વિશ્વમાં સૌથી સસ્તું મોબાઈલ નેટ ભારતમાં: 1 GBની કિંમત સરેરાશ રૂ. 18.5, જ્યારે પાક.માં રૂ. 130 અને USમાં રૂ. 875

0
53

લંડન: વિશ્વમાં પહેલીવાર 2018માં સ્માર્ટફોનનું વેચાણ ઘટ્યું, જ્યારે ભારતમાં એ જ વર્ષે તેનું વેચાણ વધ્યું. ભારત જેવા વિકાસશીલ દેશમાં સ્માર્ટફોનનું વેચાણ વધવાનું એક મહત્વનું કારણ સસ્તા મોબાઈલ ઈન્ટરનેટ ડેટા પણ છે. યુનાઈટેડ કિંગ્ડમની www.cable.co.uk વેબસાઈટે વિશ્વના 230 દેશના 6,313 ડેટા પ્લાનનો અભ્યાસ કરીને આ તારણ કાઢ્યું છે. ભારતમાં એક જીબી ડેટાની સરેરાશ કિંમત રૂ. 18.5 છે, જ્યારે વૈશ્વિક સ્તરે આજેય મોબાઈલ ડેટાનું સરેરાશ મૂલ્ય 8.53 ડૉલર એટલે કે રૂ. 630 છે.

અમેરિકામાં આજેય એક જીબી મોબાઈલ ડેટા માટે યુઝરે 12.37 ડૉલર એટલે કે રૂ. 875નો ખર્ચ કરવો પડે છે. દુનિયામાં સૌથી મોંઘું ઈન્ટરનેટ ઝિમ્બાબ્વેમાં છે. ત્યાં એક જીબીનો ભાવ 75.20 ડૉલર એટલે કે રૂ. 5,312 ચૂકવવા પડે છે.

ભારતમાં 57 ડેટા પ્લાનની તુલના કરાઈ
આ અહેવાલમાં ભારતની વિવિધ ટેલિકોમ કંપનીઓના 57 ઈન્ટરનેટ ડેટા પ્લાનની તુલના કરાઈ હતી, જેનું સરેરાશ મૂલ્ય 0.26 ડૉલર (આશરે રૂ. 18.5) છે. ભારતમાં સૌથી સસ્તા પ્લાનમાં એક જીબીની કિંમત ફક્ત 0.02 ડૉલર (આશરે રૂ. 1.75) છે, જ્યારે સૌથી મોંઘો પ્લાન 1.40 ડૉલર (આશરે રૂ. 99.9)માં પડે છે. આ તુલના 11મી ડિસેમ્બર, 2018 સુધી ઉપલબ્ધ હતા એ પ્લાન પ્રમાણે કરાઈ છે.
બ્રિટનમાં એક જીબી માટે રૂ. 470નો ખર્ચ
આ અહેવાલ તૈયાર કરનારી વેબસાઈટના દેશ બ્રિટનમાં એક જીબી મોબાઈલ ડેટા માટે રૂ. 470નો ખર્ચ કરવો પડે છે. પશ્ચિમ યુરોપમાં સૌથી સસ્તું ઈન્ટરનેટ ફિનલેન્ડમાં છે, જ્યાં એક જીબીનો ભાવ રૂ. 81.84 છે. ડેનમાર્ક, મોનાકો અને ઈટાલીમાં એક જીબીનો ભાવ બે ડોલર (આશરે રૂ. 142) છે. પૂર્વ યુરોપમાં સૌથી સસ્તું ઈન્ટરનેટ પોલેન્ડમાં છે, જ્યાં એક જીબી માટે રૂ. 1.32 ડૉલર (આશરે રૂ. 93.12)નો ખર્ચ કરવો પડે છે.
જિયોની એન્ટ્રી પછી ડેટા પ્લાનનું મૂલ્ય ઘટ્યું
રિલાયન્સ જિયોએ પાંચમી સપ્ટેમ્બર, 2016ના રોજ ભારતીય બજારોમાં પ્રવેશ કર્યા પછી ડેટા પ્લાન સસ્તા થતા ગયા. એ પહેલાં ભારતમાં એક જીબી 3જી ડેટા માટે દર મહિને સરેરાશ રૂ. 250 ચૂકવવા પડતા હતા, જ્યારે 2જીની સરેરાશ કિંમત રૂ. 100 હતી.
ચીનમાં એક જીબીની કિંમત રૂપિયા 698 
હાલ વિશ્વમાં સસ્તું ઈન્ટરનેટ આપતા ટોપ-20 દેશમાં અડધા એશિયાના છે. ભારતનું સ્થાન તેમાં પહેલા નંબરે છે. શ્રીલંકા, મોંગોલિયા, મ્યાનમાર અને બાંગ્લાદેશનો નંબર આવે છે. એશિયામાં ભારત સિવાયના મોટું અર્થતંત્ર ધરાવતા દેશોમાં ઈન્ટરનેટ મોંઘું છે. જેમ કે, ચીનમાં એક જીબી નેટની કિંમત રૂ. 688, જાપાનમાં રૂ. 588 અને દ.કોરિયામાં રૂ. 1,067 છે.
સસ્તું નેટ: ટોપ-10 દેશ 
ભારત 18.5
કિર્ગિસ્તાન 19.08
કઝાકિસ્તાન 34.63
યુક્રેન 36.04
રવાન્ડા 39.58
સુદાન 48.06
શ્રીલંકા 55.12
મોંગોલિયા 57.95
મ્યાનમાર 61.48
કોંગો 62.19

 

મોંઘુ નેટ: ટોપ-10 દેશ 
ઝિમ્બાબ્વે 5312
ઈક્વેટોરિયલ ગિની 4648
સેન્ટ હેલેના 3917
ફોકલેન્ડ આઈલેન્ડ્સ 3345
જિબુતી 2677
બર્મુડા 2664
યુનાન 2039
સમોઆ 2124
ટોકેલુ 2114
નૌરુ 1985

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here