વિસાવદરનાં હાજીપીપળીયા ગામેથી 30.62 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

0
145

જૂનાગઢ જિલ્લામાં બુટલેગરો જાણ પોલીસને પડકાર આપતા હોય તે રીતે ટુંક સમયમાં જ મોટા જથ્થામાં દારૂ ઘુસાડવામાં આવતો હોવાની બે ઘટના સામે આવી છે. મોટાભાગનાં કિસ્સામાં દારૂ પકડાય છે પરંતુ બુટલેગરો પકડાતા ન હોય પોલીસની કામગીરી પણ શંકાનાં દાયરામાં આવી ગઇ છે. આ ઉપરાંત દારૂ પકડાયાની ઘટના બપોરનાં સમયે બની હોવા છતાં મોડીરાત સુધી વિગતો જાહેર કરવામાં આવતી ન હોય પોલીસ તંત્રમાં પણ કંઇક રંધાઇ રહયું હોવાની શકયતા નકારી શકાતી નથી. દરમિયાન વિસાવદર તાલુકાનાં હાજીપીપળીયાની સીમમાં ઉમેદ ગટુભાઇ વાળાનાં ખેતરમાં દારૂનો મોટો જથ્થો ઉતર્યો હોવાની બાતમી મળતાં જૂનાગઢ એલસીબીએ દરોડો પાડયો હતો.

આ દરોડા દરમિયાન પોલીસે ટ્રકની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની 638 પેટી કુલ બોટલ 7,656 કિ.રૂ.30,62,400ની મળી આવતાં પોલીસે સુરતારામ ગોવારામ ચૌધરી (રહે.ધનાવ બાડમેર, રાજસ્થાન)ને ઝડપી પાડેલ છે. પોલીસ તપાસમાં અન્ય આરોપીનાં નામ પણ ખુલ્યાં છે. જેમાં ઉમેદ ગટુભાઇ વાળા, દિલીપ માંજરીયા (રહે.હાજીપીપળીયા), મેરૂ ધાધલ (કાગદડી), લાલા જીલુવાળા (મોટાકોટડા), રાહુલ રાણા ચાવડા (ગળોદર), ગોવીંદ રામ ચાવડા (ચોટલી વિરડી) અને વિપુલ નામનાં શખ્સનો સમાવેશ થાય છે. પોલીસે દારૂ ઉપરાંત ટ્રક, મોટર સાયકલ, ત્રણ મોબાઇલ, રોકડા 50 હજાર મળી 66,44,400નો મુદામાલ જપ્ત કરી અન્ય આરોપીને શોધી કાઢવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવ અંગે એલસીબીનાં ઇન્ચાર્જ પીઆઇએ આગળની તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here