- બાંગ્લાદેશે સોમવારે વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનને 62 રને હરાવ્યું
- બાંગ્લાદેશ 2 જુલાઈએ ભારત સામે રમશે
- બાંગ્લાદેશને સેમીફાઈનલમાં પહોંચવા માટે બે મેચ જીતવી જરૂરી
વર્લ્ડ કપમાં બાંગ્લાદેશે સોમવારે અફઘાનિસ્તાનને હરાવીને સેમીફાઈનલમાં પહોંચવાની આશાને બરકરાર રાખી છે. તેનો હવે મુકાબલો 2 જુલાઈએ ભારત સાથે થશે. મેચ પછી બાંગ્લાદેશની જીતના હીરો રહેલાં ઓલ રાઉન્ડર શાકિબ અલ હસને કહ્યું કે ભારત એક મજબૂત ટીમ છે, પરંતુ અમે તેમના વિરૂદ્ધ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીશું. શાકિબે કહ્યું કે ભારતની પાસે એવાં અનેક ખેલાડી છે જે પોતાના જોરે મેચ જીતાડી શકે છે. પરંતુ બાંગ્લાદેશની પાસે પણ મેચ જીતવાની સક્ષમતા છે.
અફઘાન ટીમ સામે જીતની સાથે જ બાંગ્લાદેશે 7 મેચમાં 7 પોઈન્ટ મેળવી લીધા છે. પોઈન્ટ ટેબલમાં તે હજુ પાંચમા નંબર છે. જ્યારે ભારત 5 મેચમાં 9 પોઈન્ટ્સની સાથે ત્રીજા નંબરે છે. ભારત બાંગ્લાદેશનો સામનો કરતાં પહેલાં વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધ મેચ રમશે. જેમાં જીતશે તો ભારત સેમીફાઈનલમાં પહોંચવાની વધુ નજીક પહોંચી શકે છે.
‘જીત માટે શક્ય એટલાં પ્રયાસ કરીશું’: શાકિબે મેચ પછી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, “અમારી આગામી મેચ ભારતની મજબૂત ટીમ સામે છે, જે હાલ ટોપ પર છે. તેમની નજર ચેમ્પિયન બનવા પર છે. અમારા માટે આ ઘણું જ મુશ્કેલ હશે. અનુભવ અમારી મદદ કરશે પરંતુ આ મેચ છેલ્લી નહીં હોય. ટૂર્નામેન્ટમાં અમારી આશા જીવંત રાખવા માટે અમે દરેક સંભવ પ્રયાસો કરીશું.”
ભારત સામે ક્યાં બોલિંગ કરવાની જરૂર છે તે ખબર છે- બોલિંગ કોચઃ પૂર્વ ભારતીય બોલર અને બાંગ્લાદેશના બોલર કોચ સુનીલ જોશીએ કહ્યું કે તેઓએ ટીમ ઈન્ડિયાને નજીકથી જોઈ છે. તેથી તેને ખબર છે કે ક્યાં બોલિંગ કરવાની જરૂર છે. સુનીલે કહ્યું, “ભારતની જેમ અમારી પાસે પણ ક્વોલિટી સ્પિનર છે. તમે તેનો સામનો કઈ રીતે કરશો? મારો અર્થ છે કે ભારતના સ્પિનર્સ સામે રમવું અને તેઓએ અમારા સ્પિનર્સ સામે રમવું લગભગ એક જ વાત છે. દરેક ટીમની કંઈક નબળાઈ હોય છે. મેં ટીમ ઈન્ડિયાને નજીકથી જોઈ છે, તેથી મને તેમની ખબર છે.”