જૂનાગઢ: વિસાવદરના જેતલવડ ગામે ચારણ પરિવારની એક માતાએ પોતાના ચાર બાળકો સાથે 70 ફૂટ ઊંડા કૂવામાં ઝંપલાવતા ચારના મોત થયા છે. જ્યારે એક બાળકને બચાવી લેવાયું છે. બચાવી લેવાયેલા બાળકને સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલે ખસેડવામાં આવ્યું છે. ઘટનાને પગલે વિસાવદર પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
માતાએ 4 બાળકો સાથે જેતલવડથી લાલપુરના રસ્તે 70 ફૂટ ઊંડા પાણી ભરેલા કૂવામાં કૂદીને આપઘાત કર્યો હતો. આ ઘટનાની જાણ થતા 108 અને પોલીસ તેમજ ધારાસભ્ય સહિત આસપાસના ગ્રામજનો તથા તરવૈયા સહિતનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. તરવૈયાઓને એક બાળકને શોધવામાં સફળતા મળી હતી, જ્યારે માતા અને ત્રણ બાળકોના મૃતદેહો બહાર કાઢ્યા હતા. ઘટનાને પગલે ગ્રામજનોમાં શોકનો માહોલ છવાયો છે. ત્યારે પોલીસ આપઘાત કરવા પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.