શાહે કહ્યું- કોલકાતામાં મારા પર ત્રણ હુમલાઓ થયા, પહેલાંથી પથ્થરમારો અને હોબાળો થશે તેવી સુચના હતી

0
44

કોલકાતા/નવી દિલ્હીઃ ભાજપ અધ્યક્ષ અમિત શાહે કોલકાતા રોડ શોમાં હિંસાને લઈને તૃણુમૂલ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેઓએ કહ્યું કે અમે શાંતિથી રોડ શો કરી રહ્યાં હતા તેમ છતા અમારા પર ત્રણ હુમલાઓ થયા. અમારી પાસે માહિતી હતી કે યુનિવર્સિટીના કેટલાંક લોકો આવશે અને પથ્થરમારો કરશે. શાહે કહ્યું કે યુનિવર્સિટીની અંદર વિદ્યાસાગરજીની મૂર્તિ તૃણુમૂલના કાર્યકર્તાઓએ જ તોડી છે. બીજી બાજુ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે અમિત શાહ ભગવાન છે, કે તેના વિરૂદ્ધ પ્રદર્શન ન કરી શકાય.

મંગળવારે કોલકાતામાં શાહના રોડ શોમાં હોબાળો થયો હતો. શાહ જે વાહનમાં હતા તેના પર દંડા ફેંકવામાં આવ્યા હતા. રોડ શો પર કેટલાંક લોકોએ પથ્થર ફેંક્યા અને આગચંપી પણ કરવામાં આવી. પોલીસે સ્થિતિ કાબૂમાં લેવા લાઠીચાર્જ કર્યો હતો. જે બાદ શાહે રોડ શો ખતમ કરી દીધો હતો.

યુનિવર્સિટીની અંદરથી પથ્થરમારો થયો હતો- શાહઃ શાહે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ચૂંટણીમાં બંગાળ ઉપરાંત ક્યાંય પણ હિંસાની ઘટના નથી ઘટી. મમતા બેનર્જીનો આરોપ છે કે હિંસા ભાજપ કરે છે. ભાજપ આખા દેશમાં ચૂંટણી લડી રહ્યું છે જ્યારે કે તમે માત્ર બંગાળની 42 સીટ પર જ ચૂંટણી લડી રહ્યાં છો. અન્ય કોઈ રાજ્યમાં હિંસાની ઘટના નથી ઘટતી, માત્ર બંગાળની 6 સીટ પર જ હિંસા થાય છે. ગઈકાલે પોલીસ મૂક દર્શક બની ઊભી હતી. અમારા કાર્યકર્તાઓને ઉશ્કેરવામાં આવ્યા. વડાપ્રધાન સહિતના મારા અને અન્ય નેતાઓના પોસ્ટર્સ ફાડવામાં આવ્યા. આગચંપી, પથ્થરમારો અને બોટલની અંદર કેરોસીન નાખીને સળગાવવાના પ્રયાસો પણ કરાયાં. યુનિવર્સિટીની અંદરથી પથ્થરમારો થઈ રહ્યો હતો.

TMCના કાર્યકર્તાઓએ મૂર્તિ તોડીઃ શાહે કહ્યું કે યુનિવર્સિટીની અંદર જઈને વિદ્યાસાગરજીની મૂર્તિ કોને તોડી. અંદરથી તો ટીએમસીના કાર્યકર્તા પથ્થરમારો કરી રહ્યાં હતા. તેઓ જ દંડા લઈને આવ્યા હતા. ભાજપના કાર્યકર્તા તો બહાર હતા. વચ્ચે પોલીસ હતી. ટીએમસી કાર્યકર્તાઓએ જ ઈશ્વરચંદ વિદ્યાસાગરની પ્રતિમા તોડી.

મમતાએ ભાજપ પર વિદ્યાસાગરજીની મૂર્તિ તોડવાનો આરોપ લગાવ્યો હતોઃ મમતાએ કહ્યું કે, “ભાજપ અસંસ્કારી છે, તેથી તેઓ વિદ્યાસાગરની મૂર્તિ તોડી. તેઓ બહારનાં લોકો છે. શું શાહ કોલકાતા વિશ્વવિદ્યાલયની વિરાસત અંગે કંઈ જાણે છે? શું તેઓ જાણે છે કે કઈ મહાન હસ્તિઓએ અહીં અભ્યાસ કર્યો? આ પ્રકારના હુમલાઓ માટે તેમને શરમ આવવી જોઈએ.”

‘હું બહારનો નથી ભાજપના પ્રચાર માટે આવ્યો હતો’: મમતા દ્વારા આ બહારના લોકો છે તેવું જણાવાયું હતું જેના જવાબમાં શાહે કહ્યું કે, પશ્ચિમ બંગાળ ભારતનો જ હિસ્સો છે. મમતા મારા પર બહારના હોવાનો આરોપ કેમ લગાવી રહી છે? તેઓ પોતે પણ દિલ્હી આવે જાય છે. હું ભાજપનો રાષ્ટ્રીય અધ્યક્ષ છું, તેથી કોલકાતામાં પાર્ટીના પ્રચાર માટે આવ્યો હતો.

આજે ચૂંટણી પંચને મળશે TMCનું પ્રતિનિધિમંડળઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે કોલકાતામાં શાહ અને વડાપ્રધાન મોદીના મોટા મોટા કટઆઉટ લગાવવામાં આવ્યા છે. ભાજપ અહીં ઘણો જ રૂપિયો ખર્ચી રહ્યાં છે. ચૂંટણી પંચે તેના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કેમ નથી કરતા? આ વચ્ચે બંગાળમાં ભડકેલી હિંસાને લઈને તૃણુમૂલ નેતાઓનું પ્રતિનિધિમંડળ બુધવારે ચૂંટણી પંચને મળશે.

ભાજપની ચૂંટણી પંચને અપીલ- મમતાના પ્રચારને રોકોઃ ભાજપે ચૂંટણી પંચને અપીલ કરી છે કે મમતાને પશ્ચિમ બંગાળમાં પ્રચાર કરતાં રોકવા જોઈએ. ભાજપનો આરોપ છે કે રાજ્યમાં બંધારણીય તંત્ર ખતમ થઈ ગયું છે. શાહના રોડ શોમાં હિંસા પછી મંગળવારે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ અને મુખ્તાર અબ્બાસ નકવીની આગેવાનીમાં ભાજપનું પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચને મળ્યા હતા. ભાજપે પંચને બંગાળના મામલા તાત્કાલિક દરમિયાનગીરી કરવાની અપીલ કરી છે, કે જેથી ત્યાં નિષ્પણ ચૂંટણી થઈ શકે.

‘મોદી હિટલરથી પણ ખતરનાક’: મમતાએ એક રેલીમાં કહ્યું હતું કે મોદથી સાવધાન રહો. તેઓ હિટલરથી પણ ખતરનાક છે. જો તેઓ બીજી વખત સત્તામાં આવી ગયા તો દેશને વહેંચી નાંખશે. ભાજપ બંગાળના વોટર્સને આકર્ષવા માટે અહીં હવાલાથી પૈસા લાવી રહ્યાં છે. તેઓએ રાજ્યની મશીનરીને હાઈજેક કરી લીધી છે. કોલકાતામાં જ વોટર્સ વચ્ચે કરોડો રૂપિયા વ્હેંચવામાં આવ્યા છે. દરેક વોટર્સને તેઓ 5 હજાર રૂપિયા આપી રહ્યાં છે, આ ચૂંટણી છે કે મજાક.

મમતાનો આરોપ- ભાજપે હિંસાની યોજના બનાવીઃ મમતાએ હિંસાનો આરોપ ભાજપ પર લગાવ્યો. તેઓએ કહ્યું કે, “ભાજપે પહેલાંથી જ હિંસાની યોજના બનાવી હતી. તેઓએ બહારથી ગુંડા બોલાવીને કોલકાતા યુનિવર્સિટી કેમ્પસમાં હુમલો કર્યો.” પોલીસના જણાવ્યા મુજબ, “કોલકાતા યુનિવર્સિટીની સામે તૃણુમૂલ છાત્ર પરિષદ અને લેફ્ટ વિંગના કાર્યકર્તાઓએ શાહ વિરૂદ્ધ સૂત્રોચ્ચારો કર્યા અને કાળા ઝંડા ફરકાવ્યાં. સાથે જ તેમના કાફલા પર પથ્થરમારો કરાયો. જે બાદ ભાજપ અને તૃણુમૂલ કાર્યકર્તાઓમાં ઘર્ષણ થઈ ગયું. ભાજપ કાર્યકર્તાઓએ પણ હોસ્ટેલનો ગેટ બંધ કરી દીધો અને પથ્થરમારો કર્યો. આ દરમિયાન કેટલાંક લોકોએ વિદ્યાસાગર કોલેજમાં લાગેલી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિને પણ તોડી નાખી.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here