વાઈબ્રન્ટ ગુજરાતનો ફાયદો હરિયાણાના CMએ લીધો, ઉદ્યોગોને પોતાના રાજ્યમાં ખેંચ્યા

0
26

અમદાવાદ: રાજ્યના મોટા ઉદ્યોગકારો હવે હરિયાણામાં પોતાના યુનિટ સ્થાપવા માટે ફેબ્રુઆરીમાં જઇ રહ્યાં છે. જેમાં ટેક્સ્ટાઇલ, ટેક્નિકલ ટેક્સ્ટાઇલ, પ્લાસ્ટિક અને ફૂડ સહિતના ઉદ્યોગો હરિયાણા ખાતે યુનિટ સ્થાપશે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર વાઇબ્રન્ટ ગુજરાતમાં અમદાવાદ આવ્યા હતા અને તેમણે રાજ્યના ઉદ્યોગકારોને પોતાને ત્યાં આવવા માટે આમંત્રણ આપ્યું છે.

અમદાવાદના હરિયાણા સમાજના લોકોએ આમંત્રણ આપ્યું હતું

વાઇબ્રન્ટમાં ભાગ લેવા આવેલા હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરને અમદાવાદમાં વસતા હરિયાણા સમાજના લોકોએ એક કાર્યક્રમનું આયોજન કરી સ્વાગત કર્યું હતું. ઇસનપુર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મનોહરલાલ ખટરે ગુજરાત ઉદ્યોગકારોને પોતાને ત્યાં આવવા માટે આમંત્રણ આપતા જણાવ્યું હતું કે, ઉદ્યોગકારોને જે સગવડ જોઈશે તે તમામ હરિયાણા સરકાર આપવા તૈયાર છે. ગુજરાતના ટેક્સ્ટાઇલ અને ટેક્નિકલ ટેક્સ્ટાઇલના ઉદ્યોગકારોને પોતાને ત્યાં ઉદ્યોગ સ્થાપીને રોજગારી આપવા માટે જણાવ્યું હતું.

ખટ્ટરે ઉદ્યોગકારો પાસે સગવડોની ચર્ચા કરીને ઉદ્યોગ ખસેડવાની રૂપરેખા તૈયાર થઈ

અમદાવાદ ટેક્સ્ટાઇલ પ્રોસેસર્સના વાઇસ પ્રેસિડેન્ટ નરેશ શર્માએ જણાવ્યું હતું કે, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે રાજ્યના ઉદ્યોગકારો સાથે એક મિટિંગ કરીને ઉદ્યોગકારોને કેવા પ્રકારની સગવડો જોઇએ છે તેની ચર્ચા કરી હતી. મોટા ભાગની ઉદ્યોગકારોની માંગણીને સ્વીકારીને વધારે આપવાની ખાતરી આપી હતી. જેને લઇને રાજ્યના ચિરીપાલ ગ્રૂપ, વિનસ ગ્રૂપ, આકાશ ફેશન પ્રિન્ટિંગ પ્રા.લિ., પ્રતિભા ગ્રૂપ, જિંદલ ગ્રૂપ જેવી મોટી ઇન્ડસ્ટ્રી સહિત 50 જેટલા ઉદ્યોગકારો ફેબ્રુઆરીના બીજા વીકમાં હરિયાણા ખાતે જવાના છે. હરિયાણા જતા પૂર્વે તમામ ઉદ્યોગકારોએ પોતાના ઉદ્યોગ સ્થાપવા માટેની પૂર્વ રૂપરેખા તૈયાર કરીને સીએમ ખટ્ટરને મોકલાવી દીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here