વિયેતનામ સમિટ : ટ્રમ્પે કિમ જોંગને ‘મારાં મિત્ર’ કહી સંબોધ્યા, વિયેતનામા સાથે એરલાઇન્સ ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર

0
37

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનની આજે વિયેતનામની રાજધાની હનોઇમાં બીજી સમિટ યોજાશે. કિમ જોંગ હનોઇ જવા શુક્રવારથી ટ્રેનમાં રવાના થયા હતા. જ્યારે ટ્રમ્પ મંગળવારે સાંજે નિકળ્યા હતા. આજે બુધવારે ટ્રમ્પે વિયેતનામના પ્રેસિડન્ટ ન્યૂયેંગ ફૂ ટ્રોંગ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેઓએ કેટલીક કોમર્શિયલ ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. આ ટ્રેડ ડીલ વિયેતનામ-અમેરિકાની એરલાઇન્સ ઇન્ડસ્ટ્રી વચ્ચે થઇ છે. યુએસ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરર બોઇંગે વિયેતજેટ સાથે એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે.

કિમ જોંગે નોર્થ કોરિયન એમ્બેસીની મુલાકાત લીધી

કિમ જોંગે મંગળવારે હનોઇ પહોંચીને અહીંની નોર્થ કોરિયન એમ્બેસીની મુલાકાત લીધી હતી. આ સમિટ દરમિયાન નોર્થ કોરિયાના પરમાણુ કાર્યક્રમ સંબંધિત ઉલ્લેખનીય પ્રગતિની ચર્ચા થશે. આ અગાઉ બંને નેતા ગત વર્ષે જૂન મહિનામાં સિંગાપોરમાં પ્રથમ સમિટ કરી ચૂક્યા છે. જો કે, પહેલી સમિટ બાદ પરમાણુ કાર્યક્રમને સમાપ્ત કરવા અંગે કોઇ સત્તાવાર નિવેદન આવ્યું નહતું.

ટ્રમ્પને સફળ મુલાકાતનો ભરોસો

ટ્રમ્પે પોતાની વિયેતનામ સમિટની શરૂઆત કિમ જોંગ ઉન સાથેની મુલાકાતને અત્યંત હકારાત્મક ગણાવી છે. ટ્રમ્પે કહ્યું કે, આજે સોશિયલ ડિનર સમયે મારાં મિત્ર અને નોર્થ કોરિયાના લીડર કિમ જોંગ ઉન સાથેની મુલાકાત દરમિયાન સારી ઘટનાઓ બનશે.

ટ્રમ્પે આજે વિયેતનામના પ્રેસિડન્ટ અને ડેલિગેશન સાથે મુલાકાત કરી હતી. ટ્રમ્પે વિયેતનામના ઝડપી વિકાસના વખાણ પણ કર્યા હતા. પ્રેસિડન્ટ સાથે મુલાકાત દરમિયાન ટ્રમ્પે જાહેરાત કરી હતી કે, વિયેતનામ અમેરિકામાં બનેલા 10 પ્લેનની ખરીદી કરશે. આ અંગેની સંધિ ટૂંક સમયમાં જ થશે.

ટ્રમ્પે વિયેતનામ અને અમેરિકાના સંબંધોને ઉદાહરણ તરીકે દર્શાવીને નોર્થ કોરિયાને સંદેશ પાઠવ્યો હતો કે, તેઓ પણ પરમાણુ નિઃશસ્ત્રીકરણ દ્વારા ઝડપી વિકાસ કરતો દેશ બની શકે છે.

સમિટ દરમિયાન શક્યતાઓ શું છે?

આ સમિટ દરમિયાન બંને લીડર્સ કોરિયન વૉરને ખતમ કરતા પીસ ડિક્લેરેશન (શાંતિ ઘોષણા) પર હસ્તાક્ષર કરે તેવી શક્યતાઓ છે. આ કરાર બાદ અમેરિકા નોર્થ કોરિયા પર લગાવેલા અમુક ચોક્કસ પ્રતિબંધો હટાવી દે તેવી પણ શક્યતાઓ છે. આ અગાઉ 12 જૂન 2018માં મળેલી બેઠકમાં કિમ જોંગ અને કિમે પરમાણુ નિઃશસ્ત્રીકરણ પર હસ્તાક્ષર કર્યા હતા.

જો કે, શાંતિ કરાર પર હજુ સુધી અવઢવ છે. આખા વિશ્વની નજર આજે એ મુદ્દા પર રહેશે કે બંને નેતાઓ ઔપચારિક રીતે ક્યા અને કેટલાં કરાર પર હસ્તાક્ષર કરે છે. ત્રીજાં દિવસે એટલે કે શુક્રવારે આ સમિટ ખતમ થશે.

આજે સોશિયલ ડિનર પર મળશે

આજે બુધવારે ટ્રમ્પ-કિમ વચ્ચે વન-ઓન-વન મીટિંગ નહીં યોજાય. તેઓ સ્થાનિક સમય અનુસાર સાજે 6.30 વાગ્યે સોશિયલ ડિનર પર મળશે. આ દરમિયાન બંને લીડર્સના ટોપ એડવાઇઝર્સ સાથે રહેશે. ગુરૂવારનું શિડ્યુલ વ્હાઇટ હાઉસે હજુ સુધી રિલીઝ કર્યુ નથી પરંતુ આવતીકાલે બંને વચ્ચે ડિપ્લોમેટિક મીટિંગ થવાની શક્યતાઓ છે.

ગુરૂવારે પ્રેસ કોન્ફરન્સ, એગ્રીમેન્ટ્સ પર હસ્તાક્ષર અને અન્ય કાર્યક્રમો યોજાશે. વિયેતનામનો ટાઇમ ઝોન અમેરિકાથી 12 કલાક આગળ છે. જેનો અર્થ એ થયો કે, જ્યારે ટ્રમ્પ-કિમ વચ્ચે હસ્તાક્ષર થતા હશે ત્યારે મોટાંભાગના અમેરિકન્સ સૂતા હશે.

1972માં અમેરિકાએ બોમ્બ ફેંક્યો હતો

47 વર્ષ પહેલાં અમેરિકાએ હનોઇ પર થાઇલેન્ડના યૂ-તપાઓ અને ગુઆમના એન્ડરસન એરબેઝથી બે B-52 ફાઇટર જેટ્સથી બોમ્બ ફેંક્યા હતા. હનોઇ તે સમયે નોર્થ વિયેતનામની રાજધાની હતું અને તેને વિશ્વનું સૌથી સુરક્ષિત સ્થળ ગણવામાં આવતું હતું. 1954માં હનોઇમાં માત્ર 43 હજાર લોકો રહેતા હતા અને આ દેશ 152 વર્ગકિમીમાં વસેલો હતો. આજે હનોઇ 3000 વર્ગકિમીમાં ફેલાયેલું છે અને તેની વસતી 70 લાખથી વધુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here