શાસ્ત્રીજીના મૃત્યુનો રાઝ જાણવાની અધૂરી કોશિશ ફિલ્મમાં દેખાઈ

0
51

મુંબઈ: વિવેક અગ્નિહોત્રીએ ભારતીય રાજકીય ઇતિહાસના એક રહસ્યમય અધ્યાયને પોતાની ફિલ્મ ‘ધ તાશકંદ ફાઇલ્સ’થી ફરી લોકોની સામે લાવવાનો પ્રયાસ કર્યો છે. આ સ્ટોરી ભારતના બીજા પ્રધાન મંત્રી લાલ બહાદુર શાસ્ત્રીના ‘મિસ્ટિરિઅસ ડેથ’ની આજુબાજુ ફરે છે.

એક મહત્ત્વાકાંક્ષી પોલિટિકલ પત્રકાર રાગિણી ફૂલે (શ્વેતા બસુ પ્રસાદ) એક સનસનાટી મચાવી દે તેવા ન્યૂઝની શોધમાં છે, નહીં તો તેને સોફ્ટ બીટમાં ટ્રાન્સફર કરી દેવાનો ખતરો હતો. ત્યારે જ એક અજાણ્યા નંબરથી તેને ફોન આવે છે અને તેને શાસ્ત્રીજીના મૃત્યુ વિશે અમુક લીડ મળે છે. કોલ પર અજાણ્યો વ્યક્તિ તેને પીએમની હત્યા વિશેની છુપી માહિતી ભેગી કરવા માટે ઉક્સાવે છે.

રાગિણી આ સનસનાટી ભરેલી સ્ટોરીની જાણકારી મેળવે છે. થોડા જ સમયમાં તેની સ્ટોરીથી વિવાદ શરૂ થઇ જાય છે અને આખી બાબતની તપાસ માટે એક તપાસ સમિતિની રચના કરવામાં આવે છે. સમિતિમાં એક ઇતિહાસકાર આયશા (પલ્લવી જોશી), પૂર્વ રાજનેતા શ્યામ સુંદર ત્રિપાઠી (મિથુન ચક્રવર્તી)  વૈજ્ઞાનિક ગંગારામ (પંકજ ત્રિપાઠી), રૉ ચીફ અન્નાર્થ સુરેશ (પ્રકાશ બેલવાડી) અને સોશિયલ સર્વન્ટ (મંદિરા બેદી) સામેલ હોય છે.

અગ્નિહોત્રી અને તેમની ટીમ આ ઘટના સાથે જોડાયેલા ઘણા બધા રાઝને સામે લાવવાની કોશિશ કરી છે. ફક્ત આટલું જ નહીં, તે સમયે જે અફવાઓ ફેલાઈ રહી હતી તેને પણ બતાવવામાં આવી છે. સમિતિની તપાસ દરમિયાન ઘણા બધા આકડા, થિયરી અને સિદ્ધાંત રજૂ કરવામાં આવે છે જે એક પોઇન્ટ પછી આપણને આ તથ્યો અને આકડાઓની સત્યતા વિશે વિચારતાં કરી દેશે. મોટાભાગના તર્ક અને આકડા એક તરફ નમેલા હોય એવું લાગે છે.

ફિલ્મમાં છેલ્લે સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, ફિલ્મમાં કરેલા દાવાની પ્રમાણિકતાને વેરિફાય કરી શકાય એમ નથી, તેનાથી સ્થિતિ વધુ ખરાબ થઇ જાય છે.

કોઈ દેશના નેતાની હત્યા પાછળ શું રહસ્ય હોઈ શકે છે, તે જાણવાનો પ્રયાસ એ ફિલ્મના વિષયને ખરેખર રસપ્રદ બનાવે છે, પરંતુ અધૂરો પ્રયાસ અને બિનજરૂરી રીતે તેને સનસનાટી ભરેલું બતાવવાની કોશિશ ફિલ્મની વિરુદ્ધ કામ કરે છે.

શ્વેતા બસુ પ્રસાદે ઘણા આત્મવિશ્વાસ સાથે એક ટફ રોલ નિભાવ્યો છે, પરંતુ તે પણ અમુક સીન્સમાં ઓવરએક્ટિંગ કરે છે. વિવેક અગ્નિહોત્રી પાસે એક્ટર્સની એક સારી ટીમ છે. નસીરુદ્દીન શાહના બેરહેમ મહત્ત્વાકાંક્ષી ગૃહ મંત્રી નટરાજન ના રોલને વધુ સારી રીતે પ્રેઝન્ટ કરવાની જરૂર હતી. પલ્લવી જોશી એક હોનહાર ઇતિહાસકારની ભૂમિકામાં એકદમ ફિટ બેસે છે. પંકજ ત્રિપાઠી માટે કોઈ સારું કેરેક્ટર લખાયું હોત તો સારું થાત. તેમ છતાં તેને જે રોલ મળ્યો તેમાં તેમણે બેસ્ટ પર્ફોર્મ કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here