વીએસ સુપરિન્ટેન્ડેન્ટે લાશની અદલા-બદલીમાં તપાસ કમિટી રચી, કહ્યું ‘ભૂલ કરનાર સર્વન્ટ બરતરફ’

0
22

અમદાવાદ: વીએસ હોસ્પિટલમાં મુસ્લિમ ગર્ભવતી મહિલા સાથે હિન્દુ યુવતીના મૃતદેહની અદલા-બદલીના વિવાદમાં વધુ એક વળાંક આવ્યો છે. બે દિવસ સુધી આ પ્રકરણમાં વીએસ હોસ્પિટલના તંત્રનો કોઈ વાંક ન હોવાનું ગાણું ગાનારા સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. મનીષ પટેલે શનિવારે આ મામલે તપાસ કમિટીની રચનાની જાહેરાત કરી છે. તેમણે એમ પણ કહ્યું છે કે, આ છબરડા માટે હોસ્પિટલના સર્વન્ટની ભૂલ છે અને હાલ તેને ફરજ પરથી બરતરફ કરવામાં આવ્યો છે. મિતલ જાદવની ડેડબોડી પોલીસ અને તેના પરિવારજનોએ વેરિફાય કરી ત્યારપછી જ સોંપાઈ હતી. આમ છતાં તપાસ કમિટીનો જે પણ રિપોર્ટ આવશે તેના આધારે પગલાં લેવામાં આવશે.

મૃતદેહની અદલા-બદલીમાં પોલીસ ફરિયાદનો વિવાદ વકર્યો, પોલીસ પણ મૂંઝવણમાં: વીએસ હોસ્પિટલમાં મુસ્લિમ ગર્ભવતી મહિલા સાથે હિન્દુ યુવતીના મૃતદેહની અદલા-બદલીનો વિવાદ બીજા દિવસે પણ યથાવત રહ્યો છે. બાવળાની મિતલ જાદવ સમજીને ધોલેરા પાસેના ગામમાં દફનવિધિ કરી દેવાયેલા નસરીનના મૃતદેહને કબર ખોદીને ગત મોડી રાત્રિએ વીએસ હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે પરત લવાયો છે. શનિવારે સવારે વીએસ હોસ્પિટલના સત્તાવાળાઓએ બંને મૃતદેહનું પેનલ ડોક્ટર દ્વારા ફરી પોસ્ટ મોર્ટમ કરાયું છે. જો કે, નસરીનના પરિવારજનો ટસથી મસ થઈ રહ્યા નથી અને વીએસ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ સહિતના સત્તાવાળાઓ સામે પોલીસ ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવામાં આવે તે માટે તેઓ ઉગ્ર માગણી કરી રહ્યા છે.

એલિસબ્રિજ પોલીસ મથામણ બાદ ફરિયાદ નોંધવા તૈયાર થઈ, છતાં હોબાળો: નસરીનના સગાની ગઈકાલ સાંજથી માગ છે કે મૃતદેહ બદલી નાંખવાની ગંભીર બેદરકારી દાખવનારા વીએસ હોસ્પિટલના સત્તાવાળાઓ અને ખાસ કરીને આ ભૂલ તો પટાવાળાની છે તેવું બેજવાબદાર નિવેદન કરવા બદલ હોસ્પિટલ સુપરિન્ટેન્ડેન્ટની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. આ માગણી સાથે પોલીસ ફરિયાદ નોંધાવવા નસરીનના સગાવ્હાલા ગત રાત્રિએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. પોલીસે તે સમયે અરજી લીધી હતી જ્યારે શનિવારે સવારે ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરી હતી. પરંતુ નસરીનના સગા અડી ગયા હતા અને કહ્યું હતું કે, પોલીસવાળા હોસ્પિટલમાં આવીને જ ફરિયાદ નોંધે અને કાર્યવાહી કરે.

મિતલના પરિવારજનોની પણ વીએસના સત્તાવાળાઓ સામે પગલાંની માગ: મિતલના સગાએ હજી ગઈકાલે જ ધોલેરા પાસેના ગામે તેમની દિકરી સમજીને નસરીનની લાશને દફનાવી હતી. ત્યારબાદ બપોરે પોલીસનો ફોન આવતાં તેઓ ફરી બાવળાથી ધોલેરા પહોંચ્યા હતા અને રાત્રે નસરીનની લાશને ખોદીને વીએસ લાવવામાં આવી ત્યારથી તેઓ વીએસ ખાતે જ છે. હજી સુધી તેમને તેમની દિકરીનો મૃતદેહ મળ્યો નથી અને ફરી તેમણે દફનવિધિ કરવી પડશે. આ તમામ હાલાકીમાં વીએસ હોસ્પિટલની બેદરકારી જવાબદાર હોવાનો આક્ષેપ કરતી અરજી તેમણે એલિસબ્રિજ પોલીસને આપી છે.

એલિસબ્રિજ પોલીસ ઉપરાંત ઝોન-7 ડીસીપી ડામોર પણ વિમાસણમાં: ગત રાત્રિએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં નસરીનના સગા ફરિયાદ નોંધાવવા ગયા હતા ત્યારે પોલીસે ફક્ત અરજી લીધી હતી. આ મામલે રાત્રે ઘણી તકરાર થઈ હતી. જ્યારે સવારે વધુ દબાણ આવતા ઝોન-7 ડીસીપી કે એન ડામોરની સૂચનાથી એલિસબ્રિજ પોલીસે બંને યુવતીના સગાની ફરિયાદ લેવાની તૈયારી દર્શાવી હતી. જો કે, આ સમયે નસરીનના સગા અડી જતાં એલિસબ્રિજ પોલીસની સાથે ડીસીપી ડામોર પણ વિમાસણમાં મૂકાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here