- શિનવારી (49) અને ગુલબદિન (47) સિવાય તમામ અફઘાન બેટ્સમેન સસ્તામાં આઉટ
- 51 રન કરનાર શાકિબ બોલિંગમાં પણ ઝળક્યો, 5 વિકેટ ઝડપી
- બાંગ્લાદેશ વતી મુશ્તફિકુરે 83 રન કર્યા હતા, અફઘાન બોલર મુજીબુરે 3 વિકેટ ઝડપી
- શાકિબ વર્લ્ડ કપમાં 1000+ રન બનાવનાર દેશનો પહેલો બેટ્સમેન, તેને 51 રનની ઈનિંગ રમી
બાંગ્લાદેશના ગોલંદાજ શાકિબ અલ હસનના મેજિક સ્પેલ સામે અફઘાનિસ્તાનનો 62 રને પરાજય થયો હતો. 263 રનના પડકારનો સામનો કરવા ઉતરેલી અફઘાન ટીમમાંથી સમીઉલ્લાહ શિનવારી અને કેપ્ટન ગુલબદિનને બાદ કરતાં એક પણ પ્લેયર શાકિબની ધારદાર બોલિંગનો સામનો કરી શક્યો ન હતો અને ટીમ 47 ઓવરમાં 200 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. શાકિબે ઓલરાઉન્ડર દેખાવ કરતાં બેટિંગમાં 51 રન કર્યા બાદ બોલિંગમાં પણ કૌવત બતાવ્યું હતું અને 5 વિકેટ ઝડપી હતી. મુસ્તફિઝુરે 2 વિકેટ મેળવી હતી.
અગાઉ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય બાંગ્લાદેશની ટીમે સાચો પાડતાં 262 રનનો સ્કોર ખડક્યો હતો. બાંગ્લાદેશ વતી મુશ્તફિકુર રહિમે 83, શાકિબ હસને 51 રન કર્યા હતા. મુજીબુર રહેમાને 3 અને ગુલબદિને 2 વિકેટ ઝડપી હતી.
શાકિબે આ વર્લ્ડ કપમાં 5મી વખત 50+નો સ્કોર કર્યોઃ શાકિબે આ વર્લ્ડ કપમાં પોતાના 1000 રન પૂરાં કર્યા. તે ટૂર્નામેન્ટના ઈતિહાસમાં 1000+ રન બનાવનાર બાંગ્લાદેશનો પહેલો અને વિશ્વનો 19મો બેટ્સમેન છે. શાકિબે આ ટૂર્નામેન્ટમાં પોતાની ત્રીજી હાફ સેન્ચુરી ફટકારી, તે બે સેન્ચુરી પણ લગાવી ચુક્યો છે. 6 મેચમાં તેને 5 વખત 50+નો સ્કોર કર્યો છે.