સુરતઃ ડાંગ જિલ્લાના બરડીપાડા ગામ પાસે આવેલા જંગલમાં એક હેલિકોપ્ટર તૂટી પડ્યું હોવાની તસવીરો સાથે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. જેમાં હેલિકોપ્ટરનો કચ્ચરઘાણ વળી ગયો છે. જોકે, હેલિકોપ્ટર કોનું હતું ? કે કોઇ જાનહાની થઇ છે કે નહીં તેની માહિતી ન મળી હોવાનું સોશિયલ મીડિયામાં ફરી રહ્યું છે.
વાયરલ મેસેજ
સોશિયલ મીડિયામાં થયેલા વાયરલ મેસેજ પ્રમાણે, તાપી અને ડાંગની બોર્ડર પર બરડીપાડા ગામ પાસે જંગલમાં આજે(બુધવારે) બપોરે ભેદી ધડાકાનો અવાજ સંભળાયો હતો. ડાંગ જિલ્લાના બરડીપાડાના જંગલમાં હેલિકોપ્ટર તૂટી પડ્યું છે. હેલિકોપ્ટરનો કચ્ચરઘાણ વળી ગયો છે. અને મેસેજ સાથે તસવીરો પણ મૂકવામાં આવી છે. જોકે, હેલિકોપ્ટર કોનું હતું ? કે કોઇ જાનહાની થઇ છે કે નહીં તેની માહિતી મળી નથી.
સત્ય હકીકત
ડાંગના જંગલમાં તૂટી પડેલા હેલિકોપ્ટરના વાયરલ મેસેજ અંગે એ તપાસ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, વાયરલ મેસેજની તસવીરો 2014માં મે માસમાં અમેરિકાના વાઈટફિલ્ડ ઈસ્ટ રિવર રોડ નજીક જંગલમાં તૂટી પડ્યું હતું. જેના અહેવાલો અને તસવીરો ઈન્ટરનેટ પર જોવા મળે છે. જોકે, તસવીરોની સાથે ડાંગના જંગલને જોડી અને તેના કાટમાળની તસવીરો વાયરલ કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
સુરત એર કેન્ટ્રોલમાં તપાસ કરીઃ તાપી આરએફઓ
તાપીના આરએફઓ આનંદકુમારે જણાવ્યું હતું કે, અમે જંગલમાં તપાસ કરવાની સાથે સાથે સુરત એર કેન્ટ્રોલમાં પણ તપાસ કરી હતી. જો કે, ત્યાંથી છેલ્લા બે દિવસથી કોઈ જ હેલિકોપ્ટર આ બાજુ ન ગયું હોવાનું તેમણે જણાવ્યું હતું. આ વાયરલ તસવીરો વધુ ન ફેલાવવા પણ અમે અપીલ કરી રહ્યા હોવાનું આનંદકુમારે વધુમાં ઉમેર્યું હતું.
આખા જંગલમાં તપાસ કરીઃ ડાંગ આરએફઓ
ડાંગના આરએફઓ અગ્નિશ્વર વ્યાસે જણાવ્યું હતું કે, ડાંગના જંગલમાં હેલિકોપ્ટર તૂટી પડ્યાના વાયરલ થયેલા ફોટોને લઈને ડાંગના સમગ્ર જંગલમાં તપાસ કરવામાં આવી હતી. જોકે, આવું કશું જ જાણવા કે જોવા મળ્યું નથી