વર્લ્ડ કપ : શ્રીલંકા-અફગાનિસ્તાન વચ્ચે આજે મેચ, બંને ટીમ ઈંગ્લેન્ડમાં પહેલીવાર આમને-સામને

0
42

સ્પોર્ટ્સ ડેસ્ક: વર્લ્ડ કપની 7મી મેચ શ્રીલંકા અને અફઘાનિસ્તાનની વચ્ચે આજે કાર્ડિક સોફિયા ગાર્ડન્સમાં રમાવાની છે. બંને ટીમ પહેલીવાર ઈંગ્લેન્ડના મેદાન પર સામ-સામે રમશે. શ્રીલંકા અને અફઘાનિસ્તાન બંનેની આ ટૂર્નામેન્ટમાં આ બીજી મેચ છે. શ્રીલંકાને પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડે 10 વિકેટથી હરાવ્યું હતું. અફઘાનિસ્તાનને ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટથી હરાવ્યું હતું. આમ હવે બંને ટીમ ટૂર્નામેન્ટમાં તેમની પહેલી મેચ જીતવાનો પ્રયત્ન કરશે.

ઈંગ્લેન્ડના મેદાનની વાત કરવામાં આવે તો શ્રીલંકાએ અત્યાર સુધી અહીં 56 મેચ રમી છે. તેમાંથી 21 મેચમાં જીત મળી છે જ્યારે 33 મેચમાં હાર મળી છે. એક મેચમાં પરિણામ ન આવ્યું અને એક મેચ ટાઈ રહી હતી. જ્યારે અફઘાનિસ્તાને અહીં આ વર્લ્ડ કપમાં એક જ મેચ રમી છે અને તેમાં પણ તેને ઓસ્ટ્રેલિયાથી હાર મળી છે.

બાંગ્લાદેશ-અફઘાનિસ્તાન હેડ ટૂ હેડ: બંને ટીમ 9 મહિના પછી વનડેમાં સામ-સામે રમશે. ગઈ વખતે અબુધાબીમાં રમવામાં આવેલી એશિયા કપની મેચમાં અફઘાનિસ્તાનને 91 રનથી જીત મળી હતી. શ્રીલંકા-અફઘાનિસ્તાન વચ્ચે અત્યાર સુધી ત્રણ મેચ રમવામાં આવી છે. તેમાંથી શ્રીલંકાને બે અને અફઘાનિસ્તાનને 1 મેચમાં જીત મળી છે. વર્લ્ડ કપમાં 4 વર્ષ પછી બંને ટીમ સામ-સામે રમશે. ગઈ વખતે ન્યૂઝીલેન્ડના ડ્યૂનેડિનમાં શ્રીલંકાની ટીમને જીત મળી હતી.

પિચ અને હવામાન રિપોર્ટ: મંગળવારે કાર્ડિકમાં વાદળ છવાયેલા રહેવાની શક્યતા છે. 12થી 21 ડિગ્રીની વચ્ચે તાપમાન રહેશે. ટોસ જીતનાર ટીમ પહેલાં બોલિંગ પસંદ કરી શકે છે. શ્રીલંકા સામે ન્યૂઝીલેન્ડના ફાસ્ટર બોલર્સે પહેલાં બોલિંગ કરીને 9 વિકેટ લીધી હતી.

શ્રીલંકાની તાકાત

થિસારા પરેરા: શ્રીલંકાના આ ઓલરાઉન્ડરના નામે 155 વનડેમાં 2174 રન અને 170 વિકેટ છે. ગયા એક વર્ષથી તેનું પર્ફોમન્સ ખુબ સારુ રહ્યું છે. આ દરમિયાન તેમણે 22 મેચમાં 30.94ની એવરેજથી 588રન અને 21 વિકેટ લીધી હતી. ગઈ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે તેણે 23 બોલમાં 27 રન બનાવ્યા હતા. ટીમને આ મેચમાં તેની સાથે ગઈ વખત કરતાં પણ સારા પર્ફોમન્સની અપેક્ષા છે.

લસિથ મલિંગા: શ્રીલંકાના આ બોલરને 200 કરતાં વધુ વન-ડેનો અનુભવ છે. જોકે છેલ્લા એક વર્ષમાં તેણે માત્ર 15 મેચ જ રમી છે. તેમાં તેણે 21 વિકેટ લીધી છે. ન્યૂઝીલેન્ડ સામે ગઈ મેચમાં તેણે 5 ઓવરમાં 46 રન જ આપ્યા હતા. કેપ્ટન દિમુથ કરુમારત્ને આ મેચમાં તેમને શરૂઆતમાં જ સારી વિકેટ મળી જાય તેવી અપેક્ષા રાખે છે.

શ્રીલંકાની કમજોરી
ટીમમાં એકતા નથી, બેટિંગ ફ્લોપ: છેલ્લા 2 વર્ષમાં શ્રીલંકાએ (ત્રણેય ફોર્મેટ)માં 9 કેપ્ટન બદલ્યા છે. અંજેલો મેથ્યૂઝ અને મુખ્ય કોચ ચંદિકા હાથુરુસિંધા વચ્ચે મતભેદ જાહેર છે. ગયા વર્લ્ડ કપ પછી ટીમે 84 વન-ડે રમી છે. તેમાં 55 મેચમાં તેમને હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે ન્યૂઝીલેન્ડ સામે ગઈ મેચમાં બેટિંગ પણ ફ્લોપ રહી હતી. ટીમ માત્ર 136 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ટીમના શરૂઆતના 7 પ્લેયર્સ માંથી 5 ખેલાડીઓ 10 રન પણ નહતા કરી શક્યા.

અફઘાનિસ્તાનની તાકાત

મોહમ્મદ શહજાદ: ઓસ્ટ્રેલિયા સામે પહેલી મેચમાં ઝીરો રને આઉટ થનાર ઓપનર મોહમ્મદ શહજાદ અફઘાનિસ્તાનની બેટિંગમાં સૌથી મજબૂત સ્થંભ માનવામાં આવે છે. તેણે છેલ્લા એક વર્ષમાં 14 મેચ રમી છે. આ દરમિયાન 34.35ની એવરેજથી 481 રન બનાવ્યા હતા. 14 મેચમાં તેણે બે શતક બનાવી હતી. શ્રીલંકા સામે શહજાદ સારા રન બનાવે તેવી ટીમની અપેક્ષા છે.

રાશિદ ખાન: હાલના સમયમાં દુનિયાના બેસ્ટ લેગ સ્પિનર માનવામાં આવતા રાશિદ ખાન અફઘાનિસ્તાન ટીમના ખૂબ મહત્વના સભ્ય છે. તે સારી બોલિંગ કરવાની સાથે સાથે સારી બેટિંગ પણ કરે છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે ગઈ મેચમાં 11 બોલમાં 27 રન બનાવ્યા હતા અને એક વિકેટ પણ લીધી હતી. શ્રીલંકા સામે સૌની નજર રાશિદના સારા પ્રદર્શન પર રહેશે.

અફઘાનિસ્તાનની કમજોરી

સારી શરૂઆતથી પણ સારો સ્કોર નથી કરી શકતા: ટીમના ઘણાં ખેલાડીઓએ ગઈ મેચમાં સારી શરૂઆત કરી હતી. રહમત શાહ 43, હજરતુલ્લાહ જજાઈ 18, ગુલબદીન નઈબ 31 અને નઝીબુલ્લાહ જાદરાન 51 રન બનાવીને આઉટ થયા હતા. શ્રીલંકા જેવી મોટી ટીમને હરાવવા માટે ટીમના બેટ્સમેનોએ સારી શરૂઆત કરવી પડશે અને તેને જાળવી રાખવી પડશે.

બંને ટીમો
શ્રીલંકા: દિમુથ કરુણારત્ને (કેપ્ટન), કુશલ મેંડિસ, ધનંજય ડિસિલ્વા, નુઆન પ્રદીપ, અવિષ્કા ફર્નાંડો, સુરંગા લકમલ, લસિથ મલિંગા, અંજેલો મેથ્યૂઝ, જીવન મેંડિસ, કુશલ પરેરા, થિસારા પરેરા, મિલિંડા શ્રીવર્ધના, લાહિરુ થિરિમાને, ઈસુકુ ઉડાના, જેફ્રી વાંડર્સે

અફઘાનિસ્તાન: ગુલબદીન નઈબ (કેપ્ટન), આફતાબ આલમ, અસગર અફઘાન, દૌલત જાદરાન, હામિદ હસન, હસમતઉલ્લા શાહિદી, હજરતઉલ્લા જજાઈ, મોહમ્મહ નબી, મોહમ્મદ શહજાદ, મુજીબ ઉર રહમના, નજીબુલ્લા જાદરાન, નૂર અલી જાદરાન, રહમત શાહ, રાશિદ ખાન, સમીઉલ્લા શિનવારી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here