વાવઃ વાવ તાલુકાના તિર્થગામ હાઇસ્કૂલના 70થી વધુ વિદ્યાર્થીઓને બસમાં બેસવાની કે ઉભી રહેવાની જગ્યા ન મળતા શુક્રવારે બસ રોકી હોબાળો મચાવ્યો હતો. વાલીઓ દ્વારા મામલો શાંત પાડવામાં આવ્યો હતો.
વાવ તાલુકાના તિર્થગામ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ શુક્રવારના રોજ બસમાં બેસવાની જગ્યા ન મળતા બસ રોકી હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે ‘અમે બસ પાસ કઢાવી રોજિંદી મુસાફરી કરીએ છીએ. જોકે રાધનપુર, ભાભર, થરાદ બસ રોજિંદા પેસેન્જરો ભરી આવતી હોવાથી અમારે બેસવાની કે ઉભું રહેવાની જગ્યા મળતી નથી. જેથી નવી બસ શરૂ કરવામાં આવે એવી માંગ સાથે 70 થી વધુ વિદ્યાર્થીઓએ બસને રોકી હોબાળો મચાવતા લોકોના ટોળેટોળાં ઉમટ્યા હતા.
જો કે વાલીઓ દ્વારા આખરે મામલો થાળે પાડી જવાબદાર તંત્રને નવી બસ ફાળવવા રજૂઆત કરાશે તેવું કહેતાં હોબાળો શાંત પડતા બસને વિદ્યાર્થીઓએ જવા દીધી હતી. જોકે આ અંગે જવાબદાર તંત્ર વિદ્યાર્થીઓની માંગને ગંભીરતાપૂર્વક લઇ નવી બસ શરૂ કરે તેવી વાલીઓની માંગ ઉઠી હતી.