વિશ્વની રિચેસ્ટ વ્યક્તિ અને ‘એમેઝોન’ના સ્થાપક જેફ બેઝોસે લગ્નના 25 વર્ષ બાદ છૂટાછેડા લીધા

0
27

ઈન્ટરનેશનલ ડેસ્કઃ વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ અને વિશ્વની અગ્રણી ઈ-કોમર્સ કંપની ‘એમેઝોન’ના સ્થાપક જેફ બેઝોસે પત્ની મેકકેન્ઝી સાથે 25 વર્ષનાં દાંપત્ય જીવન પછી છૂટાછેડા લેવાની જાહેરાત કરી. પોતાના 55મા જન્મદિવસના ત્રણ દિવસ પહેલાં જ બેઝોસે આ ચોંકાવનારી જાહેરાત કરી છે.

 

છૂટાછેડાની જાહેરાત કરતી એક સંયુક્ત નોંધ પણ તેમણે પોતાના ટ્વિટર અકાઉન્ટમાં પોસ્ટ કરી છે. આ પોસ્ટ ખાસ્સી વાઈરલ થઈ રહી છે.

ટ્વિટર પોસ્ટમાં જેફ અને મેકકેન્ઝી લખે છેઃ

અમારાં જીવનમાં આવી રહેલા પરિવર્તન વિશે અમે લોકોને માહિતગાર કરવા ઈચ્છીએ છીએ. અમારો પરિવાર અને નજીકના મિત્રો જાણે જ છે તેમ વર્ષોના પ્રેમભર્યા સંબંધ અને ટ્રાયલ સેપરેશન પછી અમે બંનેએ છૂટાછેડા લેવાનો અને બાકીની જિંદગી મિત્રો તરીકે વિતાવવાનો નિર્ણય લીધો છે. અમારાં સદનસીબ હતાં કે અમે બંને એકબીજાને મળ્યાં અને જેટલો સમય અમે પરિણીત રહ્યાં તે દરેક સમય માટે અમે એકબીજાનાં ઋણી છીએ. જો અમને ખબર હોત કે અમે 25 વર્ષ પછી અલગ થવાનાં છીએ, તોય અમારા આ (લગ્નના) નિર્ણયમાં કશો જ ફરક પડવાનો નહોતો. મેરિડ કપલ તરીકે અમારી લાઈફ એકદમ અદભુત રહી અને માતાપિતા, મિત્રો, વિવિધ સાહસો-પ્રોજેક્ટ્સમાં પાર્ટનર તથા વ્યક્તિગત સાહસોમાં પણ અમારું ભવિષ્ય અદભુત જ રહેવાનું છે તેની અમને ખાતરી છે. હા, અમારાં (સંબંધોનાં) લેબલ્સ બદલી જશે, પણ અમે એક પરિવાર જ રહીશું અને અમારી મૈત્રીનો ઉત્સવ ઉજવતાં રહીશું.’જેફ એન્ડ મેકકેન્ઝી

આ દંપતીએ ગયા વર્ષે જ ચેરિટેબલ ફંડ સ્થાપેલું

જેફ અને મેકકેન્ઝીએ હજુ ગયા વર્ષે જ ‘ડે વન ફંડ’ નામના ચેરિટેબલ ફંડની જાહેરાત કરી હતી. આ બંનેએ જાહેર કરેલા સ્ટેટમેન્ટ પ્રમાણે તેઓ આ ચેરિટેબલ ફંડ પર સાથે કામ કરવાનું ચાલુ રાખશે. આ ચેરિટેબલ ફંડ બેઘર લોકોને ઘર પૂરાં પાડવાં અને ઓછી આવક ધરાવતા પરિવારોનાં બાળકોને શાળાએ મોકલવાની દિશામાં કામ કરે છે.

મેકકેન્ઝી બેઝોસ નવલકથાકાર છે

48 વર્ષની મેકકેન્ઝી બેઝોસ નવલકથાકાર છે. પતિ જેફને વોલસ્ટ્રીટની હેજ ફંડ કંપની ‘ડી. ઈ. શૉ’માંથી નીકળીને પોતાની ઈ-કોમર્સ કંપની સ્થાપવા માટે પ્રોત્સાહન આપનારી પણ મેકકેન્ઝી જ હતી. બંનેની મુલાકાત પણ આ જ કંપનીમાં થયેલી. એ વખતે મેકકેન્ઝી ટુટલ ત્યાં રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે જોડાયેલી. 1993માં બંનેએ લગ્ન કરેલાં. અઢી દાયકાનાં લગ્નજીવનમાં જેફ અને મેકકેન્ઝીને ચાર સંતાનો છે. તેમાં તેમના પોતાના ત્રણ દીકરા છે અને તે ઉપરાંત એક દીકરી તેમણે ચીનથી દત્તક લીધી છે.

બેઝોસની સંપત્તિમાં ઘટાડો થશે

આ દંપતીએ પોતાના છૂટાછેડા કેટલી રકમમાં સેટલ કર્યા છે તે વિગતો બહાર આવી નથી. ‘બ્લૂમબર્ગ’ના આંકડા પ્રમાણે અત્યારે જેફની સંપત્તિ 137 અબજ ડૉલર છે. જો તેઓએ પોતાની સંપત્તિના સરખા ભાગ પાડવાનું નક્કી કર્યું હશે તો જેફ બેઝોસની સંપત્તિમાં ધરખમ ઘટાડો થશે. એ રીતે જોતાં મેકકેન્ઝીના ભાગે 67થી 69 અબજ ડૉલર આવશે. જો એવું થશે તો મેકકેન્ઝી ટુટલ વિશ્વની સૌથી ધનિક મહિલા બની જશે. જ્યારે બિલ ગેટ્સ ફરી પાછા વિશ્વની સૌથી ધનિક વ્યક્તિનું પદ હાંસલ કરી લેશે. હજુ થોડા સમય પહેલાં જ ‘એમેઝોન’ 810 અબજ ડૉલરની નેટવર્થ સાથે વિશ્વની સૌથી વેલ્યુએબલ કંપની જાહેર થઈ હતી. ‘માઈક્રોસોફ્ટ’ને પણ તેણે 20 અબજ ડૉલરથી પાછળ રાખી દીધી હતી. થોડા સમયમાં જ એમેઝોન ટ્રિલિયન ડૉલર કંપની બને તેવી શક્યતા જોવાઈ રહી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here