતા તેઓએ પણ ખરીદવાનું બંધ કરી દીધું છે. અને જમવા સાથે સલાડ તરીકે ડુંગળી આપતા હતા, તે પણ બંધ કરી દીધું છે. તહેવારોની મોસમ સોળે કળાએ ખીલી છે. હાલ માં શક્તિની ઉપાસના કરવાના મહાપર્વ નવરાત્રિ ચાલી રહી છે. આગામી દિવસોમાં દિવાળી આવી રહી છે.

બટાકાના પણ ભાવ વધતા મધ્યમવર્ગ મુશ્કેલીમાં મૂકાયો
(બટાકાના પણ ભાવ વધતા મધ્યમવર્ગ મુશ્કેલીમાં મૂકાયો)

 

ટીંડોળા, ગલકા, ફ્લાવર, કોબિજ, સહિતની તમામ શાકભાજીના ભાવ વધ્યા

મોંઘવારીએ અજગરી ભરડો લીધો છે. જેમાં રોજબરોજ ખવાતી શાકભાજીના ભડકે બળી રહેલા ભાવે માઝા મુકી દીધી છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી, દરેક શાકમાં જરૂરી બનતા બટાકા સહિત ટીંડોળા, ગલકા, ફ્લાવર, કોબિજ, તુવેર, મેથીની ભાજી સહિત તમામ શાકભાજી રૂપિયા 50 થી 80 પ્રતિ કિલો થઇ ગયા છે. શાકભાજીના ભાવોમાં થયેલા વધારાને પગલે ગૃણીઓના બજેટમાં માઠી અસર પડી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here