મોરબી: વાંકાનેરના વિસીપરામાં ગોડાઉન રોડ પર રહેતી અને મોરબી રોડ પર આવેલી સૂર્યા ઓઇલ એન્ડ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ નામની ફેકટરીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતી કવિતા કેતનભાઇ ચૌહાણ (ઉ.20) નામની યુવતીની તેની સાથે જ કામ કરતા ધીરજ જીવાભાઇએ હત્યા કરી છે. ધીરજે પહેલા કવિતાના માથામાં કુહાડાના ઘા માર્યા પછી ફેક્ટરીના જ રસોડાના પથ્થરની ધાર પર ગળું દબાવતા મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં વાંકાનેરના પી.આઇ. એમ. વી. ઝાલા સહિતની ટીમે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી કેતનભાઇ ચૌહાણની ફરિયાદ પરથી ગુનો નોંધી ધીરજ આહિરને સકંજામાં લઇ કૂહાડો કબ્જે કર્યો હતો. પી.આઇ.ઝાલાએ જણાવ્યું હતું કે, કવિતા એક વર્ષથી નોકરી કરે છે, જ્યારે ધીરજ આહિર પાંચેક વર્ષની નોકરી કરે છે. તે સિનિયર હોવાથી કવિતાને સતત વધુ કામ આપતો હતો. આ બાબતે કવિતા તેની ફરિયાદ શેઠને કરી દેવા મામલે અવાર-નવાર તેને ધમકાવતી હતી. ગઇકાલે ધીરજ તેના દિકરાની સારવાર માટે હોસ્પિટલમાં હતો ત્યારે પણ કવિતાએ વીસ-પચ્ચીસ ફોન કરી પોતે શેઠને વાત કરી દેશે તેમ કહેતાં ધીરજ હોસ્પિટલે ખુબ ગુસ્સે ભરાયો હતો અને ફેક્ટરીએ પહોંચી કવિતાને રસોડામાં લઇ જઇ હત્યા કરી હતી.
કવિતાને તેનો સિનીયર ધીરજ વધુ કામ આપતો હોય આ બાબતે પોતે ફેક્ટરી માલિકને જાણ કરી દેશે તેમ કહી સતત બ્લેકમેઇલ કરતી હતી. જેના કારણે ગુસ્સે ભરાઇને હત્યા કર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ધીરજે કબુલ્યું છે. જો કે હત્યાનો ભોગ બનનાર કવિતાના પરિવારજનોને કારણ કંઇક જુદુ જ હોવાની દ્રઢ શંકા છે. કવિતા એક ભાઇથી મોટી હતી. તેના નાના ભાઇનું નામ નિશાંત છે અને તે કોલેજમાં ભણે છે. કવિતા પણ વાંકાનેરની એચ. એન. દોશી કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી. સાથો સાથ એક વર્ષથી તે સૂર્યા ઓઇલ મીલમાં કોમ્પ્યુટરમાં બિલિંગ બનાવવાનું કામ કરતી હતી. તેની નોકરીનો સમય સવારના નવથી સાંજના સાડા છ સુધીનો હતો. પિતા કેતનભાઇ પન્નાભાઇ ચૌહાણ રફાળેશ્વર ગામે એક્સીસ બેંકમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે.
જો કે કવિતાના પરિવારજનોને શંકા છે કે વધુ કામ બાબતે કોઇ દિવસ કવિતાએ ઘરમાં ફરિયાદ કરી નથી. બ્લેકમેઇલ કામ બાબતે હોય શકે તેવું ગળે ઉતરતું નથી. ધીરજે ફેક્ટરીના સીસીટીવી કેમેરા છ મહિનાથી બંધ છે તેવું કહ્યું હતું. આ બાબત પણ ખોટી જણાય છે. સીસીટીવી ફૂટેજ ડિલીટ કરી નાંખ્યા હોવાની દ્રઢ શંકા છે. ધીરજ હત્યા કર્યા પછી લાશ પાસે જ નિરાંતે ઉભો રહે તે પણ ગળે ઉતરતું નથી. હત્યામાં બીજુ જ કારણ કે બીજા કોઇની સંડોવણી હોવાની પણ પિતા, ભાઇ સહિત સ્વજનોને શંકા છે. દીકરી કવિતાને ફસાવીને કાવત્રુ ઘડી મારી નાંખ્યાની શંકા પણ આ લોકોએ દર્શાવી ઊંડી તપાસ કરી સત્ય સામે લાવવા માંગણી કરી છે.