વિધાનસભાના ઘેરાવને લઇને રાજકોટ અને જામનગરના 30 શિક્ષકોની અટકાયત

0
28

રાજકોટ: રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના પ્રાથમિક શાળાના શિક્ષકો આજે જૂની માગણીઓને લઇને માસ સીએલ પર ઉતર્યા છે. તેમજ વિધાનસભાના ઘેરાવને લઇને ધરપકડના આદેશ બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ કુવાડવા પોલીસે જામનગર અને રાજકોટ જિલ્લાના 30 જેટલા શિક્ષકો ગાંધીનગર પહોંચે તે પહેલા જ અટકાયત કરી છે.  

રાજકોટના 200થી વધુ શિક્ષકો ગાંધીનગર જવા રવાના

વિધાનસભાના ઘેરાવને લઇને રાજકોટ જિલ્લામાંથી 200થી વધુ શિક્ષકો ગાંધીનગર જવા રવાના થયા હતા. તેમજ રાજકોટ જિલ્લાના 6275 જેટલા શિક્ષકો માસ સીએલ પર ઉતર્યા છે. ફિક્સ પગારથી નોકરી કરતા 150 જેટલા શિક્ષકો વિરોધમાં જોડાયા નથી.
આજે પ્રા.શાળાના બાળકો અભ્યાસથી વંચિત
જામનગર અને દ્વારકા જિલ્લાના 1,54,000 બાળકો આજે શિક્ષણથી વંચિત રહેશે. જ્યારે હાલારની 90 ટકા શાળાઓમાં શિક્ષણકાર્ય બંધ રહેશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 642 જેટલી પ્રાથમિક શાળાઓ આવેલી છે. જ્યારે જિલ્લામાં 2878 જેટલા શિક્ષકો કાર્યરત છે. જામનગર જિલ્લામાં 705 પ્રાથમિક શાળાઓ આવેલી છે.અને 3300 જેટલા શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે.  પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોની છેલ્લા કેટલાય વર્ષોથી માંગ છે કે, જૂની પેન્શન યોજના, બિન શૈક્ષણિક કામગીરી પર પ્રતિબંધ, સાતમા પગારપંચની ભલામણો જેવી વિવિધ માંગો અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં સરકાર તરફથી કોઇ યોગ્ય પ્રતિક્રિયા ન મળતા શિક્ષકો માસ સીએલ પર ઉતરી સરકાર સામે વિરોધ કરી રહ્યા છે.
ભાવનગરના 7 હજાર શિક્ષકો રજા પર
ભાવનગર જિલ્લાના 7000થી વધુ પ્રાથમિક શિક્ષકોએ આજે શુક્રવારે એક દિવસની સામૂહિક રજા ભરીને પોતાના અણઉકેલ પ્રશ્નો અંગે રાજ્ય સરકારના વલણ સામે વિરોધ દર્શાવ્યો છે. ભાવનગર જિલ્લામાં તાલુકા મથકોએ શિક્ષકો એકઠા થઇ કાશ્મિરના સીઆરપીએફના શહીદોને અંજલિ અર્પી હતી. જિલ્લામાંથી 400થી વધુ શિક્ષકો ગાંધીનગર વિધાનસભા ઘેરાવમાં ગયા હોવાનું ભાવનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મધુકરભાઇ ઓઝાએ જણાવ્યું હતું. આજે ગાંધીનગર જતા શિક્ષક સંઘના પ્રમુખ સહિત હોદ્દેદારોને ભરતનગર પોલીસે અટકાયત કરી પોલીસ સ્ટેશનમાં જ રાખ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here